ચૌધરી, જનરલ જે. એન. (જ. 10 જૂન 1908, કૉલકાતા; અ. 6 એપ્રિલ 1983, ન્યૂદિલ્હી) : ભારતીય લશ્કરના નિવૃત્ત વડા. આખું નામ જયંતનાથ ચૌધરી. શિક્ષણ કૉલકાતા તથા લંડનમાં. સૅન્ડહર્સ્ટ (ઇંગ્લૅન્ડ) ખાતે તાલીમ (1928) લઈ નૉર્થ શેફર્ડશર રેજિમેન્ટની પ્રથમ પલટણમાં લશ્કરનો અનુભવ લીધા બાદ, ભારતીય લશ્કરની સાતમી કૅવલરીમાં જોડાયા. 1940માં ક્વેટા ખાતેની સ્ટાફ કૉલેજમાં ઉચ્ચ લશ્કરી પ્રશિક્ષણ લીધું. બીજા વિશ્વયુદ્ધ (1939–45) દરમિયાન આફ્રિકાના મોરચે ભારતીય ડિવિઝનમાં ઉત્કૃષ્ટ કામગીરી બજાવી તે માટે તેમને ‘ઑર્ડર ઑવ્ બ્રિટિશ એમ્પાયર’નો ખિતાબ એનાયત કરવામાં આવ્યો. 1944માં તેઓ સોળમી કૅવલરીના સેનાપતિ બન્યા. આફ્રિકાના મોરચા ઉપરાંત બીજા વિશ્વયુદ્ધમાં તેમણે જાપાન વિરુદ્ધની લડાઈમાં રંગૂન મોરચે તથા જાવા અને ઇન્ડોચાઇનામાં પ્રશંસનીય કામગીરી બજાવી. 1946માં તેમને બ્રિગેડિયર અને 1948માં મેજર જનરલનો હોદ્દો બક્ષવામાં આવ્યો. 1947માં ઇંગ્લૅન્ડની ઇમ્પીરિયલ ડિફેન્સ કૉલેજમાં તેમણે અત્યુચ્ચ લશ્કરી તાલીમ પ્રાપ્ત કરી. 1948માં પહેલી આર્મર્ડ ડિવિઝનના જનરલ ઑફિસર કમાન્ડિંગના હોદ્દા પર તેમને બઢતી મળી.
તે અરસામાં સરદાર પટેલે હૈદરાબાદ રિયાસતની સામે લીધેલ ‘પોલીસ ઍક્શન’નું નેતૃત્વ જનરલ ચૌધરીને સોંપવામાં આવ્યું હતું. થોડા જ સમયમાં નિઝામના લશ્કર અને રઝાકારોએ શરણાગતિ સ્વીકારી. જનરલ ચૌધરીને રિયાસતના લશ્કરી ગવર્નર નીમવામાં આવ્યા.
1953માં તે ભારતીય લશ્કરના મુખ્ય કાર્યાલયમાં જનરલ સ્ટાફના વડા નિમાયા. 1955માં લેફ્ટનન્ટ જનરલના હોદ્દા સાથે તેઓ કોર કમાન્ડર બન્યા. 1958માં ચીનની મુલાકાતે ગયેલા ભારતીય લશ્કરના શિષ્ટમંડળના તેઓ વડા હતા. 1961માં ભારતીય લશ્કરના દક્ષિણ કમાન્ડના જનરલ ઑફિસર કમાન્ડિંગને પદે તેમની નિયુક્તિ થઈ. ડિસેમ્બર 1961માં ગોવા મુક્તિ સંગ્રામ દરમિયાન ભારતીય લશ્કરની કાર્યવાહીનું તેમણે સફળ નેતૃત્વ કર્યું. નવેમ્બર 1962માં તે ભારતીય લશ્કરના વડા બન્યા. 1965ના ભારત પરના પાકિસ્તાની આક્રમણ દરમિયાન ભારતીય લશ્કરે વિદેશી આક્રમણને પરાસ્ત કરવા માટે જે વ્યૂહરચના ઘડી કાઢી તેનો જશ જનરલ ચૌધરીની કુનેહ તથા લશ્કરી કુશળતાને ફાળે જાય છે.
1966માં તે લશ્કરમાંથી નિવૃત્ત થયા બાદ કૅનેડામાં ભારતીય હાઈ- કમિશનર નિમાયા હતા. કૅનેડાની મૅકગિલ યુનિવર્સિટીમાં લશ્કરી ઇતિહાસના મુલાકાતી પ્રાધ્યાપકપદે પણ તેમણે કાર્ય કર્યું હતું.
તેમને સંગીત ઉપરાંત પત્રકારત્વનો પણ શોખ હતો. ભારતના લશ્કરની સેવામાં હતા તે દરમિયાન ‘સ્ટેટ્સમૅન’ પત્રમાં તખલ્લુસથી લખાણ આપતા. નિવૃત્તિ પછી ‘ઇન્ડિયન એક્સ્પ્રેસ’માં લશ્કરી ખબરપત્રી તરીકે તેઓ નિયમિત લેખો લખતા. ‘ઑપરેશન પોલો’ તથા ‘આર્મ્સ, એમ્સ ઍન્ડ આસ્પેક્ટ્સ’ નામના તેમના બે ગ્રંથો (1966) પ્રકાશિત થયા છે.
ઇજિપ્તના પ્રમુખ જનરલ નાસરે તેમને ‘ગ્રૅન્ડ કૉર્ડન ઑવ્ ધ ઑર્ડર ઑવ્ મેરિટ’ પદવીથી, નેપાળ નરેશે તે દેશના લશ્કરના માનદ જનરલના હોદ્દાથી તથા ભારત સરકારે ‘પદ્મવિભૂષણ’ ખિતાબથી તેમને સન્માન્યા હતા.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે