ચોરવાડ : જૂનાગઢ જિલ્લામાં અરબી સમુદ્રના કિનારે માંગરોળની પાસે દરિયાકિનારે વિકાસ પામેલું વિહારધામ. 21° 01’ ઉત્તર અક્ષાંશ અને 70° 02’ પૂર્વ રેખાંશ પર ગુજરાતની પશ્ચિમ બાજુએ અરબી સમુદ્રકિનારા પર તે આવેલું છે. સોમનાથથી 25 કિમી. અને જૂનાગઢથી 60 કિમી. દૂર છે. અમદાવાદથી 400 કિમી.ના અંતરે છે. જાન્યુઆરી મહિનામાં સરેરાશ તાપમાન 20° સે. અને મેમાં 30° સે. અનુભવાય છે. મોટા ભાગનો વરસાદ જૂનથી સપ્ટેમ્બર દરમિયાન પડી જાય છે. ચોરવાડનો વાર્ષિક સરેરાશ વરસાદ 1000 મિમી. જેટલો નોંધાય છે.
ચોરવાડના દરિયાકિનારે આવેલ જૂનાગઢના નવાબના વિશાળ રાજમહેલને વિહારધામમાં ફેરવી દેવાયો છે. આ નાઘેરનો લીલોછમ–હરિયાળો દરિયાકિનારાનો વિસ્તાર છે. આજુબાજુ નારિયેળીનાં વૃક્ષો અને ફળોથી લચી પડેલી વાડીઓ જોવા મળે છે. દરિયાકિનારાની સ્વાસ્થ્યવર્ધક હવા અહીં આવતા પ્રવાસીઓ માટે આકર્ષણરૂપ બને છે. તીથલ, ડુમ્મસ અને ઉભરાટ જેવું જ ચોરવાડ વિહારધામ તરીકે ગુજરાત સરકારે વિકસાવ્યું છે. અહીં આવવા માટે અમદાવાદથી હોલીડે કૅમ્પની બસની સુવિધા પણ છે.
ગોવિંદભાઈ વિસરામભાઈ પટેલ