ચોપચીની : એકદળી વર્ગમાં આવેલા લીલીએસી કુળની આયુર્વેદિક વનસ્પતિ. સં. द्धिपान्तर वचा; હિં. મ. चोबचीनी, चोपचीनी; અં. ચાઈના રૂટ (china root); લૅ. Smilax china. તે પર્ણપાતી (deciduous) આરોહી વનસ્પતિ છે. તેના પર છાલશૂળ (prickles) ભાગ્યે જ જોવા મળે છે. પર્ણો ઉપવલયી (elliptic) કે ગોળાકાર હોય છે ફળ લાલ રંગનાં અને અનષ્ઠિલ (berry) પ્રકારનાં જોવા મળે છે. મૂળ ખોરાકસંગ્રહ કરી કંદ (tuber) બનાવે છે. તે ‘ચાઇના રૂટ’ નામના ઔષધ તરીકે જાણીતું છે. આ વનસ્પતિ ચીન અને જાપાનની મૂલનિવાસી છે. પોર્ટુગીઝો તેને 16મી સદીમાં ભારત લાવ્યા હતા અને તેનો ‘સારસાપરિલા’ની જેમ વ્યાપકપણે ઉપયોગ થવા માંડ્યો હતો.
યુનાની હકીમોએ મધ્યકાલીન યુગમાં ભારતમાં ચોપચીનીનો ઉપયોગ પ્રચલિત કર્યો હતો. તેના ગુણધર્મો પ્રાય: અશ્વગંધા (આસન) જેવા છે.
તે કડવી, ગરમ, અગ્નિદીપક, ધાતુવર્ધક, બલકર, મળ અને મૂત્રની શુદ્ધિ કરનાર, યુવાની દેનાર, પુષ્ટિકર્તા, વૃષ્ય, રસાયન, ગર્ભપ્રદ, વાયુનાં દર્દો મટાડનાર, વાતઘ્ન, શૂલહર, રક્તશુદ્ધિકર તથા વીર્યશુદ્ધિકર છે. ઔષધ રૂપે તે ઉન્માદ, અપસ્માર (વાઈ), અગ્નિમાંદ્ય, આફરો, શૂળ, કબજિયાત, કૃમિ, સોજા, તાવ, દુર્બળતા, પરમિયો તથા તેથી થનારો સંધિવા – સંધિશોથ, સંધિ જકડાવા, રક્તવિકાર, કોઢ, ઉપદંશ, સિફિલિસ જેવા ત્વચારોગો; વ્રણ, ભગંદર, પક્ષાઘાત, હરસ તથા દીર્ઘકાળના તાવ જેવાં દર્દથી આવેલી નબળાઈ દૂર કરનાર એક શ્રેષ્ઠ રસાયન છે. તેની ક્રિયા વિશેષત: ત્વચા, સંધિબંધન તથા રસગ્રંથિઓ પર, સોજા અને વેદનાયુક્ત દર્દો પર થાય છે. વીર્યવિકારો દૂર કરવા તથા વાજીકરણ માટે તે દૂધમાં લેવાય છે. પિત્તપ્રકૃતિના લોકોને તે પ્રતિકૂળ છે પણ કફ-વાત વિકારોવાળા દર્દીને તે ઠંડી ઋતુમાં સેવનથી હિતકર છે.
બળદેવપ્રસાદ પનારા