ચો (જ. 5 ઑક્ટોબર 1934, ચેન્નાઈ; અ. 7 ડિસેમ્બર 2016, ચેન્નાઈ) : પ્રસિદ્ધ ભારતીય પત્રકાર અને અભિનેતા, મૂળ નામ એસ. રામસ્વામી. પિતા શ્રીનિવાસન્ અને માતા રાજલક્ષ્મી. રાજકીય વ્યંગકાર, પત્રકાર અને નાટ્યકાર તરીકે આગવું પ્રદાન. રંગમંચ અને ફિલ્મોના સુપ્રસિદ્ધ અભિનેતા. તમિળ ભાષામાં પ્રગટ થતા ‘તુઘલક’ સામયિકના તેમજ અંગ્રેજી ભાષામાં પ્રગટ થતા ‘પિકવિક’ સામયિકના તંત્રી. ટીટીકે ગ્રૂપ ઑવ્ કંપનીઝના કાયદાકીય સલાહકાર. ‘વિવેક ફાઇન આર્ટ્સ’ નામની પોતાની નાટ્ય સંસ્થા દ્વારા 2600 જેટલા પ્રયોગોની તેમણે રજૂઆત કરેલી છે. 23 જેટલાં તમિળ નાટકોનું લેખન, નિર્માણ અને અભિનય. 150 જેટલી તમિળ ફિલ્મોમાં મુખ્યત્વે કૉમેડિયનની ભૂમિકા તેમણે ભજવી છે. 12 તમિળ ફિલ્મોનું પટકથાલેખન અને 4 ફિલ્મોનું દિગ્દર્શન કરેલું છે. સ્થાપિત હિતોના તે કટ્ટર વિરોધી છે. જનતા પક્ષના કાર્યકર. ઇન્ડિયન એક્સ્પ્રેસ ગ્રૂપ દ્વારા 1993માં ‘શ્રેષ્ઠ પત્રકાર’નો ઍવૉર્ડ તેમને મળેલ છે.2017માં તેઓને પદ્મભૂષણ એનાયત થયો હતો.
મહેશ ચંપકલાલ શાહ