ચેરનીએન્ગકો, કૉન્સ્ટેન્ટિન ઉસ્તિનોવિચ
January, 2012
ચેરનીએન્ગકો, કૉન્સ્ટેન્ટિન ઉસ્તિનોવિચ (જ. 24 સપ્ટેમ્બર 1911, બોલ્શેયા, રશિયા; અ. 10 માર્ચ 1985, મૉસ્કો, રશિયા) : 1985માં ગોર્બાચોવના આગમન પહેલાંના સોવિયેટ યુનિયનના પ્રમુખ તથા પક્ષના મહામંત્રી. તેમના અચાનક અવસાનથી ગોર્બાચોવને સત્તારૂઢ થવાની તક મળી હતી. ખેડૂત કુટુંબમાં જન્મ. શિક્ષણ મર્યાદિત, પરંતુ રાજકારણમાં સક્રિય બન્યા પછી મૉસ્કો તથા માલ્દાવિયામાં પક્ષ દ્વારા સંચાલિત સંસ્થાઓમાં રાજકીય પ્રશિક્ષણ લીધું. 1930-33 દરમિયાન સરહદી સલામતી દળમાં અને ત્યારપછીનાં પંદર વર્ષ (1933-48) દરમિયાન પક્ષ વતી પ્રાંતોમાં કામગીરી કરી. 1931માં સામ્યવાદી પક્ષમાં જોડાયા અને અવસાન સુધી મહત્વનાં પદો પર કામ કર્યું. 1948માં પક્ષની કેન્દ્રીય સમિતિના માલ્દાવિયા ખાતેની પ્રચાર અને આંદોલન શાખામાં પક્ષનું કામ સંભાળવા માટે મોકલવામાં આવ્યા જ્યાં તે પ્રદેશના પક્ષના પ્રથમ સચિવ બ્રેઝનેવના પરિચયમાં આવ્યા. તેમની રાજકીય કારકિર્દીને અહીંથી વળાંક મળે છે. ટૂંક સમયમાં તે બ્રેઝનેવના સમર્થક બન્યા. 1956માં પક્ષની કેન્દ્રીય સમિતિની મૉસ્કો ખાતેની પ્રચાર અને આંદોલન શાખામાં વિભાગીય પ્રમુખ બન્યા. 1960માં પક્ષના અધ્યક્ષ મંડળ(presidium)ના સચિવાલયના પ્રમુખ તથા 1965-83ના ગાળામાં પક્ષની કેન્દ્રીય સમિતિના સામાન્ય વિભાગના વડા તરીકે કામગીરી બજાવી. તે દરમિયાન 1971માં કેન્દ્રીય સમિતિના પૂર્ણ સભ્ય, 1976માં સચિવ તથા 1978માં રાજકીય સમિતિ(polit-bureau)ના પૂર્ણ સભાસદ બન્યા.
બ્રેઝનેવના અવસાન પછી પક્ષનું નેતૃત્વ તેમણે સંભાળ્યું. 1982માં દેશના પ્રમુખપદના સંઘર્ષમાં તે આંદ્રેપોવના પ્રતિસ્પર્ધી હતા જેમાં તેમને સફળતા મળી ન હોવા છતાં આંદ્રેપોવના પ્રમુખ તરીકેના કાર્યકાળ દરમિયાન પણ પક્ષની રાજકીય સમિતિ તથા સચિવાલયની રાજકીય સમિતિઓનું પ્રમુખપદ સંભાળ્યું. ફેબ્રુઆરી 1984માં પક્ષના સામાન્ય મંત્રી તથા તે જ વર્ષે એપ્રિલમાં દેશના પ્રમુખ ચૂંટાયા. સુસ્લોવના અવસાન પછી ચેરનીએન્ગકો પક્ષની વિચારસરણીના ઘડવૈયા ગણાતા હતા.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે