ચેદિઓ : વૈદિક સમયની એક પ્રાચીન જાતિ. તે લોકો સંભવત: યમુના નદી અને વિંધ્યાચળ પર્વત વચ્ચેના પ્રદેશમાં રહેતા હતા. તેમના કશુ નામના રાજાએ તેના પુરોહિતને 10 રાજાઓ સેવક તરીકે દાનમાં આપ્યા હતા એવો ‘દાનસ્તુતિ’માં ઉલ્લેખ છે. ચેદિઓ યદુઓમાંથી ઊતરી આવ્યા હતા એવી માહિતી પૌરાણિક સાહિત્યમાંથી મળે છે. યાદવોના નેતા વિદર્ભ અયોધ્યાના રાજા સગરના સમકાલીન હતા. સગર રાજા યુદ્ધો દ્વારા દક્ષિણ તરફ સામ્રાજ્ય વિસ્તારતા હતા તેથી વિદર્ભ તેમની સાથે સમાધાન કરીને દક્ષિણમાં ગયા. તેઓ જે પ્રદેશમાં રહ્યા એ પ્રદેશ એમના નામ પરથી વિદર્ભ તરીકે ઓળખાયો. સગરના મૃત્યુ પછી તે તકનો લાભ લઈને વિદર્ભના યાદવો ઉત્તરના પ્રદેશો જીતવા આગળ વધ્યા. વિદર્ભના ક્રથ અથવા ભીમ, કૈશિક અને લોમપાદ નામના 3 પુત્રોએ પોતાના અલગ રાજવંશોની સ્થાપના કરી. એમાં બીજા પુત્ર કૈશિકે ચેદિ દેશમાં પોતાના રાજ્યની અને રાજવંશની સ્થાપના કરી. તેનું રાજ્ય દક્ષિણમાં ચંબલ નદીથી ઉત્તરમાં યમુના નદી સુધી વિસ્તરેલું હતું. ચેદિ રાજ્યની વાયવ્યે મત્સ્ય નામનું રાજ્ય હતું. મહાભારતના યુદ્ધ સમયે શિશુપાલ ચેદિ દેશનો રાજા હતો અને તે પાંડવોના પક્ષે રહીને યુદ્ધ લડ્યો હતો. યાદવોના વંશજો વૈદર્ભો અને વૈદર્ભોના વંશજો ચેદિઓ હતા. સમય જતાં ચેદિ દેશમાં કલચુરીઓએ તેમનું રાજ્ય સ્થાપ્યું હતું.
મુગટલાલ પોપટલાલ બાવીસી
યતીન્દ્ર દીક્ષિત