ચેકુરી, રામારાવ (જ. 1 ઑક્ટોબર 1934, ઇલ્લિનદલપદુ, જિ. ખમ્મા, આંધ્રપ્રદેશ; અ. 24 જુલાઈ 2014, હૈદરાબાદ) : તેલુગુ નિબંધકાર, કવિ. તેમને તેમના નિબંધસંગ્રહ ‘સ્મૃતિ કિણાંકમ્’ બદલ 2002ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે આંધ્ર વિશ્વવિદ્યાલય, વાલ્ટેયરમાંથી તેલુગુ ભાષા અને સાહિત્યમાં એમ.એ. અને કૉરનેલ વિશ્વવિદ્યાલય, ઇથાકા, ન્યૂયૉર્ક, અમેરિકામાંથી ભાષાવિજ્ઞાનમાં એમ.એ. અને પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તેમણે ઉસ્માનિયા વિશ્વવિદ્યાલયમાં ભાષાવિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે તેમની કારકિર્દી
શરૂ કરી હતી. 1972–1977 દરમિયાન દિલ્હી વિશ્વવિદ્યાલય અને ઉસ્માનિયા વિશ્વવિદ્યાલયના ઉપાચાર્ય રહ્યા હતા. 1977માં તેઓ ઉસ્માનિયા વિશ્વવિદ્યાલયમાં આચાર્ય તરીકે નિમાયા અને 1990–1993 દરમિયાન તેઓ ત્યાં વિનયન વિદ્યાશાખાના અધ્યક્ષ રહ્યા. તેઓ ભારતની લિંગ્વિસ્ટિક સોસાયટીના અને દ્રાવિડિયન લિંગ્વિસ્ટિક ઍસોસિયેશનના આજીવન સભ્ય રહ્યા. 1998–2000 સુધી તેઓ સંસ્કૃતિ વિભાગ, ભારત સરકારના ‘ઇમેરિટસ ફેલો’ તથા ‘યુનિવર્સિટી ગ્રાન્ડ કમિશન ફેલો’ રહેલા.
તેલુગુમાં તેમણે 15 ગ્રંથો આપ્યા છે. તેમાં ભાષાવિજ્ઞાન, નિબંધ, કાવ્યસંગ્રહ અને અંગ્રેજી-તમિળ દ્વિભાષી કોશનો સમાવેશ થાય છે. વળી તેમણે ‘અ ગ્રામેટિકલ સ્કૅચ ઑવ્ તેલુગુ’ નામનો એક અંગ્રેજી ગ્રંથ તથા ‘રેન્ડુ પડુલા પૈના’, ‘ચેરાતલુ’, ‘તેલુગુલો વેલુગુલુ’ જેવા ગ્રંથો પણ આપ્યા છે. આ ઉપરાંત અદ્યતન તેલુગુ ભાષામાં ઊંડો અભ્યાસ, કવિતાનાં વિવિધ પાસાંઓનું પૃથક્કરણ, છંદરચનાશાસ્ત્ર તથા ઉત્કૃષ્ટ સાહિત્યિક વિવેચન બદલ તેમને 2008ના વર્ષનો શ્રી કૃષ્ણમૂર્તિ સાહિત્ય પુરસ્કારમ્ એનાયત કરવામાં આવ્યો.
‘સ્મૃતિ કિણાંકમ્’ નામક તેમની પુરસ્કૃત કૃતિ ચરિત્ર અને આત્મકથાવિષયક સંગ્રહ છે. તેમાં તેલુગુ કાવ્યની મહત્ત્વની તમામ ઘટનાઓ અને મહાન કવિઓની બાબતમાં ભારે વસ્તુનિષ્ઠાપૂર્વકની ચર્ચા રજૂ થઈ છે. પ્રગતિશીલ સાહિત્યચિંતક તરીકે લેખકે સાહિત્ય-જગતની દરેક ઘટનાના સકારાત્મક પાસાની સરસ છણાવટ કરી છે. આ કૃતિ તેલુગુમાં લખાયેલ ભારતીય વિવેચનસાહિત્યનું એક નોંધપાત્ર પ્રદાન લેખાઈ છે.
બળદેવભાઈ કનીજિયા