ચૅપમન, સિડની (જ. 29 જાન્યુઆરી 1888, એક્લ્ઝલ્સ, લૅંકેશાયર, ઇંગ્લૅન્ડ; અ. 16 જૂન 1970, બોલ્ડર, કૉલરડો, યુ.એસ.) : ભૂસ્તરપદાર્થવિજ્ઞાન(geophysics)માં સંશોધન માટે વિખ્યાત અંગ્રેજ ગણિતશાસ્ત્રી અને ભૌતિકશાસ્ત્રી. તેમનું સૌપ્રથમ પ્રદાન, મૅક્સવેલના વાયુના ગતિસિદ્ધાંત(kinetic theory of gases)માં સુધારો કરી ઉષ્મીય વિસરણ(thermal diffusion)ની ઘટના વિશે કરેલી આગાહી હતી; તેની પ્રાયોગિક સાબિતી તેમણે પાછળથી 1912થી 1917ના સમયગાળામાં આપી. 1910–14 અને 1916–18 દરમિયાન ગ્રિનિચના શાહી ખગોળવેત્તા (Royal Astronomer) સર ફ્રૅન્ક ડબલ્યુ. ડાઇસનના મુખ્ય સહાયક તરીકે કામ કર્યું, જ્યાં તેમને નવી ચુંબકીય વેધશાળાની ડિઝાઇન કરવા માટેની જવાબદારી સોંપવામાં આવી. આ કામગીરીએ તેમને ભૂસ્તરપદાર્થવિજ્ઞાનમાં રસ લેતા કર્યા અને ચુંબકીય તોફાન અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં થતા ફેરફારનો અભ્યાસ કરવા પ્રેર્યા. આની ફલશ્રુતિ રૂપે તેમણે શોધી કાઢ્યું કે અમુક અંશે ભૂચુંબકીય ક્ષેત્ર જમીનને બદલે વાતાવરણમાં ઉદભવતું હોય છે.
ત્યારપછીનાં વર્ષોમાં ચૅપમને ધ્રુવીય જ્યોતિ (aurora), આયનમંડળ(ionosphere)માં થતા ચુંબકીય વિક્ષોભ અને આયનિત (ionised) વાયુમાં થતી ઉષ્મીય વિસરણની ઘટનાનો અભ્યાસ કર્યો. અનેક સંસ્થાઓમાં તેમની વરણી થયેલી હતી. 1919માં રૉયલ સોસાયટીના સભ્ય હતા અને ભૂચુંબકત્વના ક્ષેત્ર(geo-magnetism)માં તેમના પ્રદાન માટે 1964માં રૉયલ સોસાયટીનો કૉપલી ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો.
એરચ મા. બલસારા