ચૅધામ ટાપુઓ (Chatham Islands)
January, 2012
ચૅધામ ટાપુઓ (Chatham Islands) : ન્યૂઝીલૅન્ડના તાબાના ટાપુઓનું જૂથ. ભૌગોલિક સ્થાન : 43° 55’ દ. અ. અને 176° 30’ પ. રે.. તે ન્યૂઝીલૅન્ડથી પૂર્વમાં આશરે 800 કિમી. દૂર દક્ષિણ પૅસિફિક મહાસાગરમાં આવેલા છે. આ ટાપુઓનું કુલ ક્ષેત્રફળ 967 ચોકિમી. જેટલું છે. આ ટાપુઓની ઉત્પત્તિ જ્વાળામુખી પ્રક્રિયાથી થયેલી છે, પણ કેટલાક ભાગોમાં જોવા મળતા ચૂનાના ખડકો એવું સૂચવે છે કે ભૂતકાળમાં આ ટાપુઓ ન્યૂઝીલૅન્ડ સાથે જોડાયેલા હોવા જોઈએ. બધા ટાપુઓમાં સૌથી મોટા ચૅધામ ટાપુનું ક્ષેત્રફળ 904 ચોકિમી. છે તથા તે 284 મીટરની ઊંચાઈ ધરાવે છે. તેની 20% ભૂસપાટી ખારાં છીછરાં સરોવરોની બનેલી છે. આ ટાપુથી લગભગ 21 કિમી.ના અંતરે પિટ ટાપુ આવેલો છે, જે સૌથી વધુ ઊંચો (296 મીટર) છે અને 62 ચોકિમી.ના વિસ્તારને આવરે છે. આ ઉપરાંત આ જૂથમાં માત્ર સમુદ્રખડકો (cays) રૂપે છૂટાછવાયા અને નાના નાના અનેક ટાપુઓ આવેલા છે. તેમાં સ્ટાર અને સિસ્ટર્સ જેવા સમુદ્રખડકો નોંધપાત્ર છે.
આ ટાપુઓની આબોહવા ઠંડી અને ભેજવાળી છે. અહીં જુલાઈ માસનું સરેરાશ તાપમાન 7.4° સે. અને જાન્યુઆરી માસનું સરેરાશ તાપમાન 14.2° સે. જેટલું રહે છે. અહીં નીચાં વાદળોનું પ્રમાણ વધારે હોય છે અને સરેરાશ વાર્ષિક વરસાદ 848 મિમી. પડે છે. વર્ષભર પવનો મોટે ભાગે નૈર્ઋત્ય ખૂણા તરફથી વાય છે. વળી આ ટાપુઓ પર ભાગ્યે જ હિમ પડે છે.
શરૂઆતમાં 1861 સુધી આ ટાપુઓનો ઉપયોગ વહેલ તથા સીલનો શિકાર કરવા માટેનાં મથકો તરીકે કરવામાં આવતો હતો. 1865થી આ ટાપુઓ પરનાં જંગલોને સાફ કરીને તેને સ્થાને ઘાસ ઉગાડવામાં આવ્યું છે અને ઘાસની આ ચરિયાણભૂમિ પર ઘેટાંઉછેર-પ્રવૃત્તિનો વિકાસ કરવામાં આવ્યો છે. ઘેટાંસંવર્ધન અને ઊનની નિકાસ કરવી, એ આ ટાપુના અર્થતંત્રની પાયાની પ્રવૃત્તિ છે. વળી અહીં મચ્છીમારી પ્રવૃત્તિ બીજા ક્રમે આવે છે. ખાસ કરીને દરિયામાંથી નીલ, કૉડ અને ક્રૉફિશ માછલી પકડવામાં આવે છે.
પંદરમી સદીમાં આ ટાપુઓમાં સૌપ્રથમ પોલીનેશિયન પ્રજાએ વસવાટ કર્યો હતો, પણ આ પછી ન્યૂઝીલૅન્ડના માઉરી લોકોએ તેમના પર આક્રમણ કરીને મોટા ભાગના લોકોને મારી નાખ્યા. આશરે 1500માંથી માંડ માંડ બચેલા 36 જેટલા લોકોને ગુલામો તરીકે રાખવામાં આવ્યા. 1791માં વિલિયમ આર. બ્રૉફ્ટન નામના અંગ્રેજે આ ટાપુઓ શોધ્યા ત્યારે અહીં ન્યૂઝીલૅન્ડના માઉરી લોકોને જોઈને તેને ખૂબ આશ્ચર્ય થયું.
1842થી આ ટાપુઓને ન્યૂઝીલૅન્ડ સાથે જોડવામાં આવ્યા છે અને ન્યૂઝીલૅન્ડના માઉરી તથા રાજદ્વારી સંબંધોના વિભાગના કમિશનર દ્વારા તેનો વહીવટ કરવામાં આવે છે. આજે આ ટાપુઓ પર માઉરી ઉપરાંત થોડાક યુરોપિયનો વસવાટ કરે છે. આ ટાપુઓ પર બૅંકની સુવિધા, ત્રણ શાળાઓ અને એક હૉસ્પિટલ છે. બધા ટાપુઓ પૈકીના ચૅધામ ટાપુ પરની મુખ્ય વસાહત વાઇતૅન્ગી જાતિના લોકોની છે. ચૅધામ અને પિટ ટાપુઓની વસ્તી 660 જેટલી છે (2022). વાઇતેન્ગી વસાહતની વસ્તી 220 જેટલી છે (2022).
બીજલ પરમાર