ચુંબકીય ખનિજો : કુદરતી ચુંબકત્વ ધરાવતાં ખનિજો. કુદરતી સ્થિતિમાં મળતાં અમુક ખનિજો સારી ક્ષમતાવાળા લોહચુંબકથી આકર્ષિત થવાનો ગુણધર્મ ધરાવતાં હોય છે. આવાં ખનિજો ચુંબકીય ખનિજો તરીકે ઓળખાય છે. લોહધાતુખનિજ મૅગ્નેટાઇટ (Fe3O4) માટે આ હકીકત વસ્તુત: ખરી છે. પાયહ્રોટાઇટ (ચુંબકીય પાયરાઇટ Fe1-χS જેમાં χ = 0થી 0.2) પણ અમુક પ્રમાણમાં ચુંબકત્વ ધરાવે છે – ઓછી લોહમાત્રાવાળા પાયહ્રોટાઇટ સામાન્ય તાપમાને લોહચુંબકીય (ferromagnetic) અને થોડા વધુ તાપમાને અનુચુંબકીય (paramagnetic) ગણાય છે. પ્રાકૃત પ્લૅટિનમની કેટલીક જાત (ખાસ કરીને લોહ-પ્લૅટિનમ) પણ ચુંબકીય હોય છે. આ ઉપરાંત કેટલાંક અન્ય ખનિજો જેવાં કે હેમેટાઇટ, ફ્રેન્કલીનાઇટ પણ ક્યારેક (જ્યારે મૅગ્નેટાઇટ સંમિશ્રણવાળાં હોય ત્યારે) લોહચુંબકથી આકર્ષાય છે. મૅગ્નેટાઇટનો ધાતુશિરા પાષાણ (lodestone) પ્રકાર ચુંબક-આકર્ષણ ક્ષમતા અને ધ્રુવત્વ (polarity) બતાવે છે. પૃથ્વી પોતે જ એક વિરાટ ચુંબક હોઈને, પૃથ્વીનું ચુંબકત્વ અને ધ્રુવત્વ કેટલાંક આવાં ખનિજોમાંથી પ્રાપ્ત થતું હોવાનું માનવામાં આવે છે, અને આ જ કારણે આવાં ખનિજો કુદરતી ચુંબક કહેવાય છે.
વ્રિજવિહારી દીનાનાથ દવે