ચિત્રે દિલીપ પુરુષોત્તમ (જ. 17 સપ્ટેમ્બર 1938, વડોદરા; અ. 10 ડિસેમ્બર 2009, પુણે) : મરાઠી તથા અંગ્રેજીના પ્રસિદ્ધ કવિ, વાર્તાકાર, નિબંધકાર, વિવેચક, સંપાદક, અનુવાદક, નાટ્યકાર અને ફિલ્મકાર. તેમના પિતા પુરુષોત્તમ ચિત્રે વડોદરાથી ‘અભિરુચિ’ નામથી મરાઠીમાં એક સામયિક ચલાવતા હતા.
તેમણે તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વડોદરામાં લીધું. પછી 1951માં કુટુંબ સાથે મુંબઈ ગયા. મુંબઇ યુનિવર્સિટીમાંથી 1959માં અંગ્રેજી સાથે બી.એ.ની પદવી મેળવી. 3 વર્ષ ઇથિયોપિયામાં શિક્ષક અને 1 વર્ષ અમેરિકામાં આયોવા ખાતે આંતરરાષ્ટ્રીય ભૂમિકાએ લેખનકાર્ય સંભાળ્યું. પછી ભારત પાછા ફરીને પત્રકાર તથા ડિઝાઇનર તરીકે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના કલાવિભાગમાં તેમજ સ્વતંત્ર રીતે કામગીરી કરી.
1978–83 દરમિયાન તેમણે કેટલાંક મહત્વનાં પદોની જવાબદારી સંભાળી; ભોપાલમાં નિરાલા સૃજનપીઠ અને ભારતભવનમાં વાગર્થના નિયામક, નવી દિલ્હી ખાતે વાલ્મીકિ વિશ્વ કવિતા મહોત્સવના નિયામક તથા પુણેમાં ‘ન્યૂ ક્વેસ્ટ’ના સંપાદક તરીકેની જવાબદારીનો સમાવેશ થાય છે. છેલ્લાં 30 વર્ષથી તેઓ મરાઠી સાહિત્યજગતમાં અગ્રેસર બની રહ્યા હતા.
તેમના કાવ્યસંગ્રહોમાં ‘કવિતા’ (1960); ‘કવિતેનંતરચ્યા કવિતા’ (1978); ‘દહે બાઈ દહા’ (1984) અને ‘એકૂણ કવિતા’ (ખંડ-1, 2) (1952) મુખ્ય છે. તેમનો વાર્તાસંગ્રહ ‘ઑર્ફિયસ’ 1968માં અને સચિત્ર પ્રવાસવર્ણન ‘શીબા રાણીચ્ચ શોધાત’ 1970માં પ્રગટ થયાં છે. તેમણે તુકારામના અભંગોનો ‘સે તુકા’ શીર્ષક હેઠળ અને જ્ઞાનદેવ(‘અમૃતાનુભવ’માંથી)નાં પસંદગીનાં કાવ્યોના અનુવાદ કર્યા છે. અંગ્રેજીમાં લખેલું એક દીર્ઘ કાવ્ય ‘ઍમ્બ્યુલન્સ રાઈડ’ (1972) અને ‘ટ્રાવેલિંગ ઇન એ કેજ’ મુખ્ય છે. 1983માં હિંદી કથા-ફિલ્મ ગોદામ અને કવિઓ પર બનાવેલ કેટલાંક વૃત્તચિત્રો અને શ્રેણીઓ ઉલ્લેખનીય છે.
તેમણે નવી દિલ્હી ખાતે વિશ્વકવિતા સમારોહનું તથા ત્યારબાદ ભોપાલ ખાતે કવિતા પર આંતરરાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કર્યું હતું.
તેમને મહારાષ્ટ્ર રાજ્ય કવિતા પુરસ્કાર (1960–61), કહાની પુરસ્કાર (1968–69), ગોદાવરી સ્મૃતિ કવિતા પુરસ્કાર (કટક, 1980) તથા રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમનો સર્વોત્કૃષ્ટ ફિલ્મ પટકથા માટેનો પુરસ્કાર (1982) મળ્યા છે.
તેમની પુરસ્કૃત કૃતિ ‘એકૂણ કવિતા’(ખંડ 1)માં સ્વત્વ અને વ્યવહારજગત વચ્ચેના જટિલ સંબંધનું અન્વેષણ છે. તે માટે તેમને વર્ષ 1994નો કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. પરંપરાગત પ્રતીકોનો કાવ્યસહજ ભાષાપ્રયોગ તથા સ્વદેશી સંસ્કૃતિ, આધ્યાત્મિકતા તથા સ્ત્રીપુરુષસંબંધો અને મૃત્યુ જેવા વિષયોની રોચક ગૂંથણી કરવામાં આવેલ છે. એ કારણે આ કૃતિ મરાઠીમાં ભારતીય કવિતાનું ઉત્તમ પ્રદાન ગણાય છે.
તેમને ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઍવૉર્ડ મળ્યા હતા.
વર્ષ 2007માં તેમની અંગ્રેજી કવિતાનો સંગ્રહ ‘ઍઝ ઇઝ, વ્હેઅર ઇઝ’ (1964–2007) તથા ‘સ્નેહા’ જેમાં ખાસ પસંદગી કરેલ મરાઠી કવિતા અને અંગ્રેજી અનુવાદ સામેલ કરવામાં આવ્યો છે. તેમણે મરાઠી કવિતાનો સંગ્રહ (Anthology) (1945–65)નું પણ સંપાદન કર્યું છે.
તેમણે એક કથાચિત્ર, 10-12 દસ્તાવેજી ફિલ્મો, કેટલીક ટૂંકી ફિલ્મોનું સર્જન કર્યું છે.
બળદેવભાઈ કનીજિયા