ચિત્રલોક : ગુજરાતી ફિલ્મ સાપ્તાહિક. અમદાવાદના અગ્રણી દૈનિક ‘ગુજરાત સમાચાર’ સાથે સંલગ્ન આ સાપ્તાહિકનું પ્રકાશન 1952ની 26મી જાન્યુઆરીથી શરૂ થયું હતું.
તેનું પ્રકાશન આરંભાયું ત્યારે મુંબઈમાંથી બે-ત્રણ ગુજરાતી સાપ્તાહિકો પ્રગટ થતાં હતાં. પરંતુ ગુજરાતમાંથી દૈનિકપત્રના કદમાં, દૈનિક પત્રોની શૈલીએ મથાળાં તથા માહિતીની રજૂઆત સાથે પ્રગટ થનાર સૌપ્રથમ ફિલ્મ સાપ્તાહિક ‘ચિત્રલોક’ છે.
ફિલ્મ સાપ્તાહિકો સામાન્ય રીતે ફિલ્મોનાં વિજ્ઞાપન માધ્યમોએ પૂરાં પાડેલાં પ્રચારસાહિત્ય તથા ફોટોબ્લૉક તેમજ પ્રચારલક્ષી મુલાકાતો વગેરે મસાલા ઉપર મદાર રાખતાં હતાં. ત્યારે ‘ચિત્રલોકે’ પોતાના સ્રોત ઉપર ઊભા રહેવાની નવી દિશા અપનાવી. ‘ચિત્રલોક’ને ‘ગુજરાત સમાચાર’ જેવા અખબારનું આર્થિક પીઠબળ તથા ફેલાવા માટેના સુયોજિત તંત્રનો સહારો હતો એટલે ફિલ્મી વિજ્ઞાપન માધ્યમો ઉપર લવલેશ પણ આધાર રાખ્યા વિના, મુંબઈમાં પોતાના ખબરપત્રી તથા તસવીરકારની નિયુક્તિ દ્વારા ‘ચિત્રલોકે’ સ્વતંત્ર માહિતી તથા સામગ્રી મેળવવા માંડી. પરિણામે તેની આગવી પ્રતિષ્ઠા બંધાઈ.
‘ચિત્રલોકે’ ફિલ્મ હસ્તીઓની સ-તસવીર માહિતીપ્રધાન તથા ઉદ્યોગની સમસ્યાઓને સમજવાની ર્દષ્ટિએ મુલાકાતો પ્રગટ કરવા માંડી. સાથે સાથે સેટ ઉપરની ઘટનાઓ, આંખે દેખ્યા પ્રસંગો, સેટ તથા સ્ટુડિયો ઉપરના બનાવોના હેવાલો, કલાકારોની જીવનકથા વગેરે સ્વતંત્ર રીતે મેળવી પ્રગટ કરવા માંડ્યાં. આ પ્રકારનું ફિલ્મ પત્રકારત્વ ગુજરાતી ભાષા માટે નવું હતું. પરિણામે તેણે એક વિશેષ આકર્ષણ ઊભું કર્યું. પોતાના તસવીરકાર દ્વારા ખાસ સમાચાર, તસવીરો, ફોટો-ફીચરો, કલાકારોની દિનચર્યાની તસવીરો, ખાસ શૂટિંગનો તસવીરની પાંખે અહેવાલ વગેરે અનેકવિધ નવીનતાઓ દ્વારા ‘ચિત્રલોક’ ચિત્રરસિકોમાં માનભર્યું સ્થાન પ્રાપ્ત કરતું ગયું.
નીડર અને પ્રામાણિક ફિલ્મ અવલોકનો પણ આ ફિલ્મપત્રનું આગવું પાસું બની રહ્યાં. ‘ચિત્રલોક’ ફિલ્મઉદ્યોગ તથા ફિલ્મ પરિવારના હિતચિંતક મિત્ર તથા ઊંચાં મૂલ્યોના રખેવાળ તરીકેની ભૂમિકા ભજવી સિનેરસિકો તથા ફિલ્મઉદ્યોગ વચ્ચે સેતુ બન્યું.
‘ચિત્રલોક’નું સમાજને વિશિષ્ટ અને અનન્ય પ્રદાન તેણે 1952માં સ્થાપેલી પ્રેક્ષક સંસ્થા ‘ચિત્રલોક સિને સર્કલ’ હતું. ફિલ્મ કલાકારો તથા ચિત્રરસિકો વચ્ચેની સુવર્ણકડી બનવાના હેતુ સાથે સ્થપાયેલી આ સંસ્થાએ અઢી દાયકા સુધી જબરજસ્ત માહોલ સર્જ્યો હતો. આ સંસ્થાના મંચ ઉપર આવવાની તક મળતાં ફિલ્મ હસ્તીઓ ગૌરવ અનુભવતી. એ હકીકત સવિશેષપણે ઉલ્લેખનીય છે કે ‘ચિત્રલોક સિને સર્કલ’ના નિમંત્રણથી અમદાવાદ સૌપ્રથમવાર આવી તેના મંચ ઉપરથી તેમના પ્રશંસકો સાથે કલાકો સુધી વાર્તાલાપ કરનાર ફિલ્મ પ્રતિભાઓમાં વિખ્યાત પાર્શ્વગાયિકા લતા મંગેશકર, સંગીત નિર્દેશકો શંકર જયકિશન, કલાકારો અશોકકુમાર, નરગિસ, સુનીલ દત્ત, અમિતાભ બચ્ચન, જયા ભાદુરી, મીનાકુમારી, મહેમૂદ, રાજકુમાર, જિતેન્દ્ર વગેરેનો સમાવેશ થાય છે. પ્રતિકૂળ પ્રવાહોના કારણે આ પ્રેક્ષકમંડળ 1976માં સમેટાઈ ગયું.
આજે પણ ‘ચિત્રલોક’ ફિલ્મ પત્રકારત્વમાં પોતાનું આગવું સ્થાન જાળવી રહ્યું છે !
શશિકાન્ત નાણાવટી