ચિટનીસ, લીલા

January, 2025

ચિટનીસ, લીલા (જ. 9 સપ્ટેમ્બર 1912, ધારવાડ; અ. 14 જુલાઈ 2003, ડનબરી, ક્નેક્ટિક્ટ) : ભારતીય ચલચિત્રજગતની વિખ્યાત અભિનેત્રી. હિમાંશુ રૉય-દેવિકારાણી નિર્મિત ચિત્ર-સંસ્થા બૉમ્બે ટૉકીઝના સુવર્ણકાળનાં ‘કંગન’ અને ‘બંધન’ ચિત્રપટોમાં અશોકકુમાર-લીલા ચિટનીસની જોડીએ પ્રચંડ લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી. સમગ્ર શિક્ષણ નાગપુર ખાતે.

લીલા ચિટનીસ

લગ્ન પછી ફિલ્મોમાં પ્રવેશી નામના પ્રાપ્ત કરનાર અભિનેત્રીઓમાં લીલા ચિટનીસ અગ્રિમ છે. લીલા નગરકર ડૉ. ચિટનીસને પરણી લીલા ચિટનીસ બન્યાં અને અભ્યાસ પૂર્ણ થતાં પતિના પ્રોત્સાહનથી ચલચિત્ર કલાકાર બન્યાં. તે પૂર્વે મરાઠી રંગભૂમિના કલાકાર તરીકે તેમણે કારકિર્દીની શરૂઆત કરી હતી. મરાઠી નાટ્યસંસ્થા ‘નાટ્ય મન્વંતર’ના અભિનેતા-નિર્માતા કેશવરાવ દાતે તે સમયના ખૂબ જ સફળ કલાકાર હતા. ડૉ. ચિટનીસ પણ તે સંસ્થા સાથે સંકળાયેલા હતા. તેમણે ‘ઉસના નવરા’ તથા ‘આંધળ્યાચી શાળા’ અને ‘બેબી’ નામક નાટકનું સર્જન કર્યું. તેમાં લીલાની મહત્વની ભૂમિકા હતી.

આ પછી જબલપુરના એક શ્રીમંત શેઠ ગોવિંદદાસ તથા કૉંગ્રેસના અગ્રણી નેતા દ્વારકાપ્રસાદ મિશ્રે ‘ધૂંઆધાર’ નામનું ચિત્ર સર્જ્યું. તેમાં લીલા ચિટનીસ તથા નાના પળસીકરે અભિનય આપ્યો. ચિત્રને સફળતા મળી ન હતી. ત્યારબાદ માસ્ટર વિનાયકે તેમના સામાજિક ચિત્ર ‘છાયા’માં લીલાને નાયિકાની ભૂમિકા આપી હતી. આ ચિત્રમાં લીલાનો અભિનય ખૂબ પ્રશંસા પામ્યો. આ સફળતાના પગલે લીલાને અનેક ચિત્રોની ઑફરો મળી. સોહરાબ મોદીના ચિત્ર ‘જેલર’માં પણ લીલાએ જેલરની પત્નીની ભૂમિકા ભજવી હતી.

પણ લીલા ચિટનીસ પ્રકાશમાં આવ્યાં બૉમ્બે ટૉકીઝના ચિત્ર ‘કંગન’થી. આ ચિત્રમાં દેવિકારાણી તથા અશોકકુમારે પણ અભિનય આપ્યો હતો. પાતળાં, કમનીય, વાંકડિયા વાળવાળાં લીલા અને અશોકકુમારની રોમૅન્ટિક જોડીએ તે સમયના યુવાનોને ઘેલું લગાડ્યું. ‘આઝાદ’ ફિલ્મમાં તથા ‘બંધન’માં પણ આ જ જોડી હતી. જયંત દેસાઈનિર્મિત ‘તુલસીદાસ’ લીલાની કારકિર્દી માટે સીમાચિહન રૂપ પુરવાર થયું. 1940ના વર્ષમાં તેની ભૂમિકાવાળાં ત્રણ ચિત્રો ‘તુલસીદાસ’, ‘અર્ધાંગિની’ અને ‘બંધન’ ખૂબ સફળ નીવડ્યાં.

લીલા તેમની કારકિર્દીના શિખર ઉપર હતાં ત્યારે જ તેમના અંગત જીવનમાં કટોકટી સર્જાઈ. પતિ સાથે અણબનાવ થતાં તેમણે ડૉ. ચિટનીસ સાથે છૂટાછેડા લીધા અને ફિલ્મનિર્માતા સી. આર. ગ્વાલાની સાથે લગ્ન કર્યાં. બીજા લગ્ન બાદ લીલા ચિત્રનિર્માણમાં પણ રસ લેવા લાગ્યાં. ગ્વાલાનીના બીજા ચિત્ર ‘કિસી સે ન કહના’માં લીલાએ નિર્માણની સાથે પટકથા-લેખનમાં પણ યોગદાન આપ્યું. પણ તે પછી પતિ-પત્ની વચ્ચે તનાવ વધતો ગયો. ‘પ્રતિજ્ઞા’ના સર્જન બાદ ગ્વાલાની લાહોર ચાલ્યા ગયા અને લીલા પૂર્વવત્ પોતાની સ્વતંત્ર કારકિર્દી જમાવવા પ્રયત્નશીલ બન્યાં. તે બૉમ્બે ટૉકીઝમાં પાછાં ફર્યાં અને ‘ચાર આંખે’માં જયરાજ સાથે તેમણે ભૂમિકા કરી. આ જોડી ‘છોટી સી દુનિયા’માં પણ આવી. જયંત દેસાઈની ફિલ્મ ‘મનોરમા’માં લીલાને સારી સફળતા મળ્યા પછી તેમણે ‘ગઝલ’, ‘ભક્ત પ્રહલાદ’, ‘શતરંજ’, ‘ઘર ઘર કી કહાની’, ‘અંધોં કી દુનિયા’ વગેરેમાં ભૂમિકા કરી પણ કોઈ ચિત્રને નોંધપાત્ર સફળતા મળી ન હતી.

1948માં સર્જાયેલ ‘શહીદ’ ચિત્ર દ્વારા લીલાની કારકિર્દીને નવો વળાંક મળ્યો. આ ચિત્રમાં તેમણે દિલીપકુમાર, કામિનીકૌશલ અને ચંદ્રમોહન જેવાં અગ્રણી કલાકારો સાથે ચરિત્ર અભિનેત્રીની ભૂમિકા કરી હતી.

રાજકપૂરના ‘આવારા’માં તેમણે યુવતી અને વૃદ્ધા તરીકે બેવડી ભૂમિકા કરી. બિમલ રૉયના ચિત્ર ‘મા’માં તેમણે ભારતભૂષણ તથા શ્યામા સાથે ભૂમિકા કરી. ‘આવારા’ તથા ‘મા’માં તેમણે જે ભાવનાત્મક અભિનયક્ષમતા દર્શાવી તેની ખૂબ જ પ્રશંસા થઈ અને ત્યારપછી તેમને ‘મા’ની ભૂમિકાઓ જ મળવા લાગી. ઉંમરનો તકાજો તથા આવી રહેલા વૃદ્ધત્વને સ્વીકારી તેમણે માની ભૂમિકા કરવા માંડી અને ‘શહીદ ભગતસિંગ’માં માની ભૂમિકાને જે પ્રભાવથી તેમણે ન્યાય આપ્યો તે પછી તો હિંદી ચિત્રક્ષેત્રે ‘ગૌરવવંતી માતા’ તરીકે તેમની પ્રતિષ્ઠા ઘણી વધી ગઈ. રાજકપૂરના ‘સત્યમ્ શિવમ્ સુંદરમ્’માં પણ તેમણે સુંદર ભૂમિકા કરી છે.

1994માં પણ લીલા ચિટનીસ ચુનંદાં ચિત્રોમાં ‘મા’ની ભૂમિકામાં જોવા મળ્યાં હતા.

શશિકાન્ત નાણાવટી