ચિકિત્સા, મનોવિજ્ઞાન : મનોવિજ્ઞાનની એક પ્રયોગલક્ષી શાખા. કેટલીક વ્યક્તિઓ પોતાની જાત સાથે અને સામાજિક, સાંસ્કૃતિક અને ભૌતિક વાતાવરણ સાથે સમાયોજન (adjustment) સાધવામાં મુશ્કેલી અનુભવે છે. કેટલાક માણસો માનસિક અને વાર્તનિક સમસ્યાઓથી પીડાય છે. કેટલાક લોક વ્યક્તિત્વબંધારણની ખામીઓથી પીડાય છે અને જીવનનો વાસ્તવિક સંઘર્ષ વેઠવામાં પાછા પડે છે, જવાબદારી નિભાવવામાં પાછા પડે છે. પોતાની કાર્યક્ષમતામાં અપર્યાપ્ત સાબિત થાય છે તેમજ પોતાની શક્તિઓ અને સાધનસંપત્તિના પ્રમાણમાં વિકાસ સાધી શકતા નથી. તે બધી સમસ્યાનું નિદાન, સારવાર અને વ્યવસ્થાપન કરવાના વૈજ્ઞાનિક પ્રયાસમાંથી મનોવૈજ્ઞાનિક ચિકિત્સાનો ઉદભવ થયો છે.
મનોવૈજ્ઞાનિક ચિકિત્સા સાધારણ (normal) અને અસાધારણ કે વિચલિત (abnormal) વર્તનનો અભ્યાસ કરે છે. મનોવૈજ્ઞાનિક કસોટીઓના અર્થઘટન દ્વારા તે માનસિક રોગોના નિદાન અને સારવારની કાર્યવાહી સંભાળે છે; મનોવિજ્ઞાનનાં વિવિધ ક્ષેત્રે વિકાસ પામેલા વૈજ્ઞાનિક સિદ્ધાંતોનો વ્યવહારમાં સમસ્યા-ઉકેલ માટે ઉપયોગ કરે છે. અસાધારણ મનોવિજ્ઞાન(abnormal psychology)માં થયેલા અભ્યાસો અને સંશોધનોનો ઉપયોગ તે માનસિક દર્દીઓનાં નિદાન અને સારવાર માટે કરે છે. આ ઉપરાંત શીખવાની ક્રિયા, પ્રેરકો, વ્યક્તિત્વ પ્રત્યક્ષીકરણ જેવાં સામાન્ય મનોવિજ્ઞાનનાં વિવિધ ક્ષેત્રોમાંથી સંબંધિત સિદ્ધાંતો લઈ તેનો પણ નિદાન અને સારવારમાં ઉપયોગ કરે છે.
અસાધારણ વર્તનના મનોવિજ્ઞાન અને મનોવિકૃતિશાસ્ત્ર ઉપરાંત વિકાસલક્ષી મનોવિજ્ઞાન, શરીરલક્ષી મનોવિજ્ઞાન, સામાજિક મનોવિજ્ઞાન, ચેતાતંત્રલક્ષી મનોવિજ્ઞાન જેવાં અન્ય ક્ષેત્રોના સિદ્ધાંતો, અભ્યાસો અને સંશોધનોનો વિનિમય પોતાના ચિકિત્સાત્મક અને નિવારક (preventive) કાર્ય માટે કરે છે.
માનસિક રોગોની સારવારમાં વપરાતી વિવિધ પદ્ધતિઓ આ મુજબ છે : (અ) જૈવશારીરિક સારવાર પદ્ધતિ (organic-biological therapy), (આ) માનસચિકિત્સા (psychotherapy), (ઇ) વીજ- વિક્ષેપક સારવાર (electrocunvulsive therapy), (ઈ) પ્રકાશ- ચિકિત્સા (light therapy), (ઉ) નિદ્રાચક્રમાં ફેરફાર દ્વારા સારવાર (sleep deprivation therapy), (ઊ) મનોલક્ષી શસ્ત્રક્રિયા (psycho surgery) તથા (એ) એક્યુપંક્ચર. આ તમામ પદ્ધતિઓમાં જૈવિક/ભૌતિક અને માનસચિકિત્સાની સંયુક્ત સારવાર વિશેષ ફળદાયી પુરવાર થઈ છે.
મનોવૈજ્ઞાનિકો ચિકિત્સા નિદાન માટે કસોટી રચે છે, તેનું વ્યવસ્થાપન કરે છે અને પ્રતીકોનું અર્થઘટન કરી બુદ્ધિમાપન, અભિયોગ્યતામાપન અને વ્યક્તિત્વ તેમજ તેનાં વિશિષ્ટ પાસાંનું માપન કરે છે. નિદાન અને સારવાર ઉપરાંત તે મનોવૈજ્ઞાનિક કસોટીઓના ઉપયોગથી શાળામાં શૈક્ષણિક માર્ગદર્શન અને નોકરી માટેની નિમણૂકોમાં યોગ્ય વ્યક્તિની પસંદગી વગેરે કામગીરી બજાવે છે.
મનોવૈજ્ઞાનિક ચિકિત્સાનાં મુખ્ય 4 ક્ષેત્રો છે : (1) શૈક્ષણિક સેવાઓ જેમાં શાળા, કૉલેજ, યુનિવર્સિટી કક્ષાએ આ વિષયનું શિક્ષણ આપવાની પ્રવૃત્તિ થાય છે.
શૈક્ષણિક ક્ષેત્રે : મનોવૈજ્ઞાનિક ચિકિત્સાના વિવિધ ઉપયોગો આ મુજબ છે : (અ) બુદ્ધિઆંક માપન (I. Q. test) દા. ત., મંદબુદ્ધિ બાળકોના નિદાન માટે, (આ) સ્કૂલમાં વારંવાર ગેરહાજર રહેતાં બાળકોની સમસ્યા સમજવા અને ઉકેલવા માટે, (ઇ) બાળકોની કુટેવો જેવી કે અંગૂઠો ચૂસવો, પથારીમાં પેશાબ કરી જવો, ચાક-માટી, પેન ખાવાં વગેરે, (ઈ) કિશોર અવસ્થાના પ્રશ્નને જેવા કે જાતીય ઓળખના પ્રશ્નને (gender identity); ચિંતા, હતાશા, વ્યસન વગેરેનાં કારણો શોધી ઉપાય યોજવામાં.
(2) સંશોધન : તેમાં મનોવૈજ્ઞાનિક ચિકિત્સાની વિવિધ પ્રવિધિઓનો સમાવેશ થાય છે. વ્યક્તિત્વ, માનસિક સ્વાસ્થ્ય, સમાયોજન વગેરે ક્ષેત્રોમાં સંશોધન અને સંશોધનને લગતા માર્ગદર્શનનું કામ થાય છે. તેમાં અનુસ્નાતક, પારંગત (Ph.D.) અનુપારંગત (post-doctorate) કક્ષાએ સંશોધનનું માર્ગદર્શન અપાય છે. આ ઉપરાંત વિવિધ સંસ્થાઓમાં સંશોધનનું સંચાલન થાય છે. તેઓ સંશોધનની પદ્ધતિઓમાં સુધારો કરે છે. આ ઉપરાંત વિવિધ ચિકિત્સાત્મક પદ્ધતિઓનું અને નિદાનની પદ્ધતિઓનું સંશોધનથી મૂલ્યાંકન કરી એ પદ્ધતિઓને સુધારવાનું કામ કરે છે. વ્યક્તિત્વવિકાસના સિદ્ધાંતો શોધે છે. જૂના સિદ્ધાંતોની મુલવણી કરે છે તેમજ નવી મનોવૈજ્ઞાનિક કસોટીઓ રચવાનું કામ પણ કરે છે.
(3) તાલીમ : મનોવૈજ્ઞાનિક ચિકિત્સકો શૈક્ષણિક લાયકાત વધારવા ઉપરાંત નવા મનોવિજ્ઞાનીઓને તાલીમ આપવાનું અને તેનું મૂલ્યાંકન કરવાનું કાર્ય કરે છે. જ્યાં આવી વ્યાવસાયિક જરૂરિયાતો હોય તેવાં કેન્દ્રોને અનુલક્ષીને તાલીમનું આયોજન થાય છે.
(4) નિદાન : માનસચિકિત્સક અને પરામર્શક માનસિક રોગોની સારવાર કરે છે. માનસચિકિત્સા (psychotherapy) એ તેનું મુખ્ય માધ્યમ છે.
માનસચિકિત્સાના અનેક પ્રકારો છે : (અ) મનોવિશ્લેષણ (psychoanalysis), (આ) સંકટકાલીન માનસચિકિત્સા (crisis-oriented psychotherapy), (ઇ) સમૂહ-માનસચિકિત્સા (group psychotherapy), (ઇ) મનોનાટ્ય (psychodrama), (ઉ) કૌટુંબિક માનસચિકિત્સા (family therapy), (ઊ) દાંપત્ય માનસચિકિત્સા (marital psychotherapy), (ઋ) સંમોહન દ્વારા ચિકિત્સા (hypnotic); (એ) વાર્તનિક માનસચિકિત્સા (behavioural therapy). જીવંત પરિસ્થિતિમાં ઊભી થતી નાની નાની વિષમતાઓથી શરૂ કરીને તે લાંબા ગાળાની માનસિક બીમારીની સારવાર કરે છે. અપરિપક્વ વ્યક્તિ, વિષમ વ્યક્તિત્વ, જૂના સંઘર્ષો, તીવ્ર ઉદાસીનતા, આવેગિક સંઘર્ષો, વિકૃત ઇચ્છાઓ, તીવ્ર દમન વગેરે ગંભીર સમસ્યાઓનાં પણ નિદાન અને સારવાર થાય છે.
માનસોપચારમાં મોટા ભાગની પદ્ધતિઓમાં વાતચીતનું માધ્યમ વપરાય છે. મુલાકાતની લાંબી શ્રેણીનું આયોજન કરી તબક્કાવાર સારવાર કરવામાં આવે છે. તે દરમિયાન દર્દીની આવી સ્થિતિ ઉત્પન્ન થવાનાં કારણો શોધીને તેને દૂર કરવામાં કે હળવાં બનાવવામાં આવે છે. વ્યક્તિની પોતાની સ્થિતિ વિશેની વાસ્તવિક સમજ અને આંતરર્દષ્ટિ પણ તે દરમિયાન વિકસે છે. આ વાતચીત ચોક્કસ ધ્યેય સિદ્ધ થાય ત્યાં સુધી ચાલુ રાખવામાં આવે છે.
માનસિક રોગો અને માનસિક સમસ્યાઓ વિશેની સમજ ઉપરાંત તેને અટકાવવા માટેના ઉપાયો શોધવા તે મનોવૈજ્ઞાનિક ચિકિત્સાની મહત્ત્વની કામગીરી છે. સલાહ અને પરામર્શન દ્વારા શૈક્ષણિક અને જનસમુદાયલક્ષી કાર્યક્રમોનું આયોજન કરી બાળઉછેર અને જીવનમાં આવેગો અને પ્રેરકોનું મહત્ત્વ સમજાવવું વગેરે મુદ્દાઓ પર ધ્યાન અપાય છે. માનસિક સ્વાસ્થ્યનો સ્તર વ્યક્તિગત કક્ષાએ અને સામુદાયિક કક્ષાએ ઊંચો લાવવાના કાર્યક્રમો કરવામાં આવે છે. આ કાર્યક્રમોમાં બાળકો, વાલીઓ, શિક્ષકો, સંચાલકો અધિકારીઓ અને સરકારી તંત્ર સાથે પણ વિચારવિમર્શ કરવામાં આવે છે અને પ્રત્યેક સેવાનું માનસિક સ્વાસ્થ્યલક્ષી વિશ્લેષણ કરીને જે તે કક્ષાએ કાર્યક્ષમતા વધારવામાં આ કાર્યક્રમો ઉપયોગી બને છે. એ રીતે ભવિષ્યમાં આવનારી સમસ્યાઓને અગાઉથી ઓળખીને અટકાવવામાં તે મહત્વની ભૂમિકા પૂરી પાડે છે.
દરેક મનોવૈજ્ઞાનિક ચિકિત્સક આમાંથી કોઈ એક, બે કે બધાં ક્ષેત્રોમાં કામ કરતા જોવા મળે છે.
પ્રતીક્ષા રાવલ