ચિંતામણિ રસ : હૃદયરોગની ઔષધિ.
પાઠ તથા નિર્માણ : શુદ્ધ પારો, શુદ્ધ ગંધક, અભ્રક ભસ્મ, લોહભસ્મ, બંગભસ્મ, મોતીપિષ્ટિ અને શિલાજિત 10-10 ગ્રામ, સોનાના વરખ 3 ગ્રામ અને ચાંદીના વરખ 6 ગ્રામ લઈ પહેલાં ખરલમાં પારા-ગંધકની સાથે ઘૂંટીને, તેની કજ્જલી કરી, પછી તેમાં અન્ય ભસ્મો અને શિલાજિત મેળવી, તેમાં ચિત્રકમૂળના ક્વાથ અને ભાંગરાના સ્વરસની 1-1 ભાવના આપવામાં આવે છે. તે પછી ધોળા સાદડ(અર્જુન છાલ)ના ક્વાથની 7 ભાવના આપીને તેની 125 મિગ્રા.ની ગોળીઓ બનાવવામાં આવે છે.
માત્રા–અનુપાન : 2 ગોળી સવાર-સાંજ મધ, અર્જુનક્ષીર (ખીર), બાલાઘૃત, ખરેંટીના મૂળનો ક્વાથ અથવા ચ્યવનપ્રાશાવલેહની સાથે અપાય છે.
ઉપયોગ–ગુણધર્મ : આયુર્વેદની આ કીમતી રસ-ઔષધિ હૃદયના તમામ રોગો માટે હિતકારક છે. હૃદયરોગોમાં હૃદયની નિર્બળતાથી ઉત્પન્ન સ્પંદન(ધબકારા)-વૃદ્ધિ, હૃદયના પડદાની વિકૃતિ, ધમની-શિરાની વિક્રિયા સહિત હૃદયકંપ, હૃદયનું કદમાં વધી જવું-પહોળું થવું, હૃત્પેશીની વૃદ્ધિ, હૃદયરોગજન્ય શ્વાસ અથવા ક્ષુદ્ર શ્વાસ (હાંફ), હૃદયનો સોજો, હૃત્ધમનીની દીવાલોની વિકૃતિ થવાથી રક્ત-જળ ટપકવું વગેરે દર્દોમાં તે ખાસ વપરાય છે. તે હૃદય અને તેની ધમનીઓને ખાસ બળ આપે છે.
આ ઉપરાંત આ દવા ફેફસાંના રોગો, પ્રમેહ, શ્વાસ તથા ખાંસીને દૂર કરી, શરીરને પુષ્ટ, બળવાન અને નીરોગી બનાવે છે.
મધુકાન્ત ભગવાનજી પંડ્યા
બળદેવપ્રસાદ પનારા