ચાતુરી : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં બહુ જ ઓછો પ્રચલિત, છતાં ઉત્તમ કોટિનો કાવ્યપ્રકાર. મધ્યકાલીન બંસીબોલના કવિ દયારામના સમય સુધીમાં નરસિંહ મહેતા, રણછોડ, મોતીરામ, અનુભવાનંદ, જીવણરામ, નભૂ, હરિદાસ અને દયારામની રચેલી ‘ચાતુરી’ રચનાઓ જાણવામાં આવી છે. એક ચાતુરી અપ્રસિદ્ધ પણ મળી આવી છે, જેનું કર્તૃત્વ સંદિગ્ધ છે. આ પ્રસિદ્ધ-અપ્રસિદ્ધ ‘ચાતુરી’ઓમાં નોંધપાત્ર રચના નરસિંહ મહેતાની છે. ગુજરાતી મધ્યકાલીન સાહિત્યમાં જાણવામાં આવેલી ‘ચાતુરી’ઓમાં આ સૌથી પહેલી રચના છે. શૃંગાર રસના ‘વિપ્રયોગ’ અને ‘સંયોગ’ એ બેઉ પ્રકારનાં આ રચનામાં દર્શન થાય છે. આ સંજ્ઞા કેવી રીતે મળી છે એનો ઇશારો નરસિંહ મહેતાની ‘ચાતુરી પચીસી’(પદ 17)માં જોવા મળે છે; જેવો કે ‘આજ મેં ચાતુરી જાણીજી, મારગ થઈ બેઠા છો દાણીજી’. રાસયુગમાં ‘બારમાસી’નો પ્રકાર અને પછીના યુગોમાં ‘સાત વાર’નો પ્રકાર અસ્તિત્વમાં આવેલા તેવો જ આ એક પ્રકાર છે. આ ‘બારમાસી’ઓ કાવ્યોમાં, વિરહને અંતે નાયક-નાયિકાનો મેળાપ થાય ત્યાં પૂર્ણ થતી હોય છે, જ્યારે ‘ચાતુરી’ઓમાં ‘વિરહ’ ‘મેળાપ’ની આવૃત્તિઓ થતી જોવા મળે છે. આનું સંસ્કૃત ભાષાના સાહિત્યપ્રકારોમાં દર્શન જયદેવના ‘ગીતગોવિંદ’માં જોવા મળે છે. નરસિંહ મહેતા ઉપર જયદેવની અસર એની રચનાઓ ‘રાસનાં પદો’ વગેરેમાં અનુભવી શકાય છે. ‘ગીતગોવિંદ’ અને ‘ચાતુરીઓ’ની સરખામણી કરતાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે બંને કાવ્યો વિભિન્ન પ્રકારનાં નથી. ‘ગીતગોવિંદ’માં દૂતી તરીકે લલિતા છે. નરસિંહની ‘ચાતુરી’ઓમાં પણ લલિતા છે. ‘ચાતુરી’ શુદ્ધ સંસ્કૃત તત્સમ શબ્દ છે અને એનો અર્થ ‘ચતુરાઈ’ – ‘ચાલાકી’ – ‘હોશિયારી’ છે. આ કાવ્યપ્રકારમાં જયદેવથી લઈ નાયક અને નાયિકાના વિરહના અને મેળાપના પ્રસંગ આવર્તિત રહે છે. શૃંગારસભર કાવ્યનો આ પ્રકાર પ્રતિભાસંપન્ન કવિ જ વિકસાવી શકે છે. આમાં નાયક અને નાયિકાની એકબીજા પ્રત્યે નિર્દિષ્ટ થતી ચતુરાઈનાં સુંદર દર્શન થાય છે. આ સંજ્ઞા 500 વર્ષ જેટલી જૂની છે, છતાં વિકસી શકી નથી કારણ કે એમાં કવિની ઉત્કૃષ્ટ પ્રતિભા અપેક્ષિત છે. નરસિંહ મહેતા અને દયારામ જેવા ‘આત્મલક્ષી’ અને ‘પરલક્ષી’ કવિઓ આવી રચનાઓ આપી શકે. ‘ચાતુરી’ઓમાં આ બંને પ્રકાર સુલભ થાય છે.
નરસિંહ મહેતાની ‘ચાતુરી પચીસી’માં કડવાબંધમાં 25 પદ છે. ઉપરાંત બીજાં 28 જેટલાં પદો પણ છે.
કે. કા. શાસ્ત્રી