ચવાણ, યશવંતરાવ બળવંતરાવ (જ. 12 માર્ચ 1914, દેવરાષ્ટ્રે, જિલ્લો સાતારા; અ. 25 નવેમ્બર 1984, નવી દિલ્હી) : મહારાષ્ટ્રના અગ્રણી મુત્સદ્દી, રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી (1960) તથા ભારતના સંરક્ષણપ્રધાન. સામાન્ય ખેડૂત કુટુંબમાં જન્મ. પ્રાથમિક શિક્ષણ કરાડમાં લીધું. ઉચ્ચ શિક્ષણ કોલ્હાપુર તથા પુણેમાં લીધું. બી.એ.; એલએલ.બી. સુધી અભ્યાસ કર્યો. 1930માં સવિનય કાનૂનભંગની ચળવળ દ્વારા રાજકારણમાં સક્રિય બન્યા. 1932માં પ્રથમ કારાવાસ દરમિયાન માર્ક્સવાદ તથા એમ. એન. રૉયની વિચારસરણીના સંપર્કમાં આવ્યા. તેમનું વલણ ડાબેરી વિચારસરણી તરફ હોવા છતાં તેમના પર જવાહરલાલ નહેરુનો પ્રભાવ વિશેષ હોવાથી મોટા ભાગની રાજકીય કારકિર્દી દરમિયાન તે કૉંગ્રેસ સાથે રહ્યા. 1942ના ‘ભારત છોડો’ આંદોલન દરમિયાન ભૂગર્ભમાં જતા રહ્યા હતા અને 1943માં તેમની ધરપકડ થઈ ત્યાં સુધી સાતારા જિલ્લામાં ક્રાંતિકારી આંદોલનનું નેતૃત્વ લીધેલું.

યશવંતરાવ બળવંતરાવ ચવાણ
1946માં સાતારા મતદાર વિસ્તારમાંથી મુંબઈ રાજ્યની વિધાનસભામાં ચૂંટાયા. 1948માં મહારાષ્ટ્ર પ્રાંતિક કૉંગ્રેસ સમિતિના મંત્રીપદે વરણી થઈ. 1952માં મુંબઈ રાજ્યના મંત્રીમંડળમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ તથા નાગરિક પુરવઠા ખાતાના મંત્રી બન્યા. 1956માં ભાષાવાર પ્રાંતરચના થઈ ત્યારે મહારાષ્ટ્ર ગુજરાતને ભેગાં કરીને જે દ્વિભાષી રાજ્ય રચવામાં આવ્યું હતું તેના તે મુખ્યમંત્રી ચૂંટાયા. દ્વિભાષી રાજ્યની જગ્યાએ બે અલાયદા ભાષાવાર પ્રાંતો રચવા વધુ ઇષ્ટ ગણાશે તેવા વિચારના સમર્થનમાં જવાહરલાલ નહેરુને સમજાવવામાં ચવાણે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. 1960માં મહારાષ્ટ્ર અને ગુજરાતનાં અલાયદાં રાજ્યો સ્થપાયાં ત્યારે તે મહારાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી બન્યા. 1962માં ભારત પર ચીને આક્રમણ કર્યું ત્યારે વી.કે. કૃષ્ણમેનનના સ્થાને સંરક્ષણ પ્રધાન તરીકે ચવાણની વરણી કરવામાં આવી. ત્યારપછીના ગાળામાં તેમણે કેન્દ્રના રાજકારણને પોતાની રાજકીય કારકિર્દીનું લક્ષ્ય બનાવ્યું. 1962–66 દરમિયાન સંરક્ષણ પ્રધાન, 1966–70 દરમિયાન ગૃહ પ્રધાન, 1970–74 દરમિયાન નાણા પ્રધાન અને 1974–77 દરમિયાન વિદેશ પ્રધાન જેવા મહત્ત્વના હોદ્દા પર રહ્યા હતા. 1978માં ચૌધરી ચરણસિંઘ દેશના વડાપ્રધાન બન્યા ત્યારે તેમના મંત્રીમંડળમાં ચવાણને નાયબ વડાપ્રધાનનું સ્થાન આપી વિદેશમંત્રી તરીકે મંત્રીપરિષદમાં સામેલ કરવામાં આવ્યા હતા.
1969માં કૉંગ્રેસ પક્ષમાં ભાગલા પડ્યા ત્યારે તે અટકાવવા માટે તેમણે પ્રયત્નો કર્યા; પરંતુ તેમાં નિષ્ફળતા સાંપડતાં તે કૉંગ્રેસ (O) સાથે રહ્યા હતા, જે ‘સિન્ડિકેટ કૉંગ્રેસ’ કે સંસ્થા કૉંગ્રેસ તરીકે ઓળખાતી હતી. 1975માં ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદી ત્યારે ચવાણે તેનો સૈદ્ધાંતિક વિરોધ કરેલો. 1980 અને 1984માં સંસદની ચૂંટણીમાં કૉંગ્રેસને બહુમતી મળતાં તે કેન્દ્રમાં ફરી સત્તા પર આવી. આ ગાળામાં કૉંગ્રેસની ઇન્દિરા પાંખમાં પાછા ફરનારામાં ચવાણ પણ હતા; પરંતુ અવસાન સુધી સરકારમાં કે કૉંગ્રેસ સંગઠનમાં તેમને કોઈ હોદ્દો આપવામાં આવ્યો ન હતો.
મહારાષ્ટ્રમાં નાસિક ખાતે તેમનાં નામનું મુક્ત વિશ્વવિદ્યાલય (ઓપન યુનિવર્સિટી) સ્થાપવામાં આવી છે.
તેઓ લેખક, વક્તા, વહીવટકર્તા, સાંસદ અને જનસામાન્યના ઉદારમતવાદી નેતા તરીકે ખ્યાતિ ધરાવતા હતા. તેમનાં ભાષણોના બે સંગ્રહો પુસ્તક રૂપે પ્રકાશિત થયા છે : ‘સહ્યાદ્રિ ચે વારે’ (1962) અને ‘યુગાંતર’ (1970).
બાળકૃષ્ણ માધવરાવ મૂળે