ચલીહા, સૌરભકુમાર (જ. 16 જુલાઈ 1930, ગુવાહાટી; અ. 25 જૂન 2011, ગુવાહાટી) : વીસમી સદીના ઉત્તરાર્ધના પ્રસિદ્ધ અસમિયા વાર્તાકાર. તેમનું મૂળ નામ સુરેન્દ્રનાથ મેધિ હતું. ‘ચલીહા સૌરભકુમાર’ તેમનું તખલ્લુસ છે. તેમણે ગુવાહાટીની કૉટન કૉલેજમાંથી 1950માં ભૌતિકશાસ્ત્ર સાથે બી.એસસી.ની ડિગ્રી ઑનર્સ સાથે અને ત્યારબાદ લંડન યુનિવર્સિટીમાંથી એમ.એસસી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમણે અસમ ઇજનેરી કૉલેજમાં ભૌતિકશાસ્ત્રના અધ્યાપક તરીકે કામગીરી કરી હતી.
તેમણે નાની વયે વાર્તાઓ લખવી શરૂ કરી. ‘‘કાર્લ માર્કસ, યે’સ’’ નામક વાર્તા 1945માં પ્રગટ કરી તે સાથે તેઓ સ્વપ્નો અને આકાંક્ષાઓ સાથે અસમિયાના સાહિત્યિક ફલક પર પ્રવેશ્યા. ત્યારબાદ તેમણે નોંધપાત્ર વાર્તાસંગ્રહ ‘અશાન્ત ઇલેક્ટ્રૉન’ (1962) આપ્યો. તેમ તેમના બીજા વાર્તાસંગ્રહો ‘દુપોરિયા’ (1963), ‘એહાત દાવ’ (1972) અને ‘ગોલામ’ (1973) છે. ‘ગોલામ’ (1973) બદલ તેમને 1974ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. ‘આજી શુકરવાર’ (1992) અમેરિકન અને યુરોપિયન વાર્તાઓનો અસમિયા અનુવાદ છે. તેમને રામધેનુ ઍવૉર્ડ પણ આપવામાં આવ્યો હતો. ‘એહાત દાવ’ તેમનો ઉત્તમ વાર્તાસંગ્રહ છે. અભ્યાસ અર્થે જર્મનીમાં કરેલા દીર્ઘભ્રમણ પછી લખાયેલ વાર્તાસંગ્રહ ‘ગોલામ’માં તેમણે મધ્યમવર્ગીય અસમિયા સમાજનું ગુલામી માનસ, તેની અપ્રામાણિકતા અને સ્વકેન્દ્રિતાનું આલેખન કર્યું છે. તેમણે ઘણાં ગ્રંથો આપ્યા છે.
અનિલા દલાલ