ચલીહા, બિમલાપ્રસાદ (જ. 26 માર્ચ 1912, શિવસાગર; અ. 8 ફેબ્રુઆરી 1971, ગુવાહાટી) : અસમના અગ્રણી રાજનીતિજ્ઞ તથા સ્વાધીનતાસેનાની. પિતા કાલીપ્રસાદ જાણીતા વકીલ તથા ચાના બગીચાના માલિક. શિક્ષણ વતનમાં તથા કોલકાતામાં. આઝાદીની લડતમાં સક્રિય બનતાં શિક્ષણ પડતું મૂક્યું. સવિનય કાનૂનભંગની ચળવળમાં ભાગ લેવા બદલ કારાવાસ ભોગવ્યો (1921). સ્વયંચાલિત ચરખાની શોધ કરી; ખાદીની તાલીમ માટે મહાત્મા ગાંધીના સૂચનથી બિહાર ગયા અને અસમમાં ખાદીના પ્રચારનું કાર્ય ઉપાડ્યું. 1942ના ‘હિંદ છોડો’ આંદોલનમાં ભાગ લેવા બદલ ફરી જેલવાસ (1942–44).
1946માં અસમની વિધાનસભામાં કૉંગ્રેસના ઉમેદવાર તરીકે તે ચૂંટાયા. 1947માં સંસદીય સચિવ નિમાયા. અસમ પ્રાંતીય કૉંગ્રેસ સમિતિના સેક્રેટરી (1950–52) તથા તેના અધ્યક્ષપદે (1952–53) કાર્ય કર્યું. 1953માં લોકસભામાં ચૂંટાયા. 1957માં અસમ વિધાનસભાના સભ્ય ન હોવા છતાં રાજ્યના કૉંગ્રેસ સંસદીય પક્ષના નેતા ચૂંટાયા અને મુખ્યમંત્રી બન્યા. 1958માં પેટાચૂંટણીમાં વિધાનસભામાં દાખલ થયા. 1962 અને 1967માં રાજ્ય વિધાનસભા માટે ફરી ચૂંટાતાં મુખ્યમંત્રીપદે ચાલુ રહ્યા. આમ 1957–70ના ગાળામાં સળંગ મુખ્યમંત્રી હતા. નવેમ્બર 1970માં સ્વાસ્થ્યના કારણે રાજીનામું આપી સક્રિય રાજકારણમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી.
અસમ રાજ્યની સહકારી સંસ્થાઓ તથા ગૃહઉદ્યોગોની વિવિધ મંડળીઓમાં મોખરાનાં પદો પર લાંબા સમય સુધી તેમણે નોંધપાત્ર કામગીરી બજાવી હતી.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે