ચલણ (ભારતીય) : દેશની સરકાર દ્વારા અધિકૃત વિનિમય-માધ્યમ. કોઈ પણ દેશના બધા જ લોકો દ્વારા વસ્તુઓ અને સેવાઓની આપ-લે કરવાના માધ્યમ તરીકે વપરાતા ધાતુના સિક્કા કે ખાસ પ્રકારના કાગળની નોટો. તે દેશની સરકાર અથવા મધ્યસ્થ બૅંક બહાર પાડે છે અને તે સમગ્ર દેશમાં કાયદેસર અમર્યાદિત સ્વીકૃતિ ધરાવે છે, જેને સરકારના કાયદા પ્રમાણે આપ-લેના માધ્યમ તરીકે બધા જ નાગરિકોએ સ્વીકારવું પડે છે.
ભારતમાં હજારો વર્ષ પહેલાં વિનિમયનું માધ્યમ ગાયો અથવા અન્ય પશુઓ હતાં. ત્યારબાદ સોનાની મહોરો કે સિક્કા વિનિમયનું માધ્યમ બન્યાં હતાં. ખાસ કરીને ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં (ઈ. પૂ. 317થી) રાજચિહનોવાળા સિક્કા ચલણમાં હતા એમ ભારતીય પુરાતત્વવિદોએ શોધ કરી છે. તેને ‘પણ’ કહેવામાં આવતા અને તે જે ધાતુમાંથી બનતા તે પ્રમાણે કાર્ષાપણ, સુવર્ણાપણ વગેરે કહેવાતા.
મધ્યયુગમાં મુસ્લિમ રાજ્યકર્તાઓના સમયમાં ઈ. સ. 1000થી 1500 સુધીની 5 શતાબ્દી દરમિયાન સોનાના, રૂપાના મુદ્રાવાળા કે રાજચિહનોવાળા સિક્કા વિનિમયના માધ્યમ તરીકે ચલણ તરીકે વપરાતા. તેમાં શેરશાહે 1542માં પોતાના સમગ્ર સામ્રાજ્ય માટે એક જ પ્રકાર, શુદ્ધતા અને વજનવાળા રૂપાના સિક્કા (રૂપિયા) પ્રમાણિત ચલણ તરીકે શરૂ કર્યા હતા. જોકે દક્ષિણમાં ચેન્નાઈના વિસ્તારોમાં, મધ્યયુગથી ઈ. સ. 1818 સુધી ત્યાંના હિંદુ રાજાઓએ બહાર પાડેલા સુવર્ણ તારક પેગોડા નામના સોનાના સિક્કા ચલણ તરીકે વપરાતા હતા. મુઘલ સલ્તનત દરમિયાન ભારતીય ચલણપદ્ધતિ સુવ્યવસ્થિત રહી હતી.
પરંતુ 1707માં ઔરંગઝેબના મૃત્યુ પછી તેના સામ્રાજ્યનું વિઘટન થવાથી ભારતના જુદા જુદા ભાગોમાં ઘણાં નવાં રાજ્યો સ્થપાયાં હતાં અને તે સૌએ પોતાના રાજ્યવિસ્તારમાં જુદા જુદા સિક્કા ચલણમાં મૂક્યા હતા. પરિણામે, 1707થી 1835ના લગભગ 125 વર્ષના ગાળામાં બૃહદ્ ભારતની ચલણપદ્ધતિ અસ્તવ્યસ્ત થઈ ગઈ હતી અને તેમાં જુદી જુદી ધાતુમાંથી બનેલા અને જુદી જુદી શુદ્ધતા અને વજનના 994 પ્રકારના સિક્કા ચલણમાં વપરાતા હતા. આ સમયમાં બ્રિટનની ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુઘલ બાદશાહની પરવાનગી લઈને, સિક્કા બનાવવા માટે મુંબઈમાં 1717માં ટંકશાળ શરૂ કરી. બીજી ટંકશાળ 1742માં ચેન્નાઈમાં અને ત્રીજી ટંકશાળ 1757માં કોલકાતામાં શરૂ કરી હતી અને તેમાં રૂપાના સિક્કા પાડવામાં આવતા હતા. પણ આ ત્રણેય ટંકશાળોમાં બનેલા રૂપિયાના સિક્કા શુદ્ધતા અને વજનમાં જુદા જુદા હતા અને સાથે સાથે અન્ય સિક્કા પણ ચલણમાં વપરાતા હતા.
1835માં બૃહદ્ ભારતની બ્રિટિશ સરકારે એક કાયદા દ્વારા 180 ગ્રેન વજનનો અને 165 ગ્રેન શુદ્ધ રૂપા અને 15 ગ્રેન અન્ય ધાતુમાંથી બનેલા રૂપિયાને સમગ્ર બ્રિટિશ ઇન્ડિયામાં પ્રમાણિત ચલણ (standard currency) તરીકે જાહેર કર્યો. આથી બ્રિટિશ ઇન્ડિયામાં 1835થી 1898 સુધી રૂપા-ધોરણ અમલમાં રહ્યું.
1898માં બ્રિટિશ સરકારે ચલણની સુવ્યવસ્થા સૂચવવા માટે ‘ફાઉલર સમિતિ’ નીમી અને તેનાં સૂચનો મુજબ ભારતમાં 1899થી સુવર્ણ વિનિમય ધોરણ શરૂ કરવામાં આવ્યું એટલે કે તેમાં ભારતીય રૂપિયાના બદલામાં બ્રિટિશ ચલણના 1 શિલિંગ 4 પેન્સ મળી શકે અને ઇંગ્લૅન્ડમાં તેના બદલામાં તેટલી કિંમતનું સોનું મળી શકે એવી વ્યવસ્થા હતી; તેથી તેને ‘ગોલ્ડ એક્સ્ચેન્જ સ્ટાન્ડર્ડ’ કહેવાયું છે. આ સાથે ભારતમાં રૂપિયાની નોટો છાપવા માટે જેટલા મૂલ્યની ચલણી નોટો છપાય તેટલી કિંમતનું સોનું, બ્રિટિશ ઇન્ડિયન સરકારે લંડનમાં બૅંક ઑવ્ ઇંગ્લૅન્ડમાં કાગદી ચલણની અનામત (paper currency reserve) તરીકે જમા કરાવવું પડતું હતું. આ રીતે ભારતમાં 1898 પછી 5, 10, 50 અને 100 રૂપિયાની નોટો છાપવાની શરૂઆત થઈ હતી. પણ તે સમગ્ર બ્રિટિશ ઇન્ડિયામાં સ્વીકૃતિ ધરાવતી ન હતી. આથી બ્રિટિશ ઇન્ડિયન સરકારે 5 રૂપિયાની નોટને 1909માં, 10 અને 50 રૂપિયાની નોટને 1910માં અને 100 રૂપિયાની નોટને 1911માં અબાધિત કાયદેસર ચલણ (unlimited legal tender) જાહેર કરી હતી.
પરંતુ 1914–18ના પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ ઇન્ડિયન સરકારને યુદ્ધ માટે મોટા પ્રમાણમાં જરૂરી ચીજવસ્તુઓ ભારતમાંથી ખરીદીને બ્રિટનમાં મોકલવી પડી અને તેની કિંમત ભારતીય નાગરિકોને સોનામાં ચૂકવવાનું મુશ્કેલ બન્યું. તેથી બ્રિટનમાં સુવર્ણ વિનિમય ધોરણ પડી ભાંગ્યું અને ભારતીય રૂપિયાનું બ્રિટિશ ચલણમાં મૂલ્ય વધીને 2 શિલિંગ 4 પેન્સ થઈ ગયું. તેથી ભારતીય ચલણપદ્ધતિને ફરીથી પાઉન્ડ સાથે સુગ્રથિત કરવા માટે બ્રિટિશ ઇન્ડિયન સરકારે 1919માં ‘બૅબિંગ્ટન સ્મિથ કમિટી’ અને 1925માં ‘હિલ્ટન યંગ કમિશન’ નીમીને તેમનાં સૂચનો પ્રમાણે 1927નો ચલણ અધિનિયમ પસાર કર્યો અને તે દ્વારા ભારતમાં સ્ટર્લિંગ વિનિમય ધોરણ અમલમાં મૂક્યું એટલે કે પહેલાં રૂપિયાના ચલણના બદલામાં બ્રિટિશ ચલણ અને તેના બદલામાં સોનું મળતું હતું તે બંધ થયું અને ભારતીય ચલણને બ્રિટિશ ચલણમાં જ બદલાવી શકાતું બનાવ્યું. ત્યારબાદ 20 સપ્ટેમ્બર 1931ના રોજ તો બ્રિટને પણ સુવર્ણ ધોરણ રદ કર્યું એટલે ભારતીય રૂપિયાનો સોના સાથેનો સંબંધ જે બ્રિટિશ ચલણ દ્વારા નામનો જ હતો તે પણ રદ થયો. આ રીતે પાઉન્ડ અને રૂપિયાનો સોના સાથે સંબંધ બંધ થવાથી બંને ચલણોનું સોનામાં મૂલ્ય ઘટવા લાગ્યું અને બ્રિટિશ ઇન્ડિયન સરકારે 24 સપ્ટેમ્બર 1931ના રોજ ભારતીય રૂપિયાનું બ્રિટિશ ચલણ મુજબ 1 શિ. 6 પે. મૂલ્ય નક્કી કરીને તેને બ્રિટિશ ચલણમાં જ પરિવર્તનીય રાખ્યો. આ પદ્ધતિને સ્ટર્લિંગ વિનિમય ધોરણ તરીકે ઓળખવામાં આવી અને 1931થી 1939 સુધી તે ચાલુ રહી.
બીજા વિશ્વયુદ્ધ(1939થી 1945)ની ભારતીય ચલણ ઉપર મુખ્ય ત્રણ અસરો થઈ : (1) ભારતમાંથી બ્રિટિશ સરકારે યુદ્ધમાં ઉપયોગ માટે ઘણો માલસામાન ખરીદ્યો અને તેની ચુકવણી તરીકે બૅંક ઑવ્ ઇંગ્લૅન્ડમાં ગવર્નમેન્ટ ઑવ્ ઇન્ડિયાના ખાતામાં, બ્રિટિશ ચલણમાં અનામતો જમા કરી, જેને ‘સ્ટર્લિંગ પુરાંતો’ કહે છે. આ યુદ્ધને અંતે બ્રિટિશ ઇન્ડિયા દેવાદાર દેશ મટીને લેણદાર દેશ બન્યો અને તેની પુરાંતો વધીને 1947માં રૂ. 1733 કરોડ થઈ ગઈ. (2) ભારતમાં બ્રિટિશ ઇન્ડિયન સરકારે ચલણમાં ખૂબ જ વધારો કર્યો અને કાગળની નોટો પણ વધારે છાપી, તેથી ભારતમાં ભાવસપાટી (1939 = 100) વધીને 1948ના મે માસમાં 367 થઈ અને ચલણી નોટો જે 1939માં રૂ. 202.90 કરોડ જ હતી તે વધીને 1948માં રૂ. 1790 કરોડ થઈ ગઈ. (3) ભારતમાં બ્રિટિશ ઇન્ડિયન સરકારે લાઇસન્સ દ્વારા મર્યાદિત પ્રમાણમાં આયાત-નિકાસ થઈ શકે એવાં નિયંત્રણો અને હૂંડિયામણ પર નિયંત્રણો મૂક્યાં.
1935માં બ્રિટિશ ઇન્ડિયન સરકારે ભારતમાં એક કાયદાથી બ્રિટનની બૅંક ઑવ્ ઇંગ્લૅન્ડ જેવી રિઝર્વ બૅંક ઑવ્ ઇન્ડિયા સ્થાપી અને તેને વિનિમય કે હૂંડિયામણ-નિયંત્રણની કામગીરી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સોંપવામાં આવી. આ બૅંકને ચલણી નોટો છાપવાની સત્તા પણ આપવામાં આવી હતી પણ એ શરતે કે એ જે નોટો તે છાપે તેના મૂલ્યના 40 % જેટલી કિંમતનું સોનું અને 60 % જેટલી કિંમતનું વિદેશી હૂંડિયામણ અનામત તરીકે રાખવું.
ભારતની રાષ્ટ્રીય સરકારે 1947માં સ્વાતંત્ર્ય પછી, ભારતીય ચલણ-પદ્ધતિ બ્રિટનના સ્ટર્લિંગથી મુક્ત બનાવી છતાં બ્રિટનની છત્રછાયા નીચે કૉમનવેલ્થના સભ્ય તરીકે સ્ટર્લિંગ સાથેનો સંબંધ રૂ. 1 =1 શિ. -6 પે.ના દરે ચાલુ રહ્યો. 24 ડિસેમ્બર 1945ના રોજ ભારત આંતરરાષ્ટ્રીય નાણાભંડોળનું સભ્ય બન્યું. ભારતની રાષ્ટ્રીય સરકારે 1949માં રિઝર્વ બૅંકનું રાષ્ટ્રીયકરણ કર્યું અને ત્યારથી મધ્યસ્થ બક ભારત સરકારની માલિકીની બની. 1956માં રિઝર્વ બૅંક ઑવ્ ઇન્ડિયા ઍક્ટ, 1934માં સુધારો કરીને ભારત સરકારે સોનું અને વિદેશી હૂંડિયામણને ચલણી નોટો છાપવા માટેની અનામત તરીકે રાખવાની હતી તેમાં ભારત સરકારની જામીનગીરીઓની અનામતના આધારે પણ નોટો છાપવાની સત્તા રિઝર્વ બૅંક ઑવ્ ઇન્ડિયાને આપી. આ સુધારાથી ભારત સરકારને જ્યારે નાણાંની વધારે જરૂર પડે ત્યારે પોતાની જામીનગીરીઓ (સરકારી બૉન્ડ) રિઝર્વ બૅંકને વેચીને તેના બદલામાં નવી ચલણી નોટો પ્રાપ્ત કરી શકે છે. આ પ્રક્રિયાને ખાધપુરવણી કહેવામાં આવે છે. સ્વાતંત્ર્ય પછી ભારત સરકારે પંચવર્ષીય યોજનાઓ દ્વારા આર્થિક વિકાસ ઝડપથી કરવા માટે પ્રયત્નો કર્યા અને સરકારની માલિકી અને સંચાલન નીચે કેટલાક ઉદ્યોગ-એકમો શરૂ કર્યા. આ બધા માટે મોટા પ્રમાણમાં નાણાંની જરૂર પડવાથી ભારત સરકાર રિઝર્વ બૅંક પાસેથી ઘણા મોટા પ્રમાણમાં ધિરાણ મેળવી ખાધપુરવણી કરે છે. તેથી દેશમાં નાણાંનો પુરવઠો વધે છે અને પરિણામે ભાવસપાટી પણ વધે છે.
ભારતમાં એક રૂપિયાની નોટ, એક રૂપિયાનો સિક્કો અને બીજા નાના સિક્કા ભારત સરકાર બહાર પાડે છે. જ્યારે રિઝર્વ બૅંક રૂ. 2 અને તેથી વધારે મૂલ્યની ચલણી નોટો બહાર પાડે છે.
આ બંને પ્રકારનું જે કુલ ચલણ ભારતમાં પ્રવર્તે છે તે 1950–51માં રૂ. 2017 કરોડ હતું તે વધીને 1991–92માં રૂ. 61,232 કરોડ થયું છે. આમ 40 વર્ષના ગાળામાં ભારતીય ચલણમાં 30 ગણો વધારો થયો છે. તેને પરિણામે ભાવસપાટી પણ 1950–51માં 107.7 હતી (1952-52 = 100) તે વધીને 1987–88માં 918 થઈ હતી અને 1991–92માં 10 ગણી થઈ ગઈ છે. 1991–92માં આ કુલ ચલણ રૂ. 61,232 કરોડ હતું તેમાં રૂ. 967 કરોડ રૂપિયા નોટો અને સિક્કા રૂપે હતા અને રૂ. 729 કરોડ 50 પૈસા અને તેથી ઓછા મૂલ્યના નાના સિક્કા રૂપે હતા.
સિક્કા અને નોટો રૂપે જે ચલણ હોય છે તેને નાણાકીય પરિભાષામાં પાયાનું નાણું કે ઉચ્ચ સત્તાધીશ નાણું (high-powered money) કહે છે અને તેને આધારે વેપારીઓ અને ઉત્પાદકોને ધિરાણ આપીને બૅંકો શાખસર્જન કરે છે. તે કુલ મળીને ભારતમાં નાણાંનો પુરવઠો બને છે. આ નાણાંનો પુરવઠો ભારતમાં 1970–71માં રૂ. 7373 કરોડ હતો તે 20 વર્ષમાં વધીને 1991–92માં રૂ.1,14,111 કરોડ થયો હતો. વર્ષ 2009માં તે રૂ. 7,24,688 કરોડ થવા પામ્યો હતો.
શાંતિભાઈ મહેતા