ચર્ટ : સિલિકાનો અદ્રાવ્ય, અવશિષ્ટ સૂક્ષ્મસ્ફટિકમય પ્રકાર. કૅલ્સેડોની અને સૂક્ષ્મસ્ફટિકમય ક્વાર્ટ્ઝનું કે વિવિધ જાતના ઓપલયુક્ત સિલિકાનું બનેલું ઘનિષ્ઠ સ્વરૂપ; અથવા કૅલ્સેડોની અને ઓપલ બંનેના બનેલા ઘનિષ્ઠ ખડક-સ્વરૂપને પણ ચર્ટ તરીકે ઓળખાવાય છે. તે દળદાર સ્વરૂપવાળાં ઓપલયુક્ત સિલિકાથી માંડીને ક્રિસ્ટોબેલાઇટનાં અવ્યવસ્થિત રીતે ગોઠવાયેલાં અંતર્ગત માળખાવાળાં ઓપલ સુધીનાં વિવિધ સ્વરૂપોમાં પ્રાપ્ય હોય છે.

મોટા ભાગનાં ચર્ટ આછા રંગવાળાં હોય છે. તેમ છતાં અશુદ્ધિના પ્રમાણના આધારે તે ગમે તે રંગનું હોઈ શકે છે. સામાન્યત: તે તૂટવાથી વલયાકારથી સપાટ પ્રભંગવાળી કરચ બને છે. બાકીનાં મોટા ભાગનાં લક્ષણો ક્વાર્ટ્ઝ ખનિજ પ્રકારનાં હોય છે; ક્યારેક તે તંતુમય સ્વરૂપમાં મળી આવે છે.

ફ્લિન્ટ એ ચર્ટનો જ એક પ્રકાર કે પર્યાય છે. ફ્લિન્ટ મુખ્યત્વે ઊર્ધ્વ ક્રિટેશિયસમાં તેમજ ટર્શિયરી ખડકોમાં કણનિક્ષેપજન્ય અશ્મ સ્વરૂપે મળી રહે છે. લીડાઇટ (લીડિયન પાષાણ) ચર્ટનો કાળા રંગનો ઘનિષ્ઠ પ્રકાર છે, જે સુવર્ણ કે ચાંદીની પરખ માટે પરખપાષાણ કે કસોટીના પથ્થર તરીકે ઉપયોગમાં લેવાય છે.

ચર્ટને સામાન્ય રીતે ખનિજ કહેવા કરતાં ખડક કહેવાનું નિષ્ણાતો વધુ પસંદ કરે છે, જ્યારે ફ્લિન્ટને તો ખનિજ તરીકે જ ઓળખાવાય છે. કારણ કે ભાલાનાં ફણાં જેવી કસબની ચીજો તૈયાર કરવામાં ફ્લિન્ટ હજી આજે પણ વપરાય છે. સિલેક્સાઇટ, હૉર્નસ્ટોન અને ફ્થેનાઇટ એ ચર્ટ માટે વપરાયેલાં અન્ય નામો છે. ચમકવિહીન પૉર્સેલિનની કણરચના અને વલયાકાર પ્રભંગ સાથે જોવા મળતો ઘનિષ્ઠ, સખત, સિલિકાયુક્ત ખડક પૉર્સેલિનાઇટ પણ ચર્ટ જેવો ગણાય છે, જેમાં ઘણા પ્રમાણમાં અન્ય (મુખ્યત્વે મૃણ્મય કે ચૂનેદાર) અશુદ્ધિ દ્રવ્ય હોય છે.

નોવાક્યુલાઇટ પડવાળો ચર્ટ છે. તે મુખ્યત્વે સૂક્ષ્મસ્ફટિકમય ક્વાર્ટ્ઝનો બનેલો હોય છે. તે યુ.એસ.ના આર્કાન્સાસ અને ઓક્લાહોમાના વાશટૉ પર્વતોમાંથી મળી આવે છે.

જુદા જુદા ભૂસ્તરીય કાળમાં મળી આવતાં ચર્ટનું બંધારણ અલગ અલગ હોવાનું માલૂમ પડેલું છે. ટર્શિયરી કાળનાં ચર્ટ ઓપલ પ્રકારનાં છે, તેનાથી જૂની વયનાં ચર્ટ સૂક્ષ્મસ્ફટિક ક્વાર્ટ્ઝ અને કૅલ્સેડોનીથી બનેલાં હોય છે. બિનસિલિકા ચર્ટ કૅલ્સાઇટ અને ડૉલોમાઇટ તેમજ કણજન્ય ક્વાર્ટ્ઝનાં તથા ક્યારેક મૃદ્ખનિજોનાં પણ જાણવા મળેલાં છે. ભૂસંનતિમય નિક્ષેપોમાં જોવા મળતું ચર્ટ રેડિયોલેરિયા-(પ્રોટઝોઆ)નું વિપુલ પ્રમાણ ધરાવતું હોય છે, આ કારણે તેને રેડિયોલેરાઇટ તરીકે પણ ઓળખાવાય છે. આ પ્રકારની જમાવટ સંભવત: દરિયાના ઊંડા જળનિક્ષેપોનો ખ્યાલ આપે છે.

સૂક્ષ્મસ્ફટિકમય સિલિકાથી બનેલું ચર્ટ ઉત્પત્તિની ર્દષ્ટિએ કાર્બનિક કે અકાર્બનિક હોઈ શકે. ક્યારેક તે પ્રાથમિક નિક્ષેપ તરીકે મળે છે તો ક્યારેક ખડકોમાં વિતરિત સિલિકાકણોના એકત્રીકરણથી, તો વળી ક્યારેક પરિણામી કણશ: વિસ્થાપનક્રિયાથી તૈયાર થાય છે. સૂક્ષ્મદાણાદાર સિલિકાયુક્ત ક્વાર્ટ્ઝ અથવા કૅલ્સેડોની દ્વારા થતું ચર્ટીકરણ એ આવશ્યકપણે સિલિકાકરણ જ ગણાય. આ પ્રકારની ક્રિયાનું જ્વલંત ઉદહારણ યુ.એસ.ની મિસિસિપી ખીણના સીસાજસતના નિક્ષેપો સાથે જોવા મળે છે. હિમાલયના સ્પિટિ વિસ્તારના મધ્ય પર્મિયન ચૂનાખડકો ચર્ટ-ફ્લિન્ટની વિપુલતાવાળા છે. આ રીતે જોતાં, મોટે ભાગે ચૂનાખડકોવાળા પ્રદેશોમાં ચર્ટ ચર્ટયુક્ત ચૂનાખડક સ્વરૂપે વિતરણ પામેલું જોવા મળે છે અથવા ચૂનાખડકો અને ડૉલોમાઇટમાં ગઠ્ઠા કે કાંકરા સ્વરૂપે તે મળે છે. પ્રસ્તરીકરણ પામેલા ખડકસ્તરોમાં ગઠ્ઠાસ્વરૂપે મળતા ચર્ટની અંદરથી જીવાવશેષો પણ મળી આવેલા છે. કેટલાંક ચર્ટ રવાદાર પણ હોય છે, જે મૂળભૂત રવાદાર ચૂનાખડકના વિસ્થાપનથી ફેરવાયેલાં હોય છે. આવાં ચર્ટમાં આગંતુક કાર્બોનેટ દ્રવ્ય હોવાનું બહુધા જોવા મળેલું છે અને અગાઉના મૂળભૂત રવાદાર દ્રવ્યનાં વલય ભૂંસાઈ ગયેલાં પણ માલૂમ પડેલાં છે.

ગિરીશભાઈ પંડ્યા