ચરણવ્યૂહસૂત્ર (લગભગ ઈ. પૂ. 2500) : ચારેય વેદોના મંત્રો વગેરે સાહિત્યની અધ્યયન, પારાયણ અને કર્મવિધિભેદે થયેલી શાખાઓનું નિરૂપણ ધરાવતો ગ્રંથવિશેષ. તેના રચયિતા શૌનક પાંડવવંશી જનમેજય રાજાના સમકાલીન હતા. શૌનક વેદસાહિત્યના ઉદ્ધારક તરીકે પુરાણપ્રસિદ્ધ છે. તેમણે વૈદિક સાહિત્યના પરિશીલન સારુ તેમના નૈમિષારણ્યના આશ્રમમાં દીર્ઘકાલીન સત્રયજ્ઞો કર્યાના ઉલ્લેખો પુરાણોમાં છે. શુનકનો પુત્ર તે શૌનક. એ અપત્યપ્રત્યયાન્ત નામ છે. તેમનું વ્યક્તિનામ હતું ગૃત્સમદ અને તેમના પિતા હતા શુનહોત્ર. ભાર્ગવવંશી શુનકે તેમને દત્તક તરીકે સ્વીકાર્યા તેથી તે શૌનક કહેવાયા. મહર્ષિ વેદવ્યાસે જેમને ઋગ્વેદનો આમ્નાય આપેલો તે પૈલની શિષ્યપરંપરામાં શૌનક પાંચમી પેઢીએ આવે છે. તેમણે ઋક્પ્રાતિશાખ્ય, ઋક્સંહિતાના મંત્ર, અનુવાક્, ઋષિ આદિ અનુક્રમણીઓ, ઋગ્વિધાન, ચરણવ્યૂહસૂત્ર આદિ ગ્રંથો રચ્યા છે.
વેદોની પ્રવૃત્તિ યજ્ઞને અર્થે થયેલી. આરંભમાં કર્મપ્રધાન યજુર્વેદ એ જ એક વેદ ગણાતો. વેદવ્યાસે સ્વરૂપાનુસાર મંત્રોનું વિભાજન કરી તે મંત્રો પોતાના 4 શિષ્યોને આપ્યા. પૈલને ઋચાઓનો આમ્નાય, વૈશંપાયનને નિગદ અથવા યજુર્મંત્રોનો આમ્નાય, જૈમિનિને સામમંત્રોનો આમ્નાય અને સુમન્તુને અથર્વાંગિરસ આમ્નાય વહેંચી આપ્યા. આ ચારેયની શિષ્યપરંપરાઓમાં તે તે વેદમંત્રો, સૂક્તો વગેરેનો વિન્યાસ, મંત્રોમાંનાં પાઠાન્તરો, સૂક્તોની મંત્રસંખ્યા, સંહિતાનો આરંભ અને અંત વગેરેમાં જે થોડાક ફેરફાર થયા તદનુસાર તે તે વેદની શાખાઓ વિકસી. આ શાખાઓ અનુસારની સંહિતાઓ, બ્રાહ્મણો, વેદાંગો અને પુરાણોના પઠનપાઠન સારુ પરિષદો યોજાતી. સમાનશાખીય પરિષદોની પાઠશાળાઓ ‘ચરણ’ કહેવાતી. તે પાઠશાળાઓના અધ્યાપકો-અધ્યેતાઓ પણ ચરણ કહેવાતા. આવાં ચરણોની રૂપરેખા ‘ચરણવ્યૂહસૂત્ર’માં મળે છે. શૌનક સિવાય અન્યોએ પણ આવાં ‘ચરણવ્યૂહસૂત્રો’ લખ્યાં હશે પણ તે હાલ ઉપલબ્ધ નથી.
શૌનકના 5 પ્રમુખ શિષ્યો આશ્વલાયન, શાકલ, બાષ્કલ, શાંખાયન અને માંડૂકાયન હતા. તેમનાથી ઋગ્વેદની 5 પ્રમુખ શાખાઓ આરંભાઈ. શિષ્યપરંપરાએ ઋગ્વેદની આવી 21 શાખાઓ થઈ. ‘ચરણવ્યૂહસૂત્ર’માં આશ્વલાયન આદિની 5 પ્રમુખ શાખાઓ ગણાવાઈ છે. આ 5 પ્રમુખ ચરણોનાં અધ્યયન, મંત્રપાઠપદ્ધતિ, પ્રકૃતિવિકૃતિપાઠો વગેરેનું અધ્યયન, અધ્યાપનપદ્ધતિ, સંહિતાગત મંત્રો, અનુવાકો, વર્ગોની સંખ્યા આદિ વિગતો ઋગ્વેદમાં ઉપલબ્ધ છે. ‘ચરણવ્યૂહસૂત્ર’ના ભાષ્યકાર મહિપાલે તે તે વેદ અંગેની અન્ય ઘણી વિગતો તેમના ભાષ્યમાં આપી છે. ખિલસૂક્તો સહિત સૂક્ત, મંત્ર આદિની સંખ્યા આપી છે.
યજુર્વેદના શુક્લ અને કૃષ્ણ આમ્નાયો અનુસાર શાખાઓની સંખ્યા આપી છે. કૃષ્ણ યજુર્વેદની 86 અને શુક્લ યજુર્વેદની 15 શાખાઓ કહી છે. યજુર્વેદમાં સંહિતા બ્રાહ્મણ આદિના અધ્યયન ઉપરાંત છંદ, ભાષા (વ્યાકરણ, શિક્ષા, નિરુક્ત આદિ), મીમાંસા, ન્યાય, તર્ક એ ઉપાંગો તથા યૂપલક્ષણ, છાગલક્ષણ, શ્રાદ્ધકલ્પ, શુલ્વસૂત્ર, પાર્ષદ (પ્રાતિ-શાખ્ય), ઇષ્ટકાપૂરણ, પ્રવરાધ્યાય, ક્રતુસંખ્યા આદિ 18 પરિશિષ્ટોનું અધ્યયન કરવાનું કહ્યું છે. આ સર્વને જાણનાર જ યજ્ઞમાં અધ્વર્યુ થાય એમ કહ્યું છે.
સામવેદની 1000 શાખાઓ હતી, તેમાંની મોટા ભાગની શાખાઓના અધ્યેતાઓએ પાઠના નિયમો, પાઠ વખતની પવિત્રતા, અનધ્યાય વગેરે નિયમો ન પાળ્યા તેથી ઇન્દ્રે વજ્ર વડે તેમનો નાશ કર્યો. માત્ર 6 પ્રમુખ શાખાઓ બચી. અધ્યયન પ્રત્યે નિષ્કાળજી અને અનાચારને લીધે જે તે શાખા લુપ્ત થઈ એમ સમજાય છે. અવશિષ્ટ શાખાઓમાં આસુરાયણી, વાસુરાયણી, વાર્તાન્તરેયા, પ્રાંજલઋગ્વૈન-વિદ્યા, પ્રાચીનયોગ્યા અને રાણાયણીયા એમ 6 શાખાઓ રહી. સાંપ્રત સમયમાં ઉપલબ્ધ કૌથુમ, જૈમિનીય વગેરેનો સમાવેશ રાણાયણીય ચરણમાં કર્યો છે. શૌનકે 8,814 સામગાન કહ્યાં છે. હાલ ઉપલબ્ધ રાણાયણીય અને જૈમિનીય શાખાઓમાં 4000 જેટલાં જ ગાન છે. આ ગાનો પણ સપ્તસ્વરમાં ગાનાર ભાગ્યે જ હશે. હાલ કરવીણાથી જ સ્વરનિર્દેશ કરાય છે. વેણુ કે વીણા સાથે શુદ્ધ ગાન થતું નથી. મંત્રો પર ઉદાત્તાદિ સ્વરો 1, 2, 3 એમ અંકો વડે બતાવાય છે.
અથર્વવેદના 9 ભેદ એટલે 9 શાખાઓ છે. તેમાંની શૌનક અને પિપ્પલાદ શાખાની સંહિતાઓ હાલ ઉપલબ્ધ છે. આ 9માંની કેટલીક શાખાઓનાં નામોમાં પાઠભેદ મળે છે. શૌનકે અથર્વવેદના 12,000 મંત્ર કહ્યા છે. પણ ઉપલબ્ધ બે શાખાઓમાં એટલા મંત્રો નથી. અથર્વવેદનાં પરિશિષ્ટો તરીકે નક્ષત્રકલ્પ, વિધાનકલ્પ, વિધિવિધાનકલ્પ, સંહિતાકલ્પ અને શાંતિકલ્પ એમ 5 કલ્પ ગણાવ્યા છે. ઉપલબ્ધ અથર્વપરિશિષ્ટમાં આમાંના કેટલાક કલ્પોના પાઠ મળે છે. કૌશિકસૂત્રમાં વિધિકલ્પનું નિરૂપણ છે.
ચારેય વેદના ઉપવેદ તરીકે ઋગ્વેદનો આયુર્વેદ, યજુર્વેદનો ધનુર્વેદ (યુદ્ધશાસ્ત્ર), સામવેદનો ગાંધર્વવેદ (સંગીતશાસ્ત્ર) અને અથર્વવેદના ઉપવેદ અર્થશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, શસ્ત્રાસ્ત્રશાસ્ત્ર, શિલ્પશાસ્ત્ર એ પ્રમાણે ગણાવ્યાં છે. ચારેય વેદનાં સ્વરૂપ, તેમની પત્નીઓ, તે તે વેદનાં ગોત્ર, દેવતા અને છંદોવિશેષની વિગત ગ્રંથના અંતે છે. વેદમંત્રોનું સ્વરૂપાનુસારી વિભાગીકરણ વેદવ્યાસે કે કુમાર કાર્તિકેયે કર્યું એમ કહ્યું છે. સર્વ વેદોના મળી 4,00,000 મંત્રો હોવાનું કહ્યું છે. આચાર્ય મહિદાસે તેમના ભાષ્યમાં આ વિગતોનું વિસ્તારથી વર્ણન કર્યું છે. ભાગવત, વિષ્ણુપુરાણ, વાયુપુરાણ વગેરેમાંથી અવતરણો આપી વિગતો પુષ્ટ કરી છે.
નટવરલાલ યાજ્ઞિક