ચરણદાસ ચોર : હબીબ તન્વીરે (1923–2009) લખેલું અને દિગ્દર્શિત કરેલું નાટક. ભારતીય પરંપરામાં પોતાની કેડી શોધતા સ્વાતંત્ર્યોત્તર ભારતીય રંગમંચની વિકાસયાત્રામાં આ નાટક સીમાચિહન છે. 1974ના ઑક્ટોબરમાં ભિલાઈમાં હબીબ તન્વીર અને તેમના નયા થિયેટર દ્વારા સંચાલિત કાર્યશિબિરમાં રાજસ્થાની લોકવાર્તાઓના સંપાદક અને લેખક વિજયદન દેથાએ કહેલી વાર્તા આ નાટકનો આધાર છે.
પોતે હાથી પર બેસીને વરઘોડામાં જશે નહિ, સોનાચાંદીનાં પાત્રોમાં ભોજન કરશે નહિ અને કોઈ રાજકુમારીને પરણશે નહિ એવાં વચનો એક સાધુને અણસમજમાં આપનાર ચોરની આસપાસ કથાવસ્તુ ગૂંથાયેલું છે. પાછળ પડેલા પોલીસના માણસોથી સાધુ તેને બચાવે છે; પરંતુ તેની પાસેથી જૂઠ નહિ બોલવાનું વચન લે છે. ચોર હંમેશાં સાચું બોલવા સંમત થાય છે પણ પોતે ચોરી કર્યા સિવાય રહી શકશે નહિ તેવું સ્પષ્ટપણે જણાવે છે. તે પ્રમાણે તે જુદી જુદી જગાએથી અને વિચિત્ર સંજોગોમાં વસ્તુઓ ચોરવાનું ચાલુ રાખે છે અને પોતે ચોર છે તેવું જાહેર પણ કરે છે. હાથી પર સવારી, સોનાચાંદીનાં પાત્રોમાં ભોજન અને રાજકુમારી સાથે લગ્ન એ ત્રણેય પરિસ્થિતિમાં ભાગ્યવશાત્ તે મુકાય છે. આ પ્રલોભનોમાંથી તે ઊગરી જાય છે અને એ રીતે પોતાનું વચન પાળે છે અને સત્યના ધ્વજને ઉન્નત રાખવા પોતાના જીવનની આહુતિ આપે છે.
જે પોતાના ઇરાદા કે ઓળખને છુપાવતો નથી તેવા ચોર ચરણદાસના પ્રતિઅંશ રૂપે રાજકારણીઓ કે સમાજહિતેચ્છુઓ જેવા કહેવાતા સમાજસેવકો દ્વારા થતી ચોરીઓની સહોપસ્થિતિના પ્રવર્તમાન સંજોગો આ નાટકને આજે પણ પ્રસ્તુત બનાવે છે.
નાટ્ય-શિબિર દરમિયાન આ નાટકના આયોજન માટે હબીબ તન્વીરે મધ્યપ્રદેશના છત્તીસગઢના લોકકલાકારો પાસેથી કામ લીધેલું. એક પછી એક ર્દશ્યની રચનામાં નવી નવી પરિસ્થિતિનો ઉમેરો થતો અને સમકાલીન વ્યંગ્યોક્તિઓના ઉપયોગથી અદભુત રોમાંચક નાટ્યાનુભવ થતો. લોકકલાકારોની બોલી સહજ અને સ્વાભાવિક લાગે તે સારુ નાટકમાં હિંદી જેવી લાગતી છત્તીસગઢી બોલીનો ઉપયોગ થયેલો છે. ગીતોની રચના સ્વર્ણકુમાર અને ગંગારામે કરેલી છે.
1975ના જાન્યુઆરીમાં શ્યામ બેનેગલે લોકકલાકારોની મદદથી તેની સંપૂર્ણ ફિલ્મ બનાવેલી. રાજકુમારીનો પાઠ ભજવનાર સ્વર્ગસ્થ સ્મિતા પાટિલ એકમાત્ર શહેરી અભિનેત્રી હતી.
1975ના મેની ત્રીજી તારીખે દિલ્હીમાં તખ્તા પર રજૂ થયેલું આ નાટક ભારતમાં તેમજ વિદેશોમાં પણ અનેક સ્થળે ખૂબ ભજવાયું છે.
1982ના એડિનબરો આંતરરાષ્ટ્રીય નાટ્ય મહોત્સવમાં ‘ફ્રિન્જ ફર્સ્ટ ઍવૉર્ડ’ મેળવનાર પહેલું ભારતીય નાટક ‘ચરણદાસ ચોર’ છે.
1996માં સીગલ પ્રકાશન સંસ્થાએ આ નાટકનો અંજુમ કાત્યાલે કરેલો અંગ્રેજી અનુવાદ પ્રસિદ્ધ કર્યો. રાજકીય અસહિષ્ણુતાને શાંત કરવા હબીબજીના મૃત્યુ પછીના બીજા જ વર્ષે છત્તીસગઢની સરકારે નાટકની બધી પ્રકાશિત પ્રતો પુસ્તકાલયોમાંથી ખેંચી લીધી હતી અને એનું મંચન રોકવામાં આવ્યું હતું. છતાં પૃથ્વી થિયેટર્સ(મુંબઈ)ના 2009ના ‘હબીબ તન્વિર નાટ્યોત્સવ’માં આ નાટકે ભારે આકર્ષણ જમાવ્યું હતું. અત્યાર સુધીમાં એના નિર્માણનાં છેલ્લાં 40 વર્ષમાં નટનટીઓ અને કલાકસબીઓની ત્રણ પેઢીઓ બદલાઈ ગઈ છે. 2010માં દિલ્હીમાં શ્રી રામ સેન્ટરમાં એનું છેલ્લું મંચન થયું – જેનું નટીપુત્રી નગીન તન્વરે દિગ્દર્શન કર્યું હતું.
જે. એન. કૌશલ
અનુ. રમણિકભાઈ જાની