ચમસ–ચમસિન્ : સોમલતા વાટીને કાઢેલો સોમરસ પીવા માટેનું કાષ્ઠપાત્ર. તે ન્યગ્રોધ (વડ), ઉદુંબર (ઊમરો) કે પિપ્પલ(પીંપળા)ના કાષ્ઠનું બને. તે લંબચોરસ કે સમચોરસ પણ હોય. તેને હાથો હોય તો તે ત્સરુમત્ ચમસ કહેવાય, હાથો ન હોય તો અત્સરુ ચમસ કહેવાય. હાથાના ગોળ કે ચોરસ આકાર ઉપરથી તે કયા ઋત્વિજ માટેનું છે તે સમજાય. ચમસ મુખ્યત્વે સોમરસ પીવા માટે વપરાય.
પણ સોમયાગની દીક્ષા (વ્રત) લીધા પછી યજમાન તેમાં ભોજન પણ કરે. સોમરસનો હોમ કરવામાં પણ તે વપરાય. યજ્ઞાગ્નિની પાસે રાખેલા પ્રણીતા નામે પાત્રમાં જળ ભરવા માટે પણ ચમસનો ઉપયોગ થાય. હોતા (દેવોનું આવાહન કરનાર), બ્રહ્મા (યજ્ઞવિધિનું નિરીક્ષણ કરનાર), ઉદગાતા (સ્તુતિગાન કરનાર), મૈત્રાવરુણ (મિત્ર અને વરુણનું આવાહન કરવામાં હોતાને મદદ કરનાર), બ્રાહ્મણાચ્છંસી (હોતાનો સહાયક, મંત્રો ભણનાર), પોતા (પોતૃ = પવિત્ર કરનાર, હોતાનો સહાયક), નેષ્ટા (નેષ્ટ્ર = યજ્ઞકાર્યોમાં યજમાનપત્નીને મદદ કરનાર, હોતાનો સહાયક નેતા ઋત્વિજ), અચ્છાવાક્ (હોતાનો સહાયક અને દેવોના આવાહનના મંત્રો ભણનાર), આગ્નીધ્ર (અધ્વર્યુનો સહાયક અને અગ્નિ પ્રદીપ્ત રાખવાનું કામ કરનાર) એ નવ ઋત્વિજો (યજ્ઞકાર્ય કરવામાં નિમાયેલા બ્રાહ્મણો) તથા સ્વયં યજમાન : એ દસને ચમસપાત્ર રાખવાનો અધિકાર છે. તે સૌ चमसिन् કહેવાય. મોટા યજ્ઞોમાં સોળ ઋત્વિજો ઉપરાંત એક વધારાનો ‘સદસ્ય’ નામે ઋત્વિજ નિમાય છે તેને પણ ચમસપાત્ર મળે. ગ્રાવસ્તુત્ (સોમલતા વાટવાનું કામ કરનાર) ઋત્વિજને સ્વતંત્ર ચમસ અપાતું નથી. તે હોતા ઋત્વિજના ચમસપાત્રમાં સોમપાન કરે છે. ચમસો સાચવનાર બ્રાહ્મણો ‘ચમસાધ્વર્યુ’ કહેવાય. તેમને ઋત્વિજોનો દરજ્જો મળતો નથી. ચમસમાં સોમરસ ભરવાની ક્રિયા ચમસોન્નયન કહેવાય.
નટવરલાલ યાજ્ઞિક