ચતુર્મુખ રસ : ક્ષયરોગમાં વપરાતી આયુર્વેદની પ્રસિદ્ધ ઔષધિ. તેમાં શુદ્ધ પારદ, શુદ્ધ ગંધક, લોહભસ્મ, અભ્રકભસ્મ અને સુવર્ણભસ્મને ખરલમાં ઘૂંટી કુંવારપાઠાનો રસ, ત્રિકટુ ક્વાથ, ત્રિફલા ક્વાથ, સાટોડીનો સ્વરસ, કૌંચાનો ક્વાથ, લવિંગનો ક્વાથ, ચિત્રકમૂળનો ક્વાથ તથા પદ્મકાષ્ઠના ક્વાથની સાથે એક એક દિવસ ભાવના આપી સૂકવીને ચૂર્ણરૂપમાં તૈયાર કરવામાં આવે છે. આ ઔષધની માત્રા 1થી 3 રતી લઈ તેમાં પા ચમચી ત્રિફલાચૂર્ણ મેળવી મધ સાથે ચટાડવામાં આવે છે.
મધુકાન્ત ભગવાનજી પંડ્યા