ચતુરલાલ (જ. 16 એપ્રિલ 1925, ઉદયપુર; અ. 14 ઑક્ટોબર 1965, નવી દિલ્હી) : વિખ્યાત ભારતીય તબલાવાદક. તેમના પિતા નાથુરામ પણ સારા સંગીતકાર હતા. માત્ર આઠ વર્ષની ઉંમરે તેમણે નાથુપ્રસાદ પાસેથી તબલાવાદનની તાલીમ લેવાની શરૂઆત કરી જે 12 વર્ષ (1933–45) સુધી ચાલુ રહી. 1945માં તેમણે તબલાવાદક ઉસ્તાદ હાફિઝમિયાં સાહેબ પાસેથી પ્રશિક્ષણ લેવાનું શરૂ કર્યું જે લાંબા સમય સુધી ચાલુ રહ્યું. તબલાવાદક ઉસ્તાદ અહમદજાન થિરકવા સાહેબ પાસેથી પણ તેમણે વિશિષ્ટ શૈલીના તબલાવાદનની તાલીમ લીધી હતી તથા પંડિત રવિશંકર જેવા સિતારવાદક પાસેથી તબલાની સંગત કરવાની તાલીમ લીધી. 1948માં તે આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પર સ્ટાફ આર્ટિસ્ટ તરીકે જોડાયા અને અવસાન સુધી ત્યાં સેવા આપી.
1952–65 દરમિયાન તેમણે ભારતના અગ્રણી સંગીતકારો સાથે વિદેશની યાત્રા કરી જેમાં ઓંકારનાથ ઠાકુર સાથે અફઘાનિસ્તાન (1952), અલી અકબરખાં સાથે અમેરિકા (1955, 1957), કૅનેડા અને યુરોપના દેશો (1957), સોવિયેટ સંઘ અને મૉંગોલિયા (1960), ઑસ્ટ્રેલિયા (1961) વગેરેનો સમાવેશ થાય છે. દરમિયાન ભારતમાં યોજાતા સંગીત સમારોહોમાં તથા સંગીતસંમેલનોમાં ભાગ લઈ ઉત્તમ કોટિના તબલાવાદક તરીકે તેમણે ખ્યાતિ મેળવી હતી. તેમના સ્વતંત્ર તબલાવાદનની ઘણી રેકૉર્ડ બહાર પડી છે. 1960માં ભારત સરકારના વિદેશયાત્રા માટેના સાંસ્કૃતિક શિષ્ટમંડળમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો હતો. હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના ગાયક પંડિત ઓમકારનાથ ઠાકુર, સરોદવાદક ઉસ્તાદ અલીઅકબરખાં સાહેબ, સિતારવાદક પંડિત રવિશંકર, સરોદવાદક શરનરાની માથુર, સારંગીવાદક પંડિત રામનારાયણ જેવા પ્રથમ પંક્તિના સંગીતકારો સાથે તેમણે તબલાની સંગત કરી હતી.
અન્ય વાદકો કરતાં તેમની તબલાવાદનની શૈલી તદ્દન ભિન્ન હતી, તેમાં બોલની રજૂઆત ખૂબ સફાઈદાર રહેતી. કઠિન ગણાય તેવી ગતોના પ્રસ્તુતીકરણ માટે તે વિશેષ જાણીતા હતા.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે