ચચનામા (ઈ. સ.ની તેરમી સદી) : સિંધની સ્થાનિક તવારીખો ઉપરથી રચાયેલ અરબી ઇતિહાસનો ફારસી અનુવાદ. તેની રચના ઈ. સ.ની તેરમી સદીના શરૂઆતના ચરણમાં થઈ હતી. તેમાં સિંધ ઉપરના આરબ વિજયનો અને સિંધનો સંક્ષિપ્ત ઇતિહાસ આપવામાં આવ્યો છે. આમ ‘ચચનામા’ સિંધની જીતનો સહુથી વિસ્તૃત અને પ્રાય: સૌથી પ્રાચીન વૃત્તાંત પણ છે. એની મૂળ અરબી પ્રત હવે ઉપલબ્ધ નથી.
પશ્ચિમ ભારતનાં સુરાષ્ટ્ર અને ગુર્જર રાજ્યો ઉપરાંત સૌથી અગત્યનું રાજ્ય સિંધુ હતું. ઈ. સ.ની સાતમી સદીની શરૂઆતમાં તે વિશાળ અને શક્તિશાળી રાજ્ય બન્યું હતું. હર્ષવર્ધનને તેની સામે થોડી સફળતા મળી હતી, છતાં તે કોઈ કાયમી અસર સ્થાપી શક્યો નહોતો. યુઅન શ્વાંગ તેને એક સ્વતંત્ર રાજ્ય તરીકે નહિ પણ તેનાં ત્રણ ખંડિયાં રાજ્યો હતાં તેમ વર્ણવે છે. તેનો રાજ્યવિસ્તાર સિંધુ ખીણના નીચલા પ્રદેશથી મુલતાનની દક્ષિણ સુધીના પ્રદેશ સુધી હતો.
‘ચચનામા’ પ્રમાણે સિંધનો રાજા સહિરસ વિશાળ પ્રદેશ ઉપર સત્તા ભોગવતો, જેની ઉત્તરે કાશ્મીર અને પશ્ચિમે મકરાન આવેલાં હતાં. રાજા સહિરસ એ સહસિરાયનો પુત્ર હતો. તેની રાજધાની અલોર હતી અને બાકીનું રાજ્ય ચાર પ્રાંતોમાં વિભક્ત હતું. તે દરેક ઉપર એક સૂબેદાર કે સામંત હતો. ઈરાનના પ્રાંત નિમરુઝનો રાજા ચડાઈ કરી કિરમનમાં દાખલ થયો અને તેની સાથેના યુદ્ધમાં રાજા સહિરસ માર્યો ગયો (ઈ. સ.ની સાતમી સદીની શરૂઆત) હતો. સહિરસ પછી તેનો પુત્ર રાય સહસિ બીજો સત્તા ઉપર આવ્યો. તેના સમયમાં ચચ નામનો બ્રાહ્મણ ક્રમશ: સત્તામાં આગળ વધ્યો અને રાજ્યમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરીને રાજાના મૃત્યુ પછી તેની ગાદીએ આવ્યો. પ્રાંતીય સૂબેદારોનો વિરોધ તેણે કચડી નાખ્યો. તે કાશ્મીરની ટેકરીઓ સુધી આગળ વધ્યો અને બે રાજ્યો વચ્ચેની સરહદ તેણે નક્કી કરી. આરબ ચડાઈને કારણે ઈરાનમાં વ્યાપેલી ગેરવ્યવસ્થાનો લાભ લઈને ચચે મકરાનનો કેટલોક ભાગ જીતી લીધો અને કન્દબિલ(કલાતની પૂર્વે)ના લોકોને ખંડણી ભરવાની ફરજ પાડી.
‘ચચનામા’ પ્રમાણે ચચ ઘણો શક્તિશાળી રાજા હતો. અરબી તવારીખ પ્રમાણે ચચ ઈ. સ. 622માં ગાદી ઉપર આવ્યો. ચચે મકરાનના રાજાની વિધવા રાણી સાથે લગ્ન કર્યાં હતાં. તેનાથી દહરસિંહ અને દાહર નામે બે પુત્રો થયા હતા. ચચ પછી તેનો ભાઈ ચંદર ગાદીએ આવ્યો. ચંદરના મૃત્યુ પછી તેનો પુત્ર દુરાજ અને દાહર રાજગાદી માટે પ્રતિસ્પર્ધી બન્યા. પણ દહરસિંહે દુરાજને પરાસ્ત કર્યો અને રાજ્ય ચચના બે પુત્રો વચ્ચે વહેંચાઈ ગયું. દહરસિંહના મૃત્યુ પછી દાહર એકલો જ સંયુક્ત રાજ્યનો રાજા (ઈ. સ. 700) બન્યો. ઈ. સ. 708માં પડોશી રાજ્ય રમલના રાજાએ હુમલો કર્યો પણ દાહરે તેને સરળતાથી પાછો વાળ્યો.
સિંધના દેવલ બંદર ઉપર ઈ. સ. 643માં આરબોએ પ્રથમ દરિયાઈ હુમલો કર્યો, પણ તે નિષ્ફળ ગયો. ખલીફ ઉમર અને ખલીફ ઉથમાને ચડાઈઓ કરવાનું માંડી વાળ્યું. ખલીફ અલીના સમયમાં ઈ. સ. 660માં ભારત ઉપર ચડાઈ થઈ અને તે કિકાન (બોલનઘાટ પાસે) સુધી પહોંચી, પણ તે નિષ્ફળ નીવડી (ઈ. સ. 663). પછીનાં 20 વર્ષ દરમિયાન છ નિષ્ફળ ચડાઈઓ થઈ. મુસ્લિમો મકરાન જીતી શક્યા. તે પછીનાં 20 વર્ષ શાંતિમાં પસાર થયાં. ઈ. સ. 798માં સિલોનથી ઊપડેલા વહાણને ચાંચિયાઓએ દેવલ બંદર પાસે લૂંટ્યું અને મુસ્લિમ સ્ત્રીઓને કેદ કરી. તેથી ઇરાકના સૂબેદાર હજાજે સિંધના રાજા દાહરને સ્ત્રીઓને મુક્ત કરવા લખ્યું. રાજાએ પોતાની અશક્તિ જાહેર કરી. આથી હજાજે ઉબેઈદુલ્લાહને ચડાઈ કરવા મોકલ્યો. તે હાર્યો અને માર્યો ગયો. બીજી ચડાઈ સમુદ્રમાર્ગે ઓમનથી બુદઈલના નેતૃત્વ નીચે કરવામાં આવી. દાહરના પુત્ર જયસિંહે મુસ્લિમ સૈન્યને નસાડી મૂક્યું અને યુદ્ધમાં બુદઈલ માર્યો ગયો. હવે હજાજે ભત્રીજા અને જમાઈ મુહમ્મદ-ઇબિન-કાસિમને વિશાળ સૈન્ય સાથે ચડાઈ કરવા મોકલ્યો. તે દેવલ પહોંચ્યો, પ્રજાની કત્લેઆમ કરી, 4000 મુસ્લિમોને ત્યાં વસાવ્યા અને મસ્જિદ બંધાવી. દેવલથી તે નેરુન (હાલનું હૈદરાબાદ) પહોંચ્યો, તેને બૌદ્ધધર્મી સાધુઓએ મદદ કરી. રાઓર પાસે યુદ્ધ થયું. દાહર મરાયો, તેનો પુત્ર જયસિંહ બ્રાહ્મણાબાદ પીછેહઠ કરી ગયો. રાઓરમાં રાજકુટુંબની સ્ત્રીઓએ જૌહર કર્યું. મુહમ્મદે હવે બ્રાહ્મણાબાદ ઉપર આક્રમણ કર્યું. જયસિંહનો વજીર વિશ્વાસઘાત કરી મુહમ્મદ સાથે ભળી ગયો. કિલ્લો પડ્યો. હવે મુહમ્મદે રાજધાની અલોરને તાબે કરી અને મુલતાન ખાલસા કર્યું. ઈ. સ. 714માં હજાજનું મૃત્યુ થયું. મુહમ્મદને ઇરાક પાછો બોલાવી રિબાવી રિબાવીને મારી નાખવામાં આવ્યો. જયસિંહે બ્રાહ્મણાબાદમાં ફરી સત્તા સ્થાપી. ખલીફે સિંધને નમાવવા હબીબને મોકલ્યો, તેણે અલોર જીત્યું. તે પછી ખલીફ ઉમર બીજા(ઈ. સ. 717–720)એ જયસિંહ સમક્ષ ઇસ્લામ ધર્મ અંગીકાર કરવાની શરત મૂકી જે તેણે સ્વીકારી, પણ સિંધના સૂબેદાર જુનૈદ સામે તેણે યુદ્ધ કર્યું જેમાં તે હાર્યો અને કેદી બન્યો. જયસિંહની સાથે સિંધમાં હિંદુ રાજ્યનો અંત આવ્યો અને મુસ્લિમ સત્તા સ્થપાઈ.
યતીન્દ્ર દીક્ષિત