ઘોરાલ (the great Indian bustard) : વંશ Gruiformesના Otididae કુળનું લગભગ લુપ્ત થવા આવેલી જાતનું એક ભારતીય પક્ષી. શાસ્ત્રીય નામ Choriotis nigriceps. ઘોરાલ કે ઘોરાડ સૂકાં વેરાન, છૂટાંછવાયાં ઊગેલાં ઝાડવાંવાળાં ઘાસનાં વિશાળ સપાટ મેદાન, ખાડાટેકરાવાળા વિસ્તારો અને તેની આસપાસ આવેલાં ખેતરોમાં મળી આવે છે. વીસમી સદીની શરૂઆતમાં તે ભારતના વિશિષ્ટ પ્રદેશોમાં ઘણી વાર 20થી 30ના ટોળામાં જોવા મળતાં. હવે છૂટાંછવાયાં કે 5થી 10ના ટોળામાં કોઈક વાર નજરે પડે છે. ગુજરાતમાં માત્ર કચ્છમાં જોવા મળે છે.
ઘોરાલનો બાંધો શાહમૃગ જેવો મજબૂત હોય છે. તેની ડોક અને પગ લાંબાં હોય છે. તેના શરીર પરનાં પીંછાં આછા કથ્થાઈ રંગનાં, માથા પરનાં કાળાં અને ડોક પરનાં સફેદ રંગનાં હોય છે. પગ ઘેરા પીળા હોય છે. કદમાં ગીધથી સહેજ મોટું, ઊંચાઈ આશરે 1 મીટર, લંબાઈ 1.25 મીટર, જ્યારે પાંખનો વિસ્તાર 2 મીટર કરતાં પણ વધારે હોય છે. ઘોરાલ ત્વરિત વેગે ઊડનારું હોવા છતાં ભારે શરીરને લીધે તે જમીનથી બહુ ઊંચે ચડતું નથી. ઘોરાલ શરમાળ અને બીકણ પક્ષી છે અને માનવીથી તે દૂર રહે છે. તેનું માંસ સ્વાદિષ્ટ ગણાતું હોવાથી તે શિકારીનું નિશાન બને છે જ્યારે શિયાળ, કૂતરા, ઘો અને ગરુડ જેવાં પ્રાણીઓ તેનું ભક્ષણ કરે છે. ઘાસનાં બીજ અને અનાજના દાણા જેવા વનસ્પત્યાહાર ઉપરાંત, ખેતીને નુકસાનકારક એવાં કીટકો, સરીસૃપો અને ઉંદર જેવાં પ્રાણીઓને પણ તે ભક્ષે છે. જ્યાં પાણી ઉપલબ્ધ હોય ત્યાં નીચે બેસીને પાણી ખેંચે છે અને પછી પોતાની ડોક ઊંચી કરીને ગળામાં ઉતારે છે. કોઈક વખત પાંખોથી પાણી છાંટે છે. નાનાં બચ્ચાંઓ રેતીમાં સ્નાન કરે છે. આ પક્ષીઓ 500 મીટર સુધી અવાજ સાંભળી શકે છે.

ઘોરાલ
કદમાં માદા કરતાં નર સહેજ ઊંચો હોય છે. નરની છાતી પર એક કાળો પટ્ટો જોવા મળે છે. માદામાં સામાન્યપણે આ પટ્ટો દેખાતો નથી. પ્રજનનકાળ સામાન્યપણે માર્ચથી સપ્ટેમ્બર સુધીનો હોય છે. નર ઘોરાલ પ્રજનનકાળ દરમિયાન માદાને એકત્રિત કરી પોતાના તરફ તેમનું ધ્યાન કેન્દ્રિત કરે છે અને સહેજ ઊંચાણવાળા સ્થળે રહી નૃત્યલીલા આરંભ કરે છે. તેની ડોકમાં એક કોથળી આવેલી હોય છે તેને તે ફુલાવે છે. કોથળી ફૂલતાં ડોક અને માથું ઢંકાઈ જાય છે. પૂંછડીને વાળીને તે પીઠ સુધી ફેલાવે છે. છાતી પરનાં પીંછાંને કાઢી નાખે છે અને ખૂબ અવાજ કરે છે. આ બધા અખતરા માદાને આકર્ષવા અને હરીફ નરને પડકારવા માટે હોય છે. માદા એક જ ઈંડાને ઘાસ અને છોડ હોય તેવા ખુલ્લા મેદાનમાં મૂકે છે. આ ઈંડું ભૂરું-લીલું હોય છે. સેવન અને બચ્ચાની સંભાળની જવાબદારી માદા ઉપાડે છે.
વર્ષો પહેલાં ભારત, મ્યાનમાર અને સિલોનમાં આ પક્ષીઓનું પ્રમાણ અધિક હતું. તેને પરિણામે તેનો શિકાર એક રમત તરીકે થતો હતો. જેમાં મોગલોથી અંગ્રેજોએ આ પક્ષીઓનો શિકાર કરી પોતાના શિકારના શોખને સંતોષ્યો હતો. જેને પરિણામે હજારોની સંખ્યામાં ઘોરાલનો નાશ થયો હતો તેવી નોંધ બ્રિટિશ સૈનિક William Henny Sykesએ કરેલી છે. ઐતિહાસિક નોંધ મુજબ આ પક્ષીની પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિળનાડુમાં પણ વસાહત હતી, પરંતુ આજે રાજસ્થાન, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અન ગુજરાત રાજ્યમાં એકલ-દોકલ જોવા મળે છે. આ પક્ષીની પ્રજાતિને બચાવવા ભારત સરકાર પ્રયત્નો કરી રહી છે. રાજસ્થાનમાં જેસલમેર પાસે આવેલ Desert National Park, ગુજરાતમાં સમુદ્રકિનારે આવેલા ઘાસના પ્રદેશો જેમાં કચ્છ જિલ્લાના અબડાસા અને માંડવી તાલુકામાં થોડી વસ્તી જોવા મળે છે. મધ્યપ્રદેશમાં ઘટીયાગાંવ અને કરેરા અભયારણ્યમાં પણ આ પક્ષીઓને વસાવવામાં આવ્યાં છે. કર્ણાટકના રાણેબતૂર ખાતે ઘોરાલ માટે અભયારણ્ય સ્થાપવામાં આવ્યું છે. ગુજરાતમાં કચ્છ જિલ્લામાં નલિયા ખાતે Kutch Bustard Sanctuary ઊભું કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં અહમદનગર, ચંદ્રપુર વગેરે સ્થળોએ આશરે 7000 મીટર વિસ્તારમાં આ પક્ષી માટે અભયારણ્ય ઊભાં કરાયાં છે. રાજસ્થાનમાં ઇન્દિરા ગાંધી નહેરને કારણે ત્યાં ઘાસનું પ્રમાણ વધતાં, તેમજ ખેતીકીય પ્રવૃત્તિ વધતાં ત્યાં આ પક્ષીઓની વસાહત ઊભી થઈ છે.
સરકાર આ લુપ્ત થતી જાતિને બચાવવા પ્રયત્નો કરે છે તો બીજી બાજુ પાકા રસ્તા, ઔદ્યોગિક વસાહત, વીજળીકરણ વધવાને કારણે પક્ષીઓની વસાહતો પણ નાશ પામતી જાય છે. પાકિસ્તાનની સરકાર દેખાવ પૂરતી જ આ પક્ષીઓને બચાવવા કાર્ય કરે છે. પાકિસ્તાનની સરકાર ધનિક લોકોને આ પક્ષીઓના શિકાર કરવા માટે સગવડ ઊભી કરી આપે છે. પાકિસ્તાનમાં 2013–14ના વર્ષના ગાળામાં ચોલીસ્તાનના રણપ્રદેશમાં ઘોરાલ જોવા મળ્યાં હતાં.
ભારત સરકાર આ પક્ષીઓને બચાવવા અથાગ પ્રયત્ન કરે છે. ભારતનાં કેટલાંક રાજ્યોમાંથી આ ઘોરાલના 63 નમૂના એકઠા કર્યા હતા. અને તેના DNA દ્વારા જાણવા મળ્યું હતું કે આ પક્ષીઓમાં ઘણું વૈવિધ્ય હતું અને તેઓ આશરે 20થી 40 હજાર વર્ષ અગાઉથી ભારતમાં વસતાં હતાં. આ લુપ્ત થતી પ્રજાતિને બચાવવા માટે ભારતના પક્ષીવિદ શ્રી સલીમઅલીએ જણાવ્યું હતું કે મોર કરતાં ઘોરાલને રાષ્ટ્રીય પક્ષી તરીકે જાહેર કરવું જોઈએ.
યોગેશ મણિલાલ દલાલ
નીતિન કોઠારી