ઘાસિયા જડાનો રોગ : સૂક્ષ્મ રસ(microplasm)થી શેરડીમાં થતો રોગ. તેનાથી રોગિષ્ઠ છોડની વૃદ્ધિ અટકી જાય છે અને તે નાના – વામણા રહી જાય છે. આવા છોડમાંથી પુષ્કળ પ્રમાણમાં વામણા પીલા નીકળે છે, જે કેટલીક વાર 50થી 60 જેટલા હોય છે. આને પરિણામે સમગ્ર શેરડીનું જડિયું ઘાસના ભોથા કે થૂમડા જેવું દેખાય છે, તેથી તેને ઘાસિયા જડાનો રોગ એવું નામ આપવામાં આવેલ છે. શેરડીના સર્વ ભાગમાં આ રોગ ફેલાય છે. રોગનો પ્રાથમિક ચેપ ટપકાં મારફત ફેલાય છે. મોલોમશી રોગનો ફેલાવો કરવામાં તે મુખ્ય ભાગ ભજવે છે. મોડા પાકમાં ઉપદ્રવ વધારે જોવા મળે છે.
નિયંત્રણ માટેનાં પગલાં : રોગિષ્ઠ છોડ નજરે પડે કે તરત જ ઉખાડી બાળી નાશ કરવો. રોગમુક્ત વિસ્તારમાંથી બીજની પસંદગી કરવી; રોપતાં પહેલાં બીજના કટકાને ગરમ પાણી કે ગરમ હવાની માવજત આપવી; મોલોમશીના નિયંત્રણ માટે અવારનવાર જંતુનાશક દવાનો છંટકાવ કરવો, મોડો પાક ન લેવો, રોગપ્રતિકારક જાતનું વાવેતર કરવું વગેરે આ રોગના નિયંત્રણના ઉપાય છે.
હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ