ઘરેણાં : ભારતીય સંસ્કૃતિમાં કલાસૌંદર્ય, ઉત્સવો અને પર્વો એકબીજાની હારોહાર ચાલ્યાં છે. લોકસમાજના વિકસતા જતા કલાપ્રેમે સૌષ્ઠવયુક્ત શણગારોને જન્મ આપ્યો છે. ‘પ્રવીણ-સાગર’ ગ્રંથમાં નારીનાં 12 આભરણ અને 16 શણગારનો ઉલ્લેખ છે. દેહને ભૂષિત કરે તે આભૂષણ. સંસ્કૃતમાં એને માટે ‘અલંકાર’, ‘આભૂષણ’, ‘ભૂષણ’, ‘શૃંગારક’ ઇત્યાદિ શબ્દો મળે છે. ગુજરાતી ભાષામાં ‘ઘરેણું’, ‘દાગીનો’ અને સૌરાષ્ટ્રની લોકબોલીમાં ‘ઘરેણું-ગાંઠું’ (ગંઠેલો દાગીનો), જણસ જેવા શબ્દો તેને માટે વપરાય છે. ઘરેણાંની ઉત્પત્તિનો ઇતિહાસ સંસ્કૃતિના સર્જનકાળ જેટલો પ્રાચીન જણાય છે. નિસર્ગની ગોદમાં ઊછરતા આદિયુગના રંગીલા માનવીએ, પ્રકૃતિએ છૂટા હાથે બક્ષેલાં રંગબેરંગી રૂપાળાં ફૂલોને કાનમાં ખોસ્યાં હશે. કબીલાની કોઈ નારીએ ફૂલોની, પશુઓના દાંતની કે શંખછીપલાંની માળા બનાવીને મનના માણીગરના ગળામાં આરોપિત કરી હશે ત્યારથી શરીરશૃંગારનું પ્રકરણ આરંભાયું હશે.
પક્ષીઓનાં પીંછાં, ફૂલો, પશુઓનાં હાડકાં, દરિયાઈ શંખછીપલાં, કોડીઓ, વાંસ, ઘાસ, લોઢું, પિત્તળ અને તાંબાનાં ઘરેણાંનો એક તબક્કો પૂરો થતાં સોના-રૂપાનાં ઘરેણાંનો બીજો તબક્કો આરંભાયો હશે. હીરા, માણેક ને ઝવેરાત તો બહુ મોડાં અસ્તિત્વમાં આવ્યાં. ધીમે ધીમે સોનારૂપાનાં ઘરેણાં ઘડનાર સોની મહાજનનો એક આખો વર્ગ અસ્તિત્વમાં આવ્યો.
વેદકાળમાં સ્ત્રીઓ સોનાનાં ઘરેણાં પહેરતી તેવા ઉલ્લેખો મળે છે. યજુર્વેદ કહે છે કે જે સોનાનાં ઘરેણાં પહેરે છે તે અપવિત્રને પણ પવિત્ર કરે છે. ઋગ્વેદમાં સોનારૂપાનાં આભૂષણોનો ઉલ્લેખ મળે છે. એ સમયના રાજ, પુષ્કર, સ્નૂપ, કુરિકા, ઓપસ, શિપ્ર, હિરણ્યશિપ્ર, હરિશિપ્ર, શૃંગ વગેરે વિવિધ અલંકારો પુષ્પો તથા વનસ્પતિમાંથી બનતા. કાનમાં કર્ણશોભન, હિરણ્યકર્ણ, કુંડલ, ચક્ર, પ્રવર્ત તથા પ્રકાશ નામનાં આભૂષણો પહેરાતાં.
બોધાયનના જણાવ્યા અનુસાર વિદ્યાર્થી અભ્યાસ પૂરો કરીને ઘેર જાય ત્યારે ઉત્સવ ઊજવાતો. એમાં વિદ્યાર્થી કર્ણવેષ્ટક, મણિ અને અન્ય આભૂષણો પહેરતો. એના હાથ પર બોરડીના લાકડામાંથી બનાવેલો બાજુબંધ પહેરાવાતો. સોમરસ ઉત્સવ ઊજવાતો ત્યારે યજમાનની પત્ની સોનાનો હાર પહેરતી. લગ્નસમયે કન્યાને મુવક પુષ્પનો હાર પહેરાવાતો.
સાડાચાર હજાર વર્ષ પુરાણા હડપ્પા, મોહેં-જો-દડોના અવશેષોમાંથી કંઠહાર, દામણી, વીંટી, વલય અને હારના છૂટા મણકા અને અર્ધઘડેલાં ઘરેણાંના નમૂના મળી આવ્યા છે. આ ઘરેણાં સોનું, કાંસું, રૂપું, તાંબું, છીપ, સેલખડી અને કીમતી ફાયેન્સ પથ્થરમાંથી બનેલાં છે.
રામાયણ, મહાભારત અને તેના જેવા ગ્રંથોમાં પણ ઘરેણાંના ઘણા ઉલ્લેખો મળે છે. મંથરાએ કૈકેયીને બતાવેલી યોજના સફળ થાય, રામ વનમાં જાય અને ભરતને ગાદી મળે તો એની ખુશાલીમાં કૈકેયી મંથરાને બક્ષિસમાં કાનનાં કુંડળ, કંઠનો હાર, હાથનાં કંકણ અને કટિમેખલા આપવાનું કહે છે.
ગુપ્તકાળમાં સ્ત્રીપુરુષોના દેહને દેદીપ્યમાન બનાવવા અનેક અલંકારો પહેરવામાં આવતા. વાત્સ્યાયને ‘કામસૂત્ર’માં યુવાનોને વિધવિધ પ્રકારનાં આભૂષણો ધારણ કરવા જણાવ્યું છે. સાતમા સૈકામાં થઈ ગયેલા મહાકવિ બાણે ‘હર્ષચરિત’માં માલતીના હાથમાં પહેરેલા સોનાના કડાનું વર્ણન આપ્યું છે. આ કડાના અગ્રભાગમાં મકરની બે મુખાકૃતિઓ કોતરેલી છે.
સંસ્કૃત સાહિત્યમાંથી પ્રાચીન ઘરેણાંનાં અસંખ્ય વર્ણનો પ્રાપ્ત થાય છે. આ ઘરેણાં મુખ્યત્વે ચાર પ્રકારનાં હતાં : (1) આવેધ્ય : કુંડળ, ચૂની વગેરે, (2) નિબંધનીય : બાંધીને પહેરાય તેવાં, (3) પ્રક્ષેપ્ય : કડાં, કંદોરા અને (4) આરોપ્ય : હાર, માળા વગેરે.
ગુજરાતમાં પંથકે પંથકે જુદી જુદી જાતિઓ વસવાટ કરે છે. આ જાતિઓનાં સ્ત્રીપુરુષો જાતજાતનાં અને ભાતભાતનાં ઘાટ-સુઘાટનાં ઘરેણાં પહેરે છે. આ ઘરેણાંના ઘાટ અને વળોટ જાતિએ જાતિએ જુદા જુદા જોવા મળે છે. તેમાંયે પુરુષોનાં, સ્ત્રીઓનાં અને બાળકોનાં ઘરેણાં જુદાં. દેવમંદિરોના આરાધ્ય દેવોની મૂર્તિઓના શણગારના અલંકારોય જુદા. પુરુષો શરીર પર ઓછાં આભૂષણો પહેરે છે; પણ નારીઓ તો માથાથી લઈને પગની આંગળીઓ સુધી અનેક ઘરેણાં પહેરે છે.
સૌરાષ્ટ્રમાં 10 વરસની દીકરીઓ પગમાં પોલારિયાં ને તોડા પહેરે છે. ડોકમાં પોટલિયો ને નાકમાં કડી પહેરે છે; જ્યારે જુવાન દીકરીઓ પગમાં અઠાસિયા, લંગર ને તોડા પહેરે છે. હાથે રૂપાની વાટલી અને ગળામાં મકોડાની સાંકળી પહેરે છે, જ્યારે વહુવારુઓ ડોકમાં સોનાનું ઝૂમણું, પાંદડિયાળો હાર, ઝરમર્ય, પારો, માદરડી, તનમનિયું, ઓરસી, મોહનમાળા, મગમાળા, મોરહાર, પૈહાર, રામનોમી, રણ્યમાળા, હાંસડી, હાથમાં વાઘમોરાનું કડું, વાંક, ગુજરી, બલોયાં, આંગળીઓમાં વેઢ, વીંટિયું, બાવડે બાજુબંધ, લૉકીટ, કડું કે પટ્ટો, કેડે કંદોરો, કાનમાં વેડલા, અકોટા, પોખાનિયું, ઝાલ્યું, ઠોળિયા, નખલી, કાપ, એરિંગ, બૂટિયાં અને પગમાં બેડી, તોડા, કબૂતરી, છડા, ઝાંઝરી, કાંબિયું, કડલાં ને અણવટ વીંછિયા પહેરે છે. આમ ઘરેણાંના પરંપરિત ઘાટ રબારી, ભરવાડ, રાજપૂત, કોળી, કણબી, આયર, મેર, સતવારા, હરિજન વગેરે જાતિની ઓળખ આપનારા બની રહે છે. ઘરેણાં પહેરનાર સ્ત્રી કુંવારી, પરણેલી કે વિધવા છે તેની અને તેના કુટુંબની આર્થિક સ્થિતિની ઓળખ આપી જાય છે.
ઘરેણાં સાથે લોકજીવનમાં જૂના કાળથી કેટલીક ધાર્મિક શ્રદ્ધા અને માન્યતાઓ જોડાયેલી જોવા મળે છે; ઉ. ત., બળવાન પ્રાણીના અસ્થિના અલંકારો પહેરવાથી મનુષ્યમાં પ્રાણી જેવું બળ આવે છે, આવી માન્યતાથી પ્રેરાઈને હાથીદાંતનાં આભૂષણો અને વાઘનખ પહેરવાનો રિવાજ ઊતરી આવ્યો છે. વણજારા લોકો ગળામાં રામદેવપીરનાં ચકતાં રક્ષણના હેતુસર પહેરે છે. કેટલાક વળી સોનારૂપાનું મંત્રેલું તાવીજ હાથે ધારણ કરે છે. નાનું બાળક બીએ નહિ તે માટે તેના ગળામાં હનુમાનની જગાની કે માતાજીના યંત્રવાળી રૂપાની ડોડી, માદળિયું કે તાવીજ પહેરાવવામાં આવે છે. બીજી વાર પરણેલી કેટલીક સ્ત્રીઓ, નડતરના નિવારણ અર્થે ગળામાં બે પગલાંવાળું ‘શોક્યપગલું’ પહેરે છે.
માનવીના રૂડા રૂપને નિખારતાં સોનારૂપાનાં ઘરેણાં આરોગ્યની ર્દષ્ટિએ પણ ઉપયોગી છે એમ આયુર્વેદના ગ્રંથોમાં નોંધાયું છે. એમ કહેવાય છે કે ઘરેણાં પહેરવાથી સુવર્ણસ્પર્શ્ય વાયુ શરીરમાં પ્રવેશીને અનેક રોગો દૂર કરે છે, ચામડીને મુલાયમ અને તેજસ્વી બનાવે છે, રક્ત અને પિત્તના વિકારને દૂર કરે છે અને મુખની કાંતિ વધારે છે. નાક પર સુવર્ણનાં ઘરેણાં પહેરવાથી શુદ્ધ અને પુષ્ટ વાયુ ફેફસાંને મજબૂત બનાવે છે, ક્ષયરોગના કીટાણુઓનો નાશ કરે છે અને હૃદયને બળવાન બનાવે છે. કાનમાં પહેરેલાં ઘરેણાંથી શ્રવણેન્દ્રિયને બળ મળે છે. ઘરેણાં પર નજર કરવાથી આંખોને તેજ મળે છે અને સુવર્ણથી છમકાવેલું દૂધ સગર્ભા નારીને ત્રણ મહિના પિવરાવવામાં આવે તો સુવર્ણની કાંતિસમ પુત્રરત્નની પ્રાપ્તિ થાય છે એમ અનુભવી વૈદો કહે છે. ગ્રહોની અસરોના નિવારણ માટે શ્રદ્ધાળુ લોકો જ્યોતિષીઓની સલાહ મુજબ સોના, રૂપા કે પંચધાતુની વીંટીમાં જુદાં જુદાં નંગો આજે પણ પહેરે છે.
ઘરેણાં ઘડનાર સોની મહાજન કે ચોકસીને નામે ઓળખાય છે. ઘરેણાં ઘડવાનો આગવો કસબ તેમનામાં વશંપરંપરાથી ચાલતો આવ્યો છે. આ કસબના કસબીઓ સોનામાંથી દાગીનો ઘડવા માટે કસ કાઢવાનો પથ્થર, સાણસી, હથોડી, અંગીઠો, સગડી, દીવી, દીવ ધમી, જંતરડું, તેજાબ, ટંકણખાર, હરણિયો પારો, ગોરિલો વગેરે એકસો ને એક ચીજોનો ઉપયોગ કરે છે.
સોની ઘરેણાં ઘડવાની કલામાં પારંગત ગણાય છે. મૂળરાજે મહારાજા ચંદ્રગુપ્ત સમક્ષ સોની મહાજનોની 64 કળાઓ વર્ણવી હતી. તેમાં 2 કળા સોનાની કસોટી કરવાની, 5 કળા સોનું ગાળવાની, 16 કળા સોનું ગાળવા માટે ‘મૂસ’ની, 6 કળા અગ્નિની અંગેઠી ફૂંકવાની, 6 કળા અગ્નિ રાખવાની. 6 કળા સોનીની પોતાની, 12 ચેષ્ટા કળા, 11 બાકીની શ્રેષ્ઠ કળા, આમ સોની મહાજન ઘરેણાં ઘડવાની 64 કળાના કસબી ગણાય છે.
આજે પહેરાતાં ઘરેણાં બનાવવાની આધુનિક કળાકારીગરી એ અનેક સદીઓના વિકાસનું પરિણામ છે. ઘરેણાંના ઘડતરની કળા પર બહારની અનેક સંસ્કૃતિઓ અને ભારતના વિભિન્ન પ્રદેશોની પરંપરાગત શૈલીઓનું સંમિશ્રણ થયેલું જોવા મળે છે. મુસ્લિમ રાજવીઓના સમયમાં ભારતીય ઘરેણાં ઘડવાની કળાએ નવી દિશાઓ ખોલી હતી. એ સમયે હિંદુ-મુસ્લિમ શૈલીના સંમિશ્રણમાંથી આભૂષણોનાં અનેક રૂપ અને ઘાટ અસ્તિત્વમાં આવ્યાં. સોના-ચાંદીમાં મીનાકારીનું મનોહરકામ આ સમયમાં આરંભાયું. મીનાકામની કળાકારીગરી માટે રાજકોટ, કચ્છ, જયપુર અને ઉદેપુરના કારીગરો આજેય ખૂબ જાણીતા છે. જૂજ અપવાદોને બાદ કરીએ તો બહુ જ થોડા ફેરફારો સાથે ઘરેણાંના પરંપરિત પ્રકારો ને સ્વરૂપો દેશભરના લોકજીવનમાં એકસરખા પ્રચલિત બન્યા છે. નગરજીવનના સંપન્ન લોકો હીરા, મોતી, માણેકની સાથે પ્લૅટિનમ જેવી કીમતી ધાતુનાં ઘરેણાં પહેરતા થયા છે. શહેરનાં સોની મહાજનો અનેક અવનવા ઘાટનાં ઘરેણાં બનાવીને નગરની નારીઓનાં મન હરી લે છે. તેમ છતાંયે જૂના ઘાટ ફરી લોકપ્રિય બનતા જાય છે.
લોકગીતોમાં નારીઓએ ઘરેણાંને લાડ લડાવ્યાં છે :
‘અધમણ સોનું ને અધમણ રૂપું
તેની મને ટીલડી ઘડાવો હો રાજ
ટીલડી ચોડીને અમે પાણીડાં ગ્યાં’તાં
ટીલડી જળમાં ડૂબી હો રાજ.’
જોરાવરસિંહ જાદવ