ઘન દ્રાવણ (solid solution) : બે કે વધુ પદાર્થોનું આણ્વિક કક્ષાએ એકબીજા સાથે મિશ્રણ કરતાં ઉદભવતો નવો ઘન પદાર્થ. સ્ફટિકરચનામાં એક ઘટકના પરમાણુઓ, આયનો કે અણુઓ, સામાન્યત: બીજા ઘટકના લૅટિસ સ્થાનમાં ગોઠવાયેલા હોય છે. અમુક મિશ્રધાતુઓ (alloys) એક ધાતુનું બીજી ધાતુમાં આવેલું મિશ્રણ છે. સમરૂપી ક્ષારો (isomorphic salts) પણ કેટલીક વાર ઘન દ્રાવણ બનાવી શકે છે; ઉદાહરણ : ફટકડી.
ઘણાખરા કિસ્સામાં જ્યારે પ્રવાહી દ્રાવણો થીજી જાય છે ત્યારે ઘન દ્રાવણો ઉત્પન્ન થતાં હોય છે. દાખલા તરીકે, પીગળેલા તાંબા અને જસતનું મિશ્રણ ઠંડું પડે ત્યારે પિત્તળ (brass) બને છે, જે ઘન દ્રાવણ છે. પિગાળેલી ચાંદી અને તાંબાનું મિશ્રણ ઠંડું પડે ત્યારે સિક્કા માટેની ચાંદી (sterling silver) મળે છે, જે ઘન દ્રાવણનું બીજું ઉદાહરણ છે.
એરચ મા. બલસારા