ઘનતામાપકો : અન્ય પદાર્થોથી ખનિજની ભિન્નતા દર્શાવતો ભૌતિક ગુણધર્મ તે ઘનતા. તેનું માપ કરનાર ઉપકરણો તે ઘનતામાપકો. કોઈ નિયમિત આકારના પદાર્થનું દળ ભૌતિક તુલા (physical balance) અથવા કમાન કાંટા (spring balance) વડે નક્કી કરવામાં આવે છે. આકારને અનુરૂપ નિશ્ચિત ગણિતીય સૂત્રનો ઉપયોગ કરીને કદ શોધવામાં આવે છે. દળને કદ વડે ભાગવાથી પદાર્થની ઘનતા મળે છે.
પદાર્થ અનિયમિત આકારનો હોય તો તેનું કદ નક્કી કરવા માટે તેને પ્રવાહી(પાણી)થી ભરેલા, નાળચાવાળા પાત્રમાં ડુબાડવામાં આવે છે. તેમ કરવાથી સ્થળાંતર થતા પ્રવાહીને અંકિત નળાકાર(measuring cylinder)માં એકત્રિત કરવામાં આવે છે. સ્થળાંતર તથા પ્રવાહીનું કદ ડુબાડેલી વસ્તુના કદ જેટલું હોવાથી અંકિત નળાકારમાં તેનું કદ મપાય છે અને પદાર્થનું કદ મળી રહે છે. દળ અને કદનો ભાગાકાર કરવાથી ઘનતા મળે છે.
પ્રવાહીની ઘનતા માપવા માટે પિકનોમીટર નામનું ઉપકરણ વાપરવામાં આવે છે. તેનું કદ નિશ્ચિત હોય છે અને ઉપકરણ ઉપર જ દર્શાવેલું હોય છે. સૌપ્રથમ ખાલી પિકનોમીટરનું વજન કરી તેને આપેલા પ્રવાહી વડે સંપૂર્ણ ભરી દેવામાં આવે છે; તેનું ફરી વજન કરવાથી પ્રવાહીનું દળ મળે છે. પિકનોમીટર ઉપરનો આંક પ્રવાહીનું કદ દર્શાવે છે. આમ દળ અને કદ જાણવાથી ઘનતા નક્કી કરી શકાય છે. હાઇડ્રૉમીટર નામના ઉપકરણનો ઉપયોગ કરવાથી પણ પ્રવાહીની ઘનતા માપી શકાય છે.
હાઇડ્રૉમીટરને તળિયે પારો ભરેલો એક ગોળો હોય છે અને ઉપરની તરફ સાંકડી નળી જેવી દાંડી (stem) હોય છે. દાંડીની ઉપર ઘનતા માપવા માટેનાં અંકનો કરેલાં હોય છે. વજનદાર તળિયાને કારણે હાઇડ્રૉમીટરને પ્રવાહીમાં ડુબાડતાં, તે ઊભું રહે છે. દાંડી ઉપરનો આંક પ્રવાહીની ઘનતા દર્શાવે છે.
વાયુની ઘનતા માપવી સહેજ મુશ્કેલ છે, કારણ કે તેનું મૂલ્ય ખૂબ જ ઓછું હોય છે તથા તાપમાન અને દબાણના ફેરફારને લઈને તેના મૂલ્યમાં બહુ મોટો ફેરફાર થતો હોય છે. કોઈ ખાલી પાત્રનું વજન કરી તેને વાયુ વડે ભરીને ફરીથી વજન કરતાં, બન્ને વજનના તફાવત ઉપરથી વાયુનું દળ મળે છે. ત્યારબાદ વાયુ કાઢી નાખી પાત્રને પાણી વડે સંપૂર્ણ ભરી, તે પાણીને બીજા પાત્રમાં ઠાલવી, તેનું કદ માપવાથી વાયુનું કદ મળે છે. દળ તથા કદ જાણવાથી તેની ઘનતાનું મૂલ્ય મળે છે.
એરચ મા. બલસારા