ગ્લૅસર, ડોનાલ્ડ આર્થર(Glacer, Donald Arthur) (જ. 21 સપ્ટેમ્બર 1926, ક્લીવલૅન્ડ, ઓહાયો, યુ. એસ.; અ. 28 ફેબ્રુઆરી 2013 બર્કલી, કેલિફોર્નિયા) : નોબેલ પુરસ્કાર વિજેતા અમેરિકન ભૌતિકશાસ્ત્રી. ચેતાજીવવિજ્ઞાની અને બબલ ચેમ્બરના શોધક. અવપારમાણ્વિક (subatomic) કણોની વર્તણૂકના અવલોકનમાં વપરાતા, ‘બબલ ચેમ્બર’ નામના સંશોધન-ઉપકરણની શોધ માટે તેમને ચોત્રીસ વર્ષની યુવાન વયે 1960નો ભૌતિકશાસ્ત્ર વિષયનો નોબેલ પુરસ્કાર મળ્યો હતો.
ક્લીવલૅન્ડની કેઇસ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીમાંથી 1946માં સ્નાતક બન્યા પછી પાસડેનાની કૅલિફૉર્નિયા યુનિવર્સિટી ઑવ્ ટૅક્નૉલૉજીમાં જોડાયા. ત્યાંથી 1949માં ભૌતિકશાસ્ત્રમાં પીએચ.ડી. મેળવી. ત્યારબાદ મિશિગન યુનિવર્સિટીમાં શિક્ષણકાર્ય શરૂ કર્યું, જ્યાં 1959 સુધી ભૌતિકશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે હતા. અહીં તેમને ‘બબલ ચેમ્બર’ વિશે ખ્યાલ ઉદભવ્યો. તેમાંથી બહોળા વપરાશવાળું ઉપકરણ ‘બબલ ચેમ્બર’ બન્યું. તેની મદદથી ઉપપારમાણ્વિક કણના પથનું પરિશુદ્ધ માપ (precise measurement) મળે છે. 1959માં બર્કલીની કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાં જોડાઈ, 1964માં ભૌતિકશાસ્ત્ર તથા આણ્વિક જૈવવિજ્ઞાન (molecular biology) વિષયના પ્રાધ્યાપક બન્યા છે.
એરચ મા. બલસારા