ગ્લૅશો, શેલ્ડન એલ. (જ. 5 ડિસેમ્બર 1932, ન્યૂયૉર્ક, મેનહટન, યુ.એસ.) : વિદ્યુત્-ચુંબકત્વ અને મંદ-ન્યૂક્લિયર આંતરક્રિયાના એકીકૃત (unified) વાદ(QCD)ના રચયિતા અમેરિકન ભૌતિકવિજ્ઞાની અને સ્ટીવન વિનબર્ગ તથા અબ્દુસ સલામ સાથે 1979ના નોબેલ પુરસ્કારના સહવિજેતા.
તેમના પિતાનું નામ લેવિસ ગ્લાશો અને માતાનું નામ બેલાની રૂબિન હતું. તે યહૂદી હતાં. ગઈ સદીના આરંભે રશિયાથી આવી ન્યૂયૉર્ક સિટીમાં વસેલા. તેમના પિતા એક સફળ પ્લમ્બર હતા.
તેમણે બ્રોન્ક્સ હાઈસ્કૂલ ઑવ્ સાયન્સમાં અભ્યાસ કરેલો. તેમના સહાધ્યાયી બુદ્ધિશાળી હતા જેમાં એક તો સ્ટીવન વિનબર્ગ હતા. તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીની ગ્રૅજ્યુએટ સ્કૂલમાં 1954માં જોડાયા. તેઓ કોર્નેલ યુનિવર્સિટીમાંથી 1954માં સ્નાતક અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી 1955માં અનુસ્નાતક થયા. 1959માં તેમણે પીએચ.ડી.નું સંશોધનકાર્ય હાર્વર્ડ યુનિવર્સિટીમાં પૂરું કર્યું.
તેમણે 1972માં જૉન શિર્લે ઍલેક્ઝાન્ડર સાથે લગ્ન કર્યાં. તેમને ચાર સંતાનો છે.
તેમને પ્રેરક માર્ગદર્શક વ્યક્તિઓ તેમની શાળાના સહાધ્યાયીઓ હતા જેમાંના એક સ્ટીવન વિનબર્ગ તો નોબેલ પુરસ્કારમાં તેમના સહવિજેતા થયા.
1958–60માં તે એનએસએફ પોસ્ટડૉક્ટરલ ફેલો થયા. 1960–61માં કાલ્ટેક રિસર્ચ ફેલો થયા. 1961–62માં સ્ટૅન્ફર્ડ યુનિવર્સિટીમાં, મદદનીશ પ્રાધ્યાપક, 1962–66 દરમિયાન યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા, બકેલેમાં સહપ્રાધ્યાપક (Associate Professor); 1966–82 સુધી હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક, 1968માં CERNમાં મુલાકાતી વૈજ્ઞાનિક, 1970માં યુનિવર્સિટી ઑવ્ માર્સેઇલેસમાં મુલાકાતી પ્રાધ્યાપક, 1974માં મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીમાં મુલાકાતી પ્રાધ્યાપક, 1964માં બ્રૂકહાવેન લૅબોરેટરીમાં કન્સલ્ટન્ટ, 1982માં ટેક્સાસ એ. ઍન્ડ એમ. યુનિવર્સિટીમાં મુલાકાતી પ્રાધ્યાપક, 1982માં યુનિવર્સિટી ઑવ્ હ્યૂસ્ટનમાં સંલગ્ન વરિષ્ઠ વૈજ્ઞાનિક અને 1984માં બોસ્ટન યુનિવર્સિટીમાં પ્રતિષ્ઠિત મુલાકાતી વૈજ્ઞાનિક હતા.
1958–60માં ઇલેક્ટ્રૉવીક થિયરીની સંરચના SU(2) x U (1) શોધ્યું. વિનબર્ગ-સલામવાદે તેને આગળ વધારેલ અને લેપ્ટોનનો સુસંબદ્ધ વાદ મળ્યો. ગ્લેશોએ આ વાદને બેરિયોન અને મેસોન જેવા કણો માટે વિસ્તાર્યો અને ‘ચાર્મ’ નામનો કણ-ગુણધર્મ આમેજ કર્યો. તેણે ગેલ-માનના વાદનો ઉપયોગ કરી ચોથા ચાર્મ્ડ ક્વાર્કનું અનુમાન કર્યું. ત્યારબાદ ‘ક્વાર્ક’ વાદને વિસ્તારીને તેમાં ‘કલર્ડ’ ક્વાર્ક આમેજ કર્યા. ક્વૉન્ટમ ક્રોમો ડાયનેમિક્સ(QCD)ના વાદની ગ્લેશોના અભિગમના આધારે સમજૂતી અપાય છે. તેમને 1979માં વિનબર્ગ અને સલામ સાથે નોબેલ પુરસ્કાર એનાયત થયો.
તેઓ અમેરિકન ફિઝિકલ સોસાયટી, સિગ્મા Xi, અમેરિકન ઍસોસિયેશન ફૉર ધ એડ્વાન્સમેન્ટ ઑવ્ સાયન્સ, અમેરિકન એકૅડેમી ઑવ્ આર્ટ્સ ઍન્ડ સાયન્સીઝ, નૅશનલ એકૅડેમી ઑવ્ સાયન્સ ઑનર્સના સભ્ય છે. 1962–66 દરમિયાન તેમને આલ્ફ્રેડ પી. સ્લોઆન ફાઉન્ડેશન ફેલોશિપ, 1977માં ઓપન હેમર મેમૉરિયલ મેડલ, 1978માં જ્યૉર્જ લેડલાઈ ઍવૉર્ડ એનાયત થયા હતા. તેમને અનેક યુનિવર્સિટીઓ દ્વારા ડૉક્ટરેટની માનદ પદવી એનાયત થઈ હતી.
એરચ મા. બલસારા