ગ્લાયકોસાઇડ ઔષધો : વનસ્પતિમાં વિસ્તૃત પ્રમાણમાં મળી આવતાં ઔષધીય ગુણધર્મો ધરાવતાં શર્કરા અને એગ્લાયકોનયુક્ત કાર્બોહાઇડ્રેટ સંયોજનોનો (એસેટલ) એક વર્ગ. તે રંગહીન કે રંગીન (પીળા, લાલ, નારંગી), સ્ફટિકમય કે અસ્ફટિકમય, પાણી કે આલ્કોહૉલમાં દ્રાવ્ય, ક્લૉરોફૉર્મ અને બેન્ઝિન જેવાં દ્રાવકોમાં અદ્રાવ્ય પ્રકાશક્રિયાશીલ (optically active) ઘન પદાર્થો છે.
તેમનું વર્ગીકરણ ઍગ્લાયકોનની રાસાયણિક પ્રકૃતિ પ્રમાણે કરવામાં આવે છે. દરેક વર્ગમાં આવતી વનસ્પતિ, તેના રાસાયણિક ઘટકો તથા ઉપયોગ સાથે તેનું વર્ગીકરણ નીચે આપવામાં આવેલું છે.
ઍન્થ્રાસિનોસાઇડ્ઝ (અથવા હાઇડ્રૉક્સિ ઍન્થ્રાક્વિનોન ગ્લાયકોસાઇડ) : આ પ્રકારનાં ગ્લાયકોસાઇડમાં ઍગ્લાયકોન તરીકે એન્થ્રાક્વિનોન, ઍન્થ્રોલ, એન્થ્રાનોલ કે તેનાં વ્યુત્પન્નો શર્કરા સાથે સંયોજાયેલાં હોય છે. મુખમાર્ગે ઔષધ લીધા બાદ તેનું બૃહદાંત્રમાંના જીવાણુથી ઍન્થ્રોનમાં રૂપાંતર થાય છે, જે વધતીઓછી રેચક અસર ધરાવે છે. સેનોસાઇડ (A, B, C, D) રેચક ગુણ ધરાવતા ઍન્થ્રાસિનૉઇડ્ઝ, સેનાપર્ણ [મીઢીઆવળ; (Cassia acutifolia, Delite; (Leguminosae)] તથા સેનાફળમાં મળી આવે છે. ગરમાળા(Cassia fistula; Leguminosae)ની સીંગના ગરમાં પણ તે મળી આવે છે. એલો[ઘૃતકુમારી રસ, Aloe vulgaris; (Liliaceae)]માં બાર્બેલૉઇન છે, જે C–ગ્લાયકોસાઇડ છે. તે રેચક ઉપરાંત જઠર, યકૃત અને ચામડીના રોગોમાં ઉપયોગી છે. કૅસ્કેરા છાલમાંના ઍલોઇન પણ રેચક ગુણ ધરાવે છે. રૂબાર્બ પ્રકંદમાં મુક્ત ઍન્થ્રાક્વિનોન્સ અને તેના વિવિધ ગ્લાયકોસાઇડ પણ રેચક ગુણ ધરાવે છે. ઍરેરોબા પાઉડરમાં ક્રિસાલૉઇન અને ક્રિસાફેનોલ પણ આ વર્ગના ગ્લાયકોસાઇડ છે. તે ચામડીના રોગોમાં અકસીર ગણાય છે.
હૃદયબલ્ય (cardiotonic) ગ્લાયકોસાઇડ્ઝ (સ્ટીરૉઇડ ગ્લાયકોસાઇડ્ઝ) : ઍગ્લાયકોન તરીકે સ્ટીરૉઇડ્ઝ કે તેનાં વ્યુત્પન્નો અને શર્કરા તરીકે ગ્લુકોઝ ઉપરાંત ડિજિટૉક્સોઝ પણ હોય છે. તે હૃદયપેશીની સજ્જતા, સંકુચન અને ધમનીમાં રક્તદાબ વધારી ધબકારાને નિયમિત કરે છે. ડિજિટાલિસ પર્ણ (Digitalis purpurea, (Scrophulariaceae))ના પરપરિયા ગ્લાયકોસાઇડ A અને B (અનુક્રમે ડિજિટૉક્સિન + ગ્લુકોઝ, જિટૉક્સિન+ ગ્લુકોઝ) અને ડિગૉક્સિન તથા સ્ટ્રૉફૅન્થસ (Strophanthus Kombe, (Apocynaceae)માં K-સ્ટ્રૉફાન્વિન અને સ્કિવલ (Urginea indica, (Liliaceae))ના કંદમાં પ્રોસિલ્લારિડીન હૃદયબલ્ય સંયોજનો છે. કેટલાંક સૅપોનિન ગ્લાયકોસાઇડ્માં પણ સ્ટીરૉઇડ ઍગ્લાયકોન હોય છે.
સૅપોનિન ગ્લાયકોસાઇડ્ઝ : સ્ટીરૉઇડ્ઝ કે ટ્રાયટરપિન ઍગ્લાયકોન ધરાવતા, સાબુ કે પ્રક્ષાલકોના ગુણવાળા આ ગ્લાયકોસાઇડ પ્રક્ષાલકો તરીકે સફાઈકામમાં ઉપયોગી છે. તે છીંકજનક, તીક્ષ્ણ સ્વાદવાળાં અને રુધિર સંલયનકારક (blood haemolyser) છે.
જેઠીમધ[Glycyrrhiza glabra (Leguminoseae)]નાં ભૂમિગત પ્રકાંડ અને મૂળમાં ગ્લિસરહીઝીન ગ્લાયકોસાઇડ ગળ્યો અને કફોત્કારક (expectorant) છે. હાલમાં તે તાણરોધી (antispasmodic), અલ્સરરોધી (antiulcer) અને શોથરોધી (antiinflammatory) તરીકે પણ વપરાય છે. જિન્સેન્ગ [Panax schinseng (Araliaceae)]નાં મૂળમાંનાં પૅનેક્સોસાઇડ્ઝ ટૉનિક, મૂત્રલ (diuretic) અને વાતાનુલોમક (carminative) છે. સેનેગા મૂળમાં, ક્વિલામા છાલમાં, એક્યુલસ ચેસ્ટનટમાં અને મેથીનાં બીજમાં સૅપોનિન ગ્લાયકોસાઇડ હોય છે.
કુમારિન ગ્લાયકોસાઇડ્ઝ : બેન્ઝો – α –પાયરોનનાં વ્યુત્પન્નોવાળાં ઍગ્લાયકોન ધરાવતાં આ ગ્લાયકોસાઇડ આલ્કોહૉલમાં દ્રાવ્ય, સુગંધિત પદાર્થો છે, તે વાસ અને સ્વાદ સુધારવા માટે ઉપયોગી છે. વિષ-નાગફળ, અમી મેજુસનાં ફળ, બાવચીનાં બીજ આ પ્રકારનાં ગ્લાયકોસાઇડ્ઝ છે.
ફ્લેવોન ગ્લાયકોસાઇડ્ઝ (ઍન્થ્રોક્સાન્થિન ગ્લાયકોસાઇડ્ઝ) : બેન્ઝો–γ-પાયરોનના વ્યુત્પન્નયુક્ત ઍગ્લાયકોન ધરાવતા ગ્લાયકોસાઇડ રંગીન હોય છે. ક્રેટગેસ[Cratageus monogyna (Rosaceae)]નાં પર્ણ, ફૂલ અને ફળમાંનાં ફ્લૅવોન ઍગ્લાયકોન ધરાવતા ગ્લાયકોસાઇડ્ઝ હૃદયવાહિકા વિસ્ફારક (cardiovascular), પ્રતિરક્તદાબી (anti-hypertensive) ગુણ ધરાવે છે.
સાયનોજેનેટિક ગ્લાયકોસાઇડ : આ પ્રકારના ગ્લાયકોસાઇડના જળવિભાજનથી હાઇડ્રોસાયેનિક ઍસિડ (HCN) મળે છે, જે અત્યંત વિષાળુ છે. કડવી બદામનાં બીજમાં (એમિગ્ડેલિન), જંગલી ચેરીની છાલમાં અને ચેરી લાઉરેલનાં પર્ણમાં આ પ્રકારનાં ગ્લાયકોસાઇડ મળે છે.
ફિનાઇલ ગ્લાયકોસાઇડ્ઝ :
(ક) આલ્કોહૉલ ગ્લાયકોસાઇડ્ઝ : સેલિસિન,
સેલિક્સની છાલમાંથી મળતો કટુબલ્ય (bitter tonic) જ્વરહર, આમવાતરોધી (anti-rheumatic) ગ્લાયકોસાઇડ છે.
(ખ) આલ્ડિહાઇડ ગ્લાયકોસાઇડ્ઝ : વેનિલોસાઇડ વેનિલા ફળમાંથી મળે છે. તેના જળવિભાજનથી વેનિલિન નામનો પ્રખ્યાત સુગંધિત પદાર્થ મળે છે, જે વાસ (flavour) અને સ્વાદ સુધારવામાં ઉપયોગી છે.
(ગ) એસ્ટર ગ્લાયકોસાઇડ્ઝ : ગાઉલથેરીન બેટુલાની છાલમાંથી મેળવવામાં આવે છે. તેના વિભાજનથી મિથાઇલ સેલિસિલેટ [C6H4(OH)COOCH3] અને ગ્લુકોઝ (C6H12O6) મળે છે. મિથાઇલ સેલિસિલેટ ચેપનાશક (antiseptic), વાસ અને સ્વાદના સુધારક અને આમવાતરોધી ગુણો ધરાવે છે.
સ્ટ્રૅપ્ટોમાયસિન ગ્લાયકોસાઇડ્ઝ : સ્ટ્રૅપ્ટોમાયસિસ ગ્રાયસિયસ(Streptomyces griseus)માંથી મેળવવામાં આવતો ગ્લાયકોસાઇડ; તેમાં ઍગ્લાયકોન સ્ટ્રૅપ્ટિડિન અને દ્વિશર્કરા તરીકે સ્ટ્રૅપ્ટોબાયોસેમાઇન હોય છે. તે ગ્રામ-નેગેટિવ જીવાણુ અને ક્ષય (Bacillus tuberculosis) રોગ સામે વાપરી શકાય છે.
આઇસોથાયોસાયનેટ ગ્લાયકોસાઇડ્ઝ : આ પ્રકારના ગ્લાયકોસાઇડના જળવિભાજનથી આઇસોથાયોસાયનેટ ઍગ્લાયકોન અને શર્કરા મળે છે. કાળી રાઇ (Brassica nigra) અને કથ્થાઈ રાઈ(Brassica juncea)માંના સિનિગ્રિન અને માયરોસિનમાંથી એલાયલ આઇસોથાયોસાયનેટ મળે છે. તે ખોરાકને સુવાસ અને સ્વાદ પ્રદાન કરે છે. તે પાચક અને ચેપનાશક ગુણધર્મો ધરાવે છે.
સેરિબ્રોસાઇડ ગ્લાયકોસાઇડ્ઝ : સંકીર્ણ (complex) પ્રકારના ગ્લાયકોસાઇડ્ઝ; તે ચેતા-પેશી(nerve-tissue)માં હોય છે. તે હૅક્સોઝ શર્કરા (ગૅલેક્ટોઝ અને ગ્લુકોઝ), નાઇટ્રોજન બેઝ અને ચરબીજ ઍસિડ ઘટકો ધરાવે છે. ગૅંગ્લિઓસાઇડમાં ઘણા શર્કરા-એકમો એક જ અણુમાં હોય છે. કેટલીક વખતે તેમાં ઍમિનો શર્કરા હોય છે.
કટુ ગ્લાયકોસાઇડ્ઝ : આમાંથી મળતા ઍગ્લાયકોન કડવા સ્વાદવાળા હોય છે અને પ્રતિવર્તી ક્રિયાથી પાચક રસો વધારી ક્ષુધાવર્ધક અસર ધરાવે છે. જેન્શિયન (gentian) મૂળમાં, કરિયાતાના આખા છોડમાં, કડુના ભૂમિગત પ્રકંદમાં, કાલમેઘના પર્ણમાં અને ક્વૅસિયાના કાષ્ઠમાં આ ગ્લાયકોસાઇડ મળે છે.
ડોલરરાય દામજીભાઈ ભાલારા