ગ્રેટ એક્સ્પેક્ટેશન્સ, ધ : ચાર્લ્સ ડિકન્સની ખ્યાતનામ સાહિત્યિક કૃતિ પર આધારિત ઑસ્કારવિજેતા ચલચિત્ર. નિર્માણવર્ષ 1947. નિર્માતા-દિગ્દર્શક ડેવિડ લિન. ફિલ્મના મુખ્ય પાત્ર પિપ તરીકે જ્હૉન મિલ્સ, બાળક પિપ તરીકે ઍન્થની વેજર, નાયિકા એસ્ટેલા તરીકે વાલેરી હૉબ્સન, બાળ એસ્ટેલા તરીકે ખ્યાતનામ બ્રિટિશ અભિનેત્રી જિન સિમન્સ, મૅગવિચના પાત્રમાં ફિનલે કરી, મિસ હાવિશમ તરીકે મારતિતા હન્ટ અને પિપના પ્રેમાળ હિતેચ્છુ મિત્ર હર્બર્ટ પૉકેટની ભૂમિકામાં મહાન અભિનેતા અલેક ગિનેસ છે. ચલચિત્રના માધ્યમ દ્વારા સાહિત્યિક કૃતિની ગુણવત્તાને જાળવીને તેને આકાર આપવાનો જશ આ ફિલ્મના સર્જક ડેવિડ લિનને ફાળે જાય છે.
ચલચિત્રનો નાયક પિપ ગરીબ અને માબાપવિહોણો લુહારનો પુત્ર છે. તેનું જીવન એકાએક બદલાઈ ગયું અને તે સમૃદ્ધ બન્યો. આ પરિવર્તન માટે તે અર્ધપાગલ અમીર પ્રૌઢા મિસ હાવિશમને જવાબદાર ગણતો, જેની દત્તક ભત્રીજી એસ્ટેલા સાથે તે નાનપણમાં રમતો; પરંતુ હકીકતમાં પિપની સમૃદ્ધિ માટે મૅગવિચ નામનો ગુનેગાર જવાબદાર હતો. પિપ નાનો હતો ત્યારે જેલમાંથી ભાગેલા મૅગવિચને તેણે આશ્રય આપ્યો હતો. મૅગવિચ ઑસ્ટ્રેલિયા ભાગી ગયો, ત્યાં તે અમીર બન્યો. પિપે કરેલ સહાયના બદલામાં તે ગુપ્ત રાહે પિપને આર્થિક સહાય કરતો રહ્યો. વર્ષો બાદ બંનેનું મિલન થયું. પોલીસ મૅગવિચનો પીછો કરતી રહી ત્યારે ફરીથી તેને બચાવવા પિપે તેને દેશની સરહદ પાર કરવામાં મદદ કરી. નાસભાગમાં મૅગવિચ મરણતોલ ઘાયલ થયો ત્યારે તે એક પુત્રીનો પિતા છે એવા ભૂતકાળના રહસ્યનો તે પિપ સમક્ષ એકરાર કરે છે. આ પુત્રી તે એસ્ટેલા. ત્યારબાદ પિપ પોતે બીમારીમાં પટકાયો અને જ્યારે તે સાજો થયો ત્યારે તે એસ્ટેલાને મળવા મિસ હાવિશમને આવાસે પહોંચ્યો. ત્યાં તેણે જોયું કે વચગાળામાં ત્યાં કોઈ પરિવર્તન થયું ન હતું. દીવાલ પરની ઘડિયાળનો સમય પણ થંભી ગયો હતો. તેનો પ્રિયતમ ગદ્દાર છે તે જાણવાની સાથે જ હાવિશમે આવાસનાં તમામ ઘડિયાળો બંધ કરી દીધાં હતાં. એસ્ટેલા પણ આવું જ જાણે કે થંભી ગયેલું જીવન ગાળી રહી છે તે જોઈને પિપ કંપી ઊઠે છે. એક અમીર સાથે એસ્ટેલાનાં નક્કી થયેલાં લગ્ન તેના ખાનદાનની વાત આવતાં અટકી ગયાં હતાં. પિપે તેને કહ્યું કે ભૂતકાળની જેમ તે હજુ પણ તેને ચાહે છે. પિપના આ એકરારથી પીગળેલી એસ્ટેલા પિપ સાથે નવી જિંદગી શરૂ કરવા ત્યાંથી તેની સાથે ચાલી જાય છે અને ત્યાં ચલચિત્રની કથાનો રોમાંચક અંત આવે છે.
શ્રેષ્ઠ કથાચિત્ર, શ્રેષ્ઠ દિગ્દર્શન, શ્રેષ્ઠ પટકથા, શ્રેષ્ઠ છબીકલા અને શ્રેષ્ઠ કલાનિર્દેશન – એ પાંચ વિભાગને અનુલક્ષીને ઑસ્કાર પુરસ્કાર માટે આ ચલચિત્રનું સૂચન થયું હતું, જેમાંથી છેલ્લા બે વિભાગની જવાબદારી સંભાળનાર અનુક્રમે ગાય ગ્રીન તથા જ્હૉન બ્રિયાનને ઑસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.
પીયૂષ વ્યાસ