ગ્રીન, ટૉમસ હિલ (જ. 7 એપ્રિલ 1836, બર્કીન, યૉર્કશાયર; અ. 26 માર્ચ 1882, ઑક્સફર્ડ) : ઓગણીસમી સદીના ઇંગ્લૅન્ડના જાણીતા શિક્ષણકાર તથા આદર્શવાદી રાજકીય ચિંતક. ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં શિક્ષણ લઈ તેમણે ત્યાં જ ફેલો, વ્યાખ્યાતા અને પ્રોફેસર તરીકે કાર્ય કરીને તેમના સમયમાં પ્રભાવક અને અસરકારક સ્થાન પ્રાપ્ત કર્યું, યુનિવર્સિટી અને સમાજ વચ્ચે તેમણે ઘનિષ્ઠ સંબંધ સ્થાપ્યો હતો.
તેમના સમયમાં પ્રચલિત બનેલા હ્યૂમ અને મિલના અનુભૂતિવાદ તથા હર્બર્ટ સ્પેન્સરના નિસર્ગવાદમાંથી તેમણે હેગલ અને કાન્ટના આદર્શવાદ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. માનવીની આધ્યાત્મિકતા અને સંકલ્પબળને તેમણે મહત્વ આપ્યું અને તે સાથે નીતિમત્તાને કેન્દ્રમાં રાખી. રાજકીય સંસ્થાઓ સમાજની નીતિમત્તાનો જ આવિષ્કાર છે અને તેને મૂર્તિમંત કરે છે. તેમના સૌથી પ્રસિદ્ધ કથન પ્રમાણે રાજ્યની ભૂમિકા બળ નહિ પણ લોકસંકલ્પ કે સામૂહિક ઇચ્છા છે અને તેથી તે સર્વહિતનું વાહન બને છે. બીજી તરફ વ્યક્તિ આત્મવિકાસ અને સ્વત્વની ઓળખ પોતામાં રહેલી સુષુપ્ત શક્તિઓને જાગ્રત કરીને શક્ય બનાવે છે અને તે માટે જ તેને માનવહક પ્રાપ્ત થાય છે. આગળ ચાલતાં તે રાજ્ય સામેના માનવહકને પણ માન્ય રાખે છે.
આદર્શવાદ તરફ ઝોક આપવા છતાં ગ્રીન ઉદારમતવાદ તથા વ્યક્તિવાદી વિચારસરણીનો ત્યાગ કરવા તૈયાર ન હતા. ‘પ્રોલેગૉમિના ટુ એથિક્સ’ (1883) અને ‘લેક્ચર્સ ઑન ધ પ્રિન્સિપલ્સ ઑવ્ પોલિટિકલ ઑબ્લિગેશન’ (1901) તેમનાં મુખ્ય પુસ્તકો છે. તેમની આદર્શવાદી વિચારસરણીને અનુસરવામાં એફ. એચ. બ્રૅડલી તથા બર્નાર્ડ બોઝન્કેટ મુખ્ય છે.
દેવવ્રત પાઠક