ગ્રામ અભિરંજન : ડેન્માર્કના વિજ્ઞાની એચ. સી. જે. ગ્રામે બૅક્ટેરિયાને પારખવા શોધી કાઢેલી અગત્યની પદ્ધતિ. આ પદ્ધતિમાં બૅક્ટેરિયાને આલ્કલિક અભિરંજક વડે અભિરંજિત કરવામાં આવે છે. ત્યારબાદ અભિરંજિત બૅક્ટેરિયાને આલ્કોહૉલ કે ઍસિટોન જેવા કાર્બનિક દ્રાવણથી ધોવામાં આવે છે. ધોયા પછી બૅક્ટેરિયા રંગવિહીન બને તો તેને ગ્રામ-ઋણી (gram negative) તરીકે ઓળખવામાં આવે છે. અભિરંજન સ્થાયી સ્વરૂપનું હોય અને રંગ સ્પષ્ટ રીતે દેખાય તો તેવા બૅક્ટેરિયાને ગ્રામ-ધની (gram positive) કહે છે.
હાલની માન્યતા મુજબ બૅક્ટેરિયાની કોષદીવાલમાં સૂક્ષ્મ છિદ્રો આવેલાં હોય છે. આ છિદ્રો અભિરંજક કણોને બહાર નીકળી જતાં અટકાવે તો બૅક્ટેરિયામાં રંગ જળવાય છે; પરંતુ ગ્રામ-ઋણી બૅક્ટેરિયામાં કાર્બનિક દ્રાવણની અસર હેઠળ રંજકકણો બહાર નીકળી જાય છે.
ન્યુમોનિયા કે ગૂમડાં માટે કારણભૂત straphylococcus aureus અને ધનુર માટે જવાબદાર બૅક્ટેરિયા ગ્રામ-ધની હોય છે. ગ્રામ-ઋણી બૅક્ટેરિયામાં E. coli, klebsiella pneumonia જેવાનો સમાવેશ થાય છે.
સુરેશભાઈ ઘેલાભાઈ દેસાઈ
બી. વી. પટેલ