ગોસેન, હર્મન હેન્રિક (જ. 7 સપ્ટેમ્બર 1810, ડ્યૂરેન; અ. 13 ફેબ્રુઆરી 1858, કોલોન, જર્મની) : જર્મન અર્થશાસ્ત્રી. કાયદાના અભ્યાસ પછી સરકારી નોકરીમાં જોડાયા. 1847માં અર્થશાસ્ત્રના અધ્યયન તરફ વળ્યા. 1854માં તેમના ગ્રંથમાં તેમણે ગ્રાહકના વર્તન અંગેના ત્રણ સિદ્ધાંતોની રજૂઆત કરી છે : (1) પૂર્ણ તૃપ્તિના બિંદુ સુધીના ઉપભોગની પ્રક્રિયા દરમિયાન ગ્રાહક કોઈ એક વસ્તુના એકમોની વપરાશ જેમ જેમ વધારતો જાય તેમ તેમ તે વસ્તુના વધારાના દરેક એકમમાંથી (એટલે કે સીમાવર્તી એકમમાંથી) ઉપભોક્તાને મળતો તુષ્ટિગુણ ઘટતો જાય છે. (2) ગ્રાહક પોતાની સમગ્ર આવક જ્યારે ખર્ચી નાખે ત્યારે જો તેણે જુદી જુદી વસ્તુઓમાંની દરેક વસ્તુના અંતિમ એકમમાંથી એકસરખો તુષ્ટિગુણ પ્રાપ્ત કર્યો હોય તો જ તે ગ્રાહકે પ્રાપ્ત કરેલ કુલ તુષ્ટિગુણ મહત્તમ થયો હોય. (3) દરેક વસ્તુનું મૂલ્ય (value) આત્મલક્ષી અને તેથી સાપેક્ષ હોય છે અને ઉપભોગની પ્રક્રિયા દરમિયાન વસ્તુના દરેક વધારાના એકમનું આત્મલક્ષી મૂલ્ય ઘટતું જાય છે અને છેલ્લે તે શૂન્ય બને છે.
જેવાન્સ (1835–82), મેન્જર (1840–1921) અને વાલરા (1834–1910) જેવા અર્થશાસ્ત્રીએ ગ્રાહકના વર્તન અંગેના જે નિયમો તારવ્યા છે તેની પૂર્વભૂમિકા ગોસેનના ઉપર્યુક્ત ત્રણ નિયમોમાં જોવા મળે છે. તેટલે અંશે તેનું યોગદાન અગત્યનું ગણાય.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે