ગોવારીકર, આશુતોષ

February, 2024

ગોવારીકર, આશુતોષ (જ. 15 ફેબ્રુઆરી 1968, મુંબઈ) : ચલચિત્ર તથા દૂરદર્શન શૃંખલાઓના અભિનેતા, નિર્દેશક, કથા અને પટકથા લેખક અને નિર્માતા. સમગ્ર શિક્ષણ મુંબઈમાં. વિખ્યાત નિર્માતા-દિગ્દર્શક કેતન મહેતાના જાણીતા ચલચિત્ર ‘હોલી’માં અભિનય કરીને તે ક્ષેત્રમાં ગોવારીકરે પદાર્પણ કર્યું. ત્યારબાદ ‘કચ્ચી ધૂપ’ (1987), ‘સરકસ’ (1989), ‘સી.આઇ.ડી’ (1999) જેવી દૂરદર્શન શૃંખલાઓ તથા ‘નામ’ (1986), ‘ચમત્કાર’ (1992) અને ‘કભી હાં, કભી ના’ (1993) જેવાં ચલચિત્રોમાં અભિનય કર્યો અને નાના તથા મોટા પડદાના અભિનેતા તરીકે પ્રસ્થાપિત થયા. બ્રિયાન દ પાલ્માની હૉલિવુડ ફિલ્મ ‘બૉડી ડબલ’થી પ્રેરણા મેળવી ‘પહેલા નશા’ (1993) ફિલ્મથી દિગ્દર્શક તરીકેની કારકિર્દીના શ્રીગણેશ કર્યા. તેમણે દિગ્દર્શિત કરેલી બીજી ફિલ્મ તે ‘બાઝી’ (1995), જેમાં અમીરખાન નાયક હતા. ઝી ટી.વી. દ્વારા પ્રસારિત સાપ્તાહિક શૃંખલા ‘વોહ’(Woh)માં પણ તેમણે અભિનય કર્યો હતો.

આશુતોષ ગોવારીકર

વર્ષ 2001માં અમીરખાન દ્વારા નિર્મિત ‘લગાન’ ચલચિત્રનું દિગ્દર્શન આશુતોષ ગોવારીકરે જ કર્યું હતું જે ખૂબ લોકપ્રિય નીવડ્યું હતું. ટિકિટબારી પર થયેલ આવકની દૃષ્ટિએ આ ફિલ્મ તે વર્ષમાં સફળ થયેલાં ચલચિત્રોમાં ત્રીજા ક્રમે રહી હતી. આ ફિલ્મને (અંગ્રેજી સિવાયની) વિદેશી ભાષામાં ઉતારેલી સર્વોત્તમ ફિલ્મની કક્ષા (category)માં ઑસ્કાર માટે સ્પર્ધા કરવા ભારત તરફથી નામાંકન આપવામાં આવ્યું હતું. વર્ષ 2004માં નિર્માણ થયેલ ‘સ્વદેશ’ ચલચિત્રનું દિગ્દર્શન પણ ગોવારીકરે કર્યું હતું. આ ચલચિત્રમાં વિખ્યાત અને લોકપ્રિય અભિનેતા શાહરુખ ખાને નાયકની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મને સમીક્ષકોની પ્રશંસા પ્રાપ્ત થઈ હતી તે ઉપરાંત વિદેશના પ્રેક્ષકોએ પણ તેના પ્રત્યે ચાહના દર્શાવી હતી; પરંતુ ભારતમાં તે સફળ થઈ ન હતી.

વર્ષ 2007 સુધી ગોવારીકરે દિગ્દર્શિત કરેલી દરેકેદરેક ફિલ્મોમાં નાયકની ભૂમિકા ભજવનાર દરેક કલાકારને સર્વોત્તમ અભિનેતાનો ફિલ્મ ફેર ઍવૉર્ડ એનાયત થયો હતો, જેના કારણે ગોવારીકર ‘ઍક્ટર્સ ડિરેક્ટર’ તરીકે ભારતના બૉલિવુડમાં જાણીતા થયા છે.

વર્ષ 2008ના પ્રારંભમાં પ્રદર્શિત થયેલી ‘જોધા અકબર’ શીર્ષક હેઠળની ઐતિહાસિક ફિલ્મનું દિગ્દર્શન પણ આશુતોષ ગોવારીકરે કર્યું છે, જેને પ્રેક્ષકો અને સમીક્ષકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે.

1993–2008ના સમયગાળામાં તેમણે પાંચ હિંદી ચલચિત્રોનું દિગ્દર્શન કર્યું છે, બે હિંદી ચલચિત્રોનું નિર્માણ કર્યું છે (‘સ્વદેશ’ અને ‘જોધા અકબર’), ચાર હિંદી ફિલ્મોના તેઓ કથાલેખક રહ્યા (‘બાઝી’, ‘લગાન’, ‘સ્વદેશ’ અને ‘જોધા અકબર’) તથા આઠ ચલચિત્રો અને દૂરદર્શન શૃંખલાઓમાં તેમણે અભિનય કર્યો, જેમાં ‘સરકારનામા’ અને ‘વઝીર’ આ બે મરાઠી અને બાકીનાં છ હિંદી ચલચિત્રો છે.

જાણીતા ગુજરાતી લેખક મધુ રાય લિખિત ‘કિમ્બલ રેવન્સવૂડ’ પરથી એમણે હિન્દીમાં ‘વોટ્સ યોર રાશી’ નામની ફિલ્મ બનાવી હતી. જે નિષ્ફળ રહી હતી. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરાએ 12 અલગ અલગ રાશીની છોકરીઓની ભૂમિકા ભજવી હતી.

વર્ષ 2005 માટે તેમને ‘મહારાષ્ટ્રભૂષણ’ ઍવૉર્ડથી મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા સન્માનવામાં આવ્યા હતા.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે