ગોલ્ડ રશ, ધ : હૉલીવુડના વિખ્યાત અભિનેતા અને દિગ્દર્શક ચાર્લી ચૅપ્લિન (1889–1977) દ્વારા સર્જિત મૂક ફિલ્મ. નિર્માણવર્ષ 1925. ફિલ્મ આર્કાઇવ્ઝના મત મુજબ આ ચલચિત્ર વિશ્વનાં 10 શ્રેષ્ઠ ચલચિત્રોમાંનું એક છે.
ચૅપ્લિનની અન્ય ફિલ્મો મુજબ તેનો પરંપરાગત ટ્રૅમ્પ આ ચલચિત્રનો પણ નાયક છે. માત્ર બે પાત્રોના માધ્યમથી આ ચલચિત્રમાં વિશ્વના માનવમાત્રની ત્રણ ચિરંતન સમસ્યાઓ – કંગાલિયત, ભૂખ અને પ્રણયનું અત્યંત વાસ્તવિક અને હૃદયસ્પર્શી નિરૂપણ કરવામાં આવ્યું છે. મુખ્ય વાર્તા એ છે કે એક હિમાચ્છાદિત પહાડ પરની જર્જરિત ઝૂંપડીમાં ટ્રૅમ્પ તેના એક આશ્રિત સાથે રહેતો હોય છે. બહાર પવનનો ભયંકર સુસવાટ છે, જેને લીધે તેમની આ
ઝૂંપડી ગમે ત્યારે ઊડી જવાનો સતત ભય રહે છે. અસહ્ય ઠંડી તો છે જ, પણ ઘરમાં ખોરાક ખલાસ થઈ ગયેલો છે. ખોરાકની શોધમાં જાનના જોખમે બેમાંથી કોઈ નીકળી પડે તોપણ શિકાર કરીને ખોરાક મેળવી શકાય તે શક્ય નથી. ટ્રૅમ્પ અને તેનો આશ્રિત બંને ભૂખથી ટળવળે છે. એટલામાં ટ્રૅમ્પ જાણે કે કૂકડો હોય તેવું શ્ય આશ્રિતના મનમાં સર્જાય છે અને એકાએક પોતાની બંદૂક ઝાલી તે ટ્રૅમ્પનો શિકાર કરવા પ્રેરાય છે. ભૂખની વેદનાને સાકાર કરતું રૂપેરી પડદા પરનું આ ર્દશ્ય પ્રેક્ષકોના દિલને સ્પર્શી જાય તેવું છે. અસહ્ય ભૂખના તાત્કાલિક ઇલાજ તરીકે ટ્રૅમ્પ પોતાનો બૂટ ગરમ પાણીમાં બાફીને ખાય છે. આ ર્દશ્ય પણ ભૂખની વેદનાને પૂરતી વાચા આપે છે. ટ્રૅમ્પ પોતાનો બાફેલો બૂટ ખાય છે ત્યારે જાણે કે તે માંસનો સ્વાદિષ્ટ ખોરાક આરોગતો હોય તેવું ર્દશ્ય પ્રેક્ષકો સમક્ષ ખડું થાય છે. એક સમર્થ અને વિચક્ષણ દિગ્દર્શક તરીકે ચૅપ્લિનને પ્રસ્થાપિત કરનાર આ ચલચિત્ર અદ્વિતીય ગણાય, કારણ કે સંવાદ વિનાના આ ચલચિત્રમાં ચૅપ્લિને સામાન્ય માનવી અંગે ઘણુંબધું કહેવામાં સફળતા મેળવી છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે