ગોલ્ડન શાવર (golden shower) : દ્વિદળીના કુળ Bignoniaceaeના વિશાળ પ્રતાનતંતુથી ચડતી વેલ. તેનું લૅટિન નામ Bignonia venusta ker છે. તે મંડપ, માંચડા કે કમાન ઉપર જલદી ચડે છે. શિયાળામાં આ વેલ ઉપર ઝૂમખામાં લટકતાં આંગળી જેવાં જાડાં, ભૂંગળા આકારનાં કેસરી ફૂલો રમણીય લાગે છે. આખીયે વેલ ફૂલોથી લચી પડે છે.
ઠંડી હવાવાળી જગ્યાએ એ વધારે સારાં થાય છે. તોપણ અન્યત્ર એ ઠીક ઠીક સફળતાપૂર્વક ઉછેરી શકાય છે. દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનના ગાર્ડનની કંપાઉન્ડ વૉલ ઉપર આ વેલ જ્યારે ફૂલથી ભરાયેલી હોય છે ત્યારે દૂરથી જ ધ્યાન ખેંચે છે. ગુજરાતમાં પણ આ વેલ સારી રીતે ઉછેરી શકાઈ છે – ફરક એટલો કે અહીં ફૂલની ઋતુ બેએક માસ જેટલી જ ટકે છે. આનું મૂળ વતન દક્ષિણ અમેરિકા છે.
એની વંશવૃદ્ધિ કટિંગ અથવા દાબ કલમથી થાય છે. આનાં પાન નાનાં-મધ્યમ હોય છે. તેનાં સંયુક્ત પર્ણોની બે પર્ણિકાઓ નાની, ઘેરી લીલી અને અંતિમ કે છેડાની પર્ણિકા તંતુ(tendril)માં રૂપાંતર પામીને ચડે છે.
મ. ઝ. શાહ