ગોલ્ડન રૉડ (golden rod) : કુળ Compositaeનો બહુવાર્ષિક નાનાં પીળાં ફૂલો ધરાવતો છોડ. ગુ. સોનછડી, અં. yellow daisy. તેનું લૅટિન નામ Solidago canadensis L. છે. વચમાંથી છોડની લાંબી દાંડી ટોચ ઉપર પીંછા જેવી થઈને ફૂલોથી ભરાઈ જાય છે તેથી ચોમાસામાં આકર્ષક લાગે છે. ફૂલદાનીમાં ફૂલો લાંબો સમય ટકી રહે છે એટલે તે ‘કટ ફલાવર’ તરીકે ઉપયોગી છે. તેને નવાં નવાં પીલાં નીકળ્યાં જ કરે છે અને ક્યારી ભરાઈ જાય છે એટલે બગીચામાં કિનારી બાંધવા માટે ખપમાં આવે છે. સૂર્યના તાપમાં ચળકે છે. બાજુનાં પીલાં છૂટાં કરીને ફરીથી વાવતાં તરત જ ફૂટે છે.
મ. ઝ. શાહ