ગોયા, ફ્રાંસેસ્કો (Goya, Francesco) [જ. 30 માર્ચ 1746, ફુન્ડેતોસ, એરાગોન, સ્પેન; અ. 16 એપ્રિલ 1828, બોર્દ્યુ (Borduex), ફ્રાન્સ] : વ્યંગ, કટાક્ષ અને ઉપહાસ દ્વારા સામાજિક, રાજકીય ટીકા કરનાર સ્પૅનિશ રંગદર્શી ચિત્રકાર. ભવ્યતાની અને ઉદાત્તતાની આભા વિના યુદ્ધ, વિજય અને રાજદરબારી જીવનને આલેખવા બદલ ગોયાને બૉદલેર અને આન્દ્રે માલ્રોએ આધુનિકતાનો વૈતાલિક ગણાવ્યો છે.
ધાર્મિક પૂજા માટેની પ્રતિમાઓ ઉપર ઢોળ (ગિલેટ) ચડાવનાર એક શિલ્પીને ઘેર જન્મેલા ગોયાએ સ્પૅનિશ ચિત્રકાર લુઝાન માર્તિનેઝ પાસે ચિત્રકલાની તાલીમ લીધી. 1776માં ગોયાની નિમણૂક સ્પેનના રાજા ચાર્લ્સ ત્રીજા(1717–1788)એ દરબારી ચિત્રકાર તરીકે કરી. ચાર્લ્સ ત્રીજા માટે સ્પૅનિશ લોકજીવન અને ગરીબોની કફોડી હાડમારીને આલેખતી ચિત્રશ્રેણી ગોયાએ ચીતરી. સ્પેનની રાણી મારિયા લુઈઝાને ગોયાનું ચિત્રકામ પસંદ પડ્યું. 1790માં રાણી મારિયા લુઈઝાએ સ્પેનના એસ્તુરિયાસ પ્રાંતમાંથી કોલસો કેવી રીતે ખોદી કઢાય છે તે જોવા જવાનો હુકમ આપી ગોયાને મૅડ્રિડમાંથી તગેડી મૂક્યો. હકીકતમાં ફ્રાન્સમાં પ્રજાએ ફ્રેન્ચ રાજા લુઈ સોળમા સામે બળવો કર્યો હતો, તેથી લુઈ સોળમાએ પોતાના ભત્રીજા સ્પૅનિશ રાજા ચાર્લ્સ ચોથાને વિનંતી કરી પોતાને માટે સ્પેનમાં ગુપ્ત આશ્રય માગ્યો હતો. સ્પેનમાં ગુપ્ત સલામત સ્થળે લુઈ સોળમાને ગોઠવવાની જવાબદારી ગોયાને સોંપાઈ હતી, જે તેમણે બરાબર નિભાવી. 1793માં ગોયાને લકવાનો રોગ લાગુ પડ્યો. સારવારથી તેઓ ઠીક થયા તો ખરા, પણ આમરણાંત બહેરા બની ગયા. તેમણે દરબારી ચિત્રકાર તરીકેની નોકરી ચાલુ રાખી. 1799માં સ્પૅનિશ રાજદરબારના મુખ્ય ચિત્રકાર તરીકે રાણી મારિયા લુઈસાએ તેમની નિમણૂક કરી; પરંતુ ગોયાએ તો ઘરડી બોખી લુઈઝાને શણગારના નખરાં અને ઠઠારા કરતી ચીતરી !
સ્પેનમાં પ્રવર્તમાન કૅથલિક ચર્ચની સંસ્થા ‘ઇન્ક્વિઝિશન’ દ્વારા પ્રજા પર થઈ રહેલ ઘાતકી અને ક્રૂર દમન, સ્પેનની જેલોમાં કેદીઓ પર થતા જુલમ, સ્પેનવાસીઓની અંધશ્રદ્ધા જેવા વિષયો પર તીખા કટાક્ષ કરતાં છાપચિત્રો(etchings)ની પુસ્તિકા ‘કેપ્રાઇસીસ’ (Caprices) ગોયાએ તૈયાર કરી, પણ એ જાહેરમાં વેચાણ માટે છેક 1799માં આવી. દરમિયાન સ્પેનની રાણી મારિયા ટેરેસાએ તત્કાળ અદાલતી તપાસનો હુકમ આપી આ ચોપડીની નકલો જપ્ત કરી તથા તેનાં ખરીદ-વેચાણ પર પ્રતિબંધ મૂક્યો.
ગોયાએ પોતાનાં ચિત્રોમાં સ્પૅનિશ લોકકથાઓમાંથી દુષ્ટતા અને દુરિત(evil)ના પ્રતીકરૂપ બકરા અને ડાકણોની ઇમેજ ચીતરવી શરૂ કરી. આ પિશાચી બકરા અને ડાકણો ગોયાની ચિત્રકૃતિઓમાં લીટમોટિફ (Leitmotif) બન્યાં. ચિત્રકલામાં સ્પૅનિશ લોકસંસ્કૃતિ અને લોકમાન્યતાઓનું વ્યાપક નિરૂપણ કરનાર તેઓ પ્રથમ ચિત્રકાર છે.
પછી સર્જાયું મહત્વાકાંક્ષી ચિત્ર ‘ફૅમિલી ઑવ્ ચાર્લ્સ, ધ ફોર્થ’. રાજા ચાર્લ્સ ચોથાનાં તેર કુટુંબીજનોને પૂરા કદમાં દર્શાવતા આ ગ્રૂપ-પૉર્ટ્રેટમાં ગોયાએ ડાબે ખૂણે પોતાને પણ, ભલે ને થોડા અંધારામાં, ચીતર્યો ! જોકે અગાઉ વાલાસ્ક્વેથે પોતે ચીતરેલા રાજકુટુંબના ગ્રૂપપૉર્ટ્રેટમાં વાલાસ્ક્વેથે પોતાને જેટલો ચિત્રની મધ્યમાં ને સુપ્રકાશિત રીતે ચીતર્યો હતો તેટલા મહત્વના સ્થાને પોતાને ચીતરવાની હિંમત ગોયા કરી શક્યા નહિ. ચિત્રમાં ચિત્રિત રાજવી કુટુંબના તેર સભ્યોના ચહેરા તેમના સાચા સ્વભાવની ચાડી ખાય છે તેવી માન્યતા વ્યાપક બની. એક વાક્ય તો એ વખતે લોકોની જીભે રમતું : ‘ઢંગધડા વગરનો રાણીનો પોશાક એના ચહેરાની બદસૂરતી સાથે સુસંગત છે ! અને રાજા ચાર્લ્સ ચોથો ગધેડો દેખાય છે !’ છતાં સત્તાના તોર અને મદમાં અંધ રાજવી પરિવાર ગોયાએ ચીતરેલું સત્ય પામી શક્યો નહિ.
ફ્રેન્ચ લશ્કર દ્વારા 1808માં સ્પૅનમાં વ્યાપેલા ખૂન-બળાત્કારના તાંડવને જોઈને ગોયાએ આક્વાટિન્ટ (Aquatint, Intaglioનો એક પ્રકાર) છાપચિત્રોની શ્રેણી ‘ડિઝાસ્ટર્સ ઑવ્ વૉર’ સર્જી. દોજખમાં ફેરવાયેલા સ્પૅનનું એમાં વરવું ચિત્રણ છે. કલાકાર ઉપરાંત ગોયા એક વૉર-રિપોર્ટર બની રહ્યા. તેમના ટૅકનિકલ કૌશલ્યને કારણે આ શ્રેણીને રેમ્બ્રાંનાં છાપચિત્રો સાથે સરખાવવામાં આવે છે. તેમાં ગોયાનાં દર્દ, ક્રોધ અને નિરાશા ઘૂંટાઈને રજૂ થયાં છે. આ સમયે આ જ લાગણી પ્રકટ કરતાં મોટાં તૈલચિત્રો પણ તેમણે ચીતર્યાં હતાં. નિર્દોષની કતલ, કેદમાં પીડિત ‘કહેવાતા’ ગાંડાઓ એમાં જોવા મળે છે. સ્પેનની મધ્યયુગીન કૅથલિક પરંપરા અનુસાર ઍશ વેન્સ્ડે કાર્નિવાલના ઓઠા હેઠળ ભૂતાવળના અટ્ટહાસ્યને આલેખતું બોલકું તૈલચિત્ર ‘ધ બેરિયલ ઑવ્ ધ સાર્ડાઇન’ પણ ચીતર્યું.
ફ્રેન્ચ રાજા નેપોલિયને 1808થી સ્પેન કબજે કરેલું; પણ આક્રમણ કરીને જીતી લેવાની હોંશમાં 1812માં નેપોલિયન રશિયામાં ભરાઈ પડ્યો. એનાં વળતાં પાણી હવે શરૂ થયાં. છેલ્લાં ચાર વરસથી નેપોલિયન સામે લડી રહેલો બ્રિટનનો ડ્યૂક ઑવ્ વૅલિન્ગ્ટન સ્પેનના એક પછી એક પ્રદેશ જીતતો એ જ વર્ષે ફતેહ કરીને મૅડ્રિડમાં પ્રવેશ્યો અને ફ્રેન્ચ સૈન્યને સ્પેનમાંથી તગેડી મૂક્યું. ગોયા પાસે પૉર્ટ્રેટ ચિતરાવવાનો વારસો હવે ડ્યૂક ઑવ્ વૅલિન્ગ્ટનનો હતો. પણ એ બંનેનો પરસ્પર તિરસ્કાર એટલો તીવ્ર હતો કે પૉર્ટ્રેટ લગભગ કેરિકેચર (ઠઠ્ઠાચિત્ર) જેવું ચીતરાયું ! શૂન્યમાં તાકી રહેલી ભાવહીન આંખો અને જાણે કે હમણાં જ ગાલ ફાડીને બહાર નીકળી પડશે એવાં ભારેખમ મજબૂત જડબાં ધરાવતું એ બિચારાનું મોં ચીતરાયું ! મૉડલ અને ચિત્રકાર વચ્ચે ભયંકર ઉગ્ર અને લાંબી બોલાચાલી થઈ. ડ્યૂક ઑવ્ વૅલિન્ગ્ટનનો ગુસ્સો કેમે કર્યો ઊતર્યો નહિ.
ડ્યૂક ઑવ્ વેલિન્ગ્ટને સ્પૅનિશ પાર્લમેન્ટનું પુનર્ગઠન કરીને ઉદારમતવાદી અને હિંમતભર્યું બંધારણ ઘડી કાઢ્યું. 1814માં તે અમલમાં આવ્યું. સ્પૅનિશ સ્વતંત્રતાની ઉજવણી કરવા માટે 1808ની બીજી અને ત્રીજી મેના રોજ સ્પૅનિશ પ્રજાએ ફ્રેન્ચો સામે કરેલા બળવાના પ્રસંગને અમર કરતાં ચિત્રોની હરીફાઈ નવી પાર્લમેન્ટે યોજી. તેમાં શ્રેષ્ઠ ચિત્રકાર તરીકે પોતાની વરણી થતાં ગોયાએ બે ચિત્રો ‘બીજી મે 1808’ અને ‘ત્રીજી મે 1808’ સર્જ્યાં. નિર્દોષ નાગરિકોની અમાનુષી કતલ, રાષ્ટ્રપ્રેમ અને હિંસાની નિરર્થકતાને ગોયાએ એમાં સુપેરે ઝળકાવ્યાં. કચડાતી, રિબાતી ને ગૂંગળાતી માનવજાત માટે આટલો જોરદાર બુલંદ અવાજ જગતમાં હજી સુધી બીજા કોઈ ચિત્રકારે ઉઠાવ્યો નહોતો.
પણ નેપોલિયનની કેદમાંથી હમણાં જ છૂટેલા સ્પેનના દુષ્ટ ભૂતપૂર્વ રાજવી ફર્ડિનાન્ડ સાતમાએ હુમલો કરી સ્પેન પર એકહથ્થુ આપખુદ સત્તા હાંસલ કરી લીધી. હજી માંડ ચાર મહિના અગાઉ સ્પેનમાં આવેલા ડ્યૂક ઑવ્ વેલિન્ગ્ટનની સહાયથી રચાયેલા 1812ના ઉદારમતવાદી બંધારણને ફર્ડિનાન્ડે કચરાની ટોપલીમાં પધરાવ્યું અને પાર્લમેન્ટના સભ્યોને કેદ કર્યા. ફરી એક વાર સરમુખત્યારશાહી, દેશનિકાલ, જાતભાતના પ્રતિબંધ, માહિતીની ગુપ્તતાઓ અને અધમ વહીવટનો માહોલ શરૂ થયો. ગોયાનાં બોલકાં માસ્ટરપીસીઝને તરત જ ને કોઈને પણ ખબર ના પડે તેવી રીતે સાન ફર્નાન્ડો એકૅડેમીના ભોંયરામાં ચુપચાપ સંતાડી દેવામાં આવ્યાં. (છેક 1833માં ફર્ડિનાન્ડ સાતમો મરી ગયો પછી જ તેમને બહાર કાઢ્યાં !) દસકાઓથી લગાતાર ચાલી રહેલી અંધાધૂંધીને કારણે સ્પેનની હાલત કથળી ગઈ હતી. ફર્ડિનાન્ડ સાતમાને પૈસાની ખેંચ પડી પણ એને પૈસા આપી શકે એવા સ્પૅનિશ શ્રીમંતો સાથે ગોયાને ખૂબ સારા સંબંધો હતા, પણ એમની આગળ ફર્ડિનાન્ડ સાતમાની સિફારિશ કરવાનો ગોયાએ ચોખ્ખો નન્નો સંભળાવ્યો. ક્રોધે ભરાયેલા આ રાજાએ ગોયાને બરતરફ કરી ‘પ્રથમ દરબારી ચિત્રકાર’ તરીકેનો તગડો પગાર આપવો પણ બંધ કર્યો; પણ તે છતાં આ રાજાએ ગોયાની સામે બીજાં કોઈ પગલાં ન લીધાં ! એણે ગોયા પર કોઈ પણ આક્ષેપ મૂક્યા વગર તેને પોતાની મરજી મુજબ ચિત્રકામ કરવાની છૂટ આપી.
તેથી, સારાગોસામાં ફ્રેન્ચોને ઘેરો ઘાલીને લડત આપતા સ્પૅનિશ લોકનાયક જનરલ પેલાફોક્સને ઘોડા પર સવાર ચીતરીને ગોયાએ પોતાના મનોગતને વાચા આપી. હકીકતમાં, ગોયાએ પોતાની રાજકીય વિચારણા તો માત્ર ચિત્રો વડે જ નહિ, પણ મિત્ર ઝેપાટરને લખેલા કાગળોમાં શબ્દોના માધ્યમ વડે પણ સ્પષ્ટ વ્યક્ત કરેલી. પણ, ઝેપાટરના મૃત્યુ પછી એ કાગળોનો હવાલો લેનાર ઝેપાટરના ભત્રીજાએ ગભરાઈ જઈને ગોયાના આખાબોલા કાગળોને બાળી નાખ્યા અને એ જ કાગળો બચાવ્યા જેમાં ગોયાએ રાજકારણને લગતી કોઈ પણ બાબતનો ઉલ્લેખ કર્યો હોય નહિ !
ચિરઉત્સાહી ગોયાના મનમાં જીવનનાં અંતિમ વર્ષોમાં ‘માનવજાતના હિંસક સ્વવિનાશની નિયતિનો કોઈ વિકલ્પ નથી’ એવી નૈરાશ્યવાદી માન્યતા ઘર કરી ગઈ હતી; પણ એમાં ગોયાનો શો વાંક ? એની ચારેય બાજુ લબાડ ને લંપટ લોકોએ ફેલાવેલી અંધાધૂંધી જ પ્રવર્તી રહેલી હતી.
આખરે ગોયાની મધ્યસ્થી વગર જ સ્પેનના શ્રીમંતોએ કેબેરુસના નેતૃત્વ હેઠળ રાજા ફર્ડિનાન્ડ સાતમાને એક મોટી લોન આપવાનું મંજૂર કર્યું. ‘પ્રથમ દરબારી ચિત્રકાર’ તરીકે બરતરફ કરેલા ગોયાની ફરીથી નિમણૂક કરી રાજાએ પગાર આપવો ચાલુ કર્યો. એટલે આ પ્રસંગને ચીતરવાનું કામ ગોયા પર આવી પડ્યું; પણ ગોયાએ તો કાળુંધબ્બ અને ગમગીન ચિત્ર ચીતર્યું, કારણ કે એ બિચારાને તો એ લોન-અર્પણવિધિમાં યુદ્ધમાં ખલાસ થઈ ગયેલી પોતાની માભોમ સ્પેનનો માતમ મનાવાતો નજરે પડ્યો હતો ! એ ચિત્ર ‘એસેમ્બલી ઑવ્ કંપની ઑવ્ ધ ફિલિપાઇન્સ’ નામે ઓળખાયું.
ગોયાને ઘરડા થવું કદાચ ગમેલું નહિ ! 1815માં એમણે દોરેલા આત્મચિત્રમાં એ હજી ચાળીસના જ દેખાય છે ! 1816માં એમણે સ્પેનની રાષ્ટ્રીય રમત ‘બુલફાઇટિન્ગ’ ઉપર છાપચિત્રોની શ્રેણી સર્જી. એ જ વર્ષે એમની પુસ્તિકા ‘ધ કેપ્રાઇસીસ’ પરનો પ્રતિબંધ ઊઠી જતાં એનું વેચાણ શરૂ થયું.
એ વખતે (વિધુર) ગોયા પોતાની પુત્રવધૂની બહેન લિયોકેડિયા વીસ સાથે પ્રેમમાં પડેલા. લિયોકેડિયા એ વખતે રોકડા વીસ જ વરસની હતી; પણ હવેનાં આત્મચિત્રોમાં પાછલા દસકાનાં આત્મચિત્રોમાં જોવા મળતો ભયનો ઓથાર દૂર થયેલો જોવા મળે છે ને તેને સ્થાને હળવો – રિલેક્સ થયેલો, હળવા સ્મિત સાથેનો ચહેરો જોવા મળે છે. આને લિયોકેડિયા વીસ સાથે પાંગરેલા પ્રેમાંકુરનો પ્રતાપ પણ કોઈ માનવા પ્રેરાય.
1817માં સેવિલેના એક કેથીડ્રલ માટે બે સ્થાનિક સંતોનું નિરૂપણ કરતું એક ચિત્ર ચીતરવાનું કામ ગોયાને મળ્યું; પણ પૂજાઅર્ચના માટેના આ ચિત્રમાં સંત જુસ્ટા અને સંત રુફિનાને ગોયાએ ભરાવદાર માંસલ શરીર ધરાવતી ફાંકડી યુવતીઓ તરીકે ચીતરી.
1819ની ઓગણીસમી ફેબ્રુઆરીએ ગોયાએ 60,000 રીલ્સ ચૂકવીને એક સુંદર ફાર્મ હાઉસ ખરીદ્યું જે ‘બહેરાના ઘર’ તરીકે પંકાયું. મૅડ્રિડથી થોડે દૂર સાન ઇસિદ્રોના મેદાન તરફ સેગોવિયા બ્રિજ પાસે એ આવેલું. એની ભીંતો પર ભેંકાર અને બીકાળવી ભીંતચિત્રશ્રેણી ચીતરીને ગોયાએ સ્પેનમાં છેલ્લાં વીસ વરસથી ચાલી રહેલી અંધાધૂંધી પરનો પોતાનો પ્રખર પ્રકોપ પ્રકટ કર્યો. આ ચિત્રશ્રેણી પછીથી ‘બ્લૅક પેઇન્ટિન્ગ્ઝ’ નામે જાણીતી થઈ અને હાલમાં તે મૅડ્રિડના ‘પ્રાદો’ મ્યુઝિયમમાં સચવાઈ છે. ખરું જોતાં, ‘બ્લૅક પેઇન્ટિન્ગ્ઝ’માં ગોયાએ દુ:સ્વપ્નના દોજખને રજૂ કર્યું છે. તેમાં નરકની જે યાતના ચીતરાઈ છે તેનાથી વધુ વિષમ યાતનાની કલ્પના પણ ન થઈ શકે. રોમન દેવ શનિ (Saturn) પોતાના પિતાને મારી નાંખી રાજગાદીએ બેઠો; પણ પછી તેને વિચાર આવ્યો કે પોતાનાં બાળકો પણ પોતાની પેઠે ગાદીએ બેસવા માટે પોતાને મારી નાંખશે તો ? તેથી શનિ પોતાનાં બાળકોને જીવતાં, કાચેકાચાં ચાવી ગયો ! ગોયાએ પોતાની બાળકીને કાપી જીવતી ચાવી જતા શનિદેવનું ચીતરી ચડે એવું ચિત્ર ચીતરીને પુરુષની કામલોલુપતા પર પણ ઇશારો કર્યો છે. બીજા એક ચિત્ર ‘ડાકણોની સભા’માં સભાપતિ બકરાની આગેવાની હેઠળ ડાકણોને માનવ-ગર્ભને રાંધીને ખાઈ જતી ચીતરી છે. વળી અન્ય એક ચિત્રમાં બાઇબલની નાયિકા જ્યુડિથને પોતાના મોહપાશમાં ફસાવેલા હોલોફર્ન્સનું ખૂન કરતી ચીતરી છે. લાગે છે કે જીવનની આ ક્ષણે ગોયાને માનવતામાં લેશમાત્ર વિશ્વાસ રહ્યો નહોતો !
એક્સ-રે વગેરે વૈજ્ઞાનિક સંશોધનોથી જાણી શકાયું છે કે મૂળમાં તો ગોયાએ ‘બહેરાના ઘર’ની દીવાલોને નયનરમ્ય ને મનોહર નિસર્ગચિત્રોથી શણગારેલી; પણ પછી, 1823ની વસંતમાં ક્રોધ ચઢતાં, બળવાખોરીના ઝનૂની ઉન્માદમાં એ નિસર્ગચિત્રોને ‘બ્લૅક પેઇન્ટિન્ગ્ઝ’ની ભૂતાવળથી ઢાંકી દીધાં !
1819માં ગોયાને ‘ધ લાસ્ટ કૉમ્યુનિયન ઑવ્ સેંટ જૉસેફ ઑવ્ કેલેઝન્સ’ ચીતરવાનો ઑર્ડર મળ્યો. ગંભીર માંદગીમાં પટકાયેલા સંત જૉસેફ પ્રસાદ લેવા માટે છેલ્લી વાર પથારીમાંથી ઊઠે છે તે પ્રસંગનું ગોયાએ ધાર્મિક નિરૂપણ કર્યું. આ માટે ગોયાને 16,000 રીલ્સ મળ્યા, પણ ગોયાએ એમાંથી 6,800 રીલ્સ મઠ ‘એસ્ક્યુલસ પાયસ’ને પાછા આપી દીધા અને વધારામાં ‘ક્રાઇસ્ટ ઇન ધ ગાર્ડન ઑવ્ ઑલિવ્ઝ’ ચીતરીને ભેટ આપ્યું.
સમગ્ર યુરોપમાં મુક્ત અને ઉદારમતવાદી વિચારસરણીનો પવન ફૂંકાતાં અને આપેલી લોનના બદલામાં શ્રીમંતોએ કરેલાં દબાણને કારણે સ્પેનના રાજા ફર્ડિનાન્ડને નછૂટકે 1822માં જૂના બંધારણને ફરીથી માન્યતા આપવી પડી. આ પેલું જ બંધારણ હતું, જેને થોડાં વરસ પહેલાં એણે સત્તાના ખુમારમાં કચરાટોપલીમાં પધરાવેલું ! પણ, સ્પેનના દુર્ભાગ્યે ફ્રાન્સે ફર્ડિનાન્ડ સાતમાને મદદ કરવા માટે ફોજ મોકલી આપવાનું નક્કી કરતાં ફર્ડિનાન્ડે ફરીથી સત્તાના મદમાં એ બંધારણને કચરાટોપલીમાં ફેંકી દીધું ! હવે એ સ્પૅનિશ ઉદારમતવાદીઓ પર વેર વાળવા માટે મક્કમ બન્યો. એ જ વર્ષે ગોયાએ અચાનક ‘બહેરાના ઘર’ની માલિકીનાં ટાઇટલ-ડીડ્ઝ પૌત્ર મેરિયાનોના નામે ટ્રાન્સ્ફર કર્યાં. પોતાના પર વેર વાળવા માટે રાજા પોતાની સંપત્તિ પડાવી લેશે એવી પાકે પાયે બીક ગોયાના મનમાં પેસી ગયેલી.
આખી જિંદગી આટલી બધી ખૂનામરકીના સાક્ષી બન્યા પછી માનવી પર દુરિત(evil)નો વિજય અનિવાર્ય છે એવી પ્રતીતિ ગોયાને થઈ હશે ? શું આ જ ગોયાનું દર્શન છે ? 1823માં પોતાનો જાન જોખમમાં લાગતાં ગોયાએ ભાગી જઈને ફાધર દુઆસો પાસે પનાહ લીધી. 1824ના મેમાં એણે તબિયત સુધારવાના બહાના હેઠળ ફ્રાન્સના બંદર પ્લોમ્બિયર્સ ખાતે રહેવા જવાની પરવાનગી રાજા ફર્ડિનાન્ડ સાતમા પાસે માંગી, જે તુરત જ મળી ગઈ. અહીં ફ્રાન્સમાં એના જૂના ઉદારતમવાદી ‘ઇલુસ્ટ્રાડોસ’ મિત્રો રહેતા હતા. ગોયાએ સ્વદેશ છોડ્યો, અને એ પણ ગભરાટના માર્યાં, જીવ બચાવવા ખાતર ! ચોવીસમી જૂને મિત્ર મોરાતીને ફ્રાન્સના બોર્દ્યુ ખાતે ગોયાનું સ્વાગત કર્યું. ગોયાને તો ફ્રેન્ચ ભાષાનો એક પણ શબ્દ નહોતો આવડતો. ત્રીસમી જૂને પૅરિસ પહોંચી એણે આખું પૅરિસ એક ટૂરિસ્ટની જેમ જ પગે ખૂંદી વળવાનું શરૂ કર્યું. બુલફાઇટ્સ ઉપરાંત મિત્ર જોઆકીન મારિયા અને એની પત્નીનાં પૉર્ટ્રેટો કર્યાં. બોર્દ્યુ પાછા ફરી જૂની પ્રેમિકા લિયોકેડિયા અને એની પુત્રી રોઝેરિયોને મળ્યા. લિથોગ્રાફી (શિલાછાપનું કામ) શીખ્યા. બીજું વરસ પણ ફ્રાન્સમાં જ વિતાવ્યું. મોરાતીન નોંધે છે કે ટોપી, બૂટ અને કોટ ચઢાવીને ગોયા ખચ્ચર પર બેસીને ગમે ત્યારે રખડવા નીકળી પડતા.
પત્ની પેપાના અવસાન પછી ગોયા જેના પ્રેમમાં પડેલા એ યુવતી લિયોકેડિયા વીસ અને એની પુત્રી રોઝેરિયો સાથે ફ્રાન્સમાં રહેવા માંડ્યા. આની મૅડ્રિડમાં પુત્ર ઝેવિયેરને જાણ થતાં એ ગુસ્સાથી રાતોપીળો થયો, કારણ કે લિયોકેડિયા પોતાની પત્નીની નજીકની સગી થતી હતી. ગોયાએ રોઝેરિયોને થોડા ચિત્રકલાના પાઠ ભણાવ્યા. સ્પેનના ‘બહેરાના ઘર’ની દીવાલ પર પણ ગોયાએ લિયોકેડિયાને ફાયરપ્લેસને અઢેલીને ઊભેલી ચીતરેલી; પણ હાલમાં તો એ ચિત્રમાં માથે ઘૂંઘટ સાથે લિયોકેડિયા કબરને અઢેલીને ઊભેલી દેખાય છે. કોઈ ચાલાક અળવીતરાનું એ કારસ્તાન હોવું જોઈએ. (એક્સ-રેથી પાડેલા ફોટા વડે ગોયાએ દોરેલું મૂળ ચિત્ર આપણી સમક્ષ છતું થયું છે.)
1825ના મેમાં ગોયા ગંભીર માંદગીમાં પટકાયા. ડૉક્ટરોએ લકવા અને પેરિનિયમની ગાંઠ હોવાનું નિદાન કર્યું. તબિયત થોડી સુધરતાં ગોયાએ ચાળીસ નાનાં ચિત્રો ચીતર્યાં અને ફ્રાન્સમાં હજી વધુ એક વરસ રહેવા માટે રજા મેળવવા સ્પેનના રાજાને અરજી મોકલી; પણ રાજાએ નન્નો ભણતાં એંશી વરસનો બુઢ્ઢા ગોયા કંટાળીને એના અક્કડ વલણ આગળ નમતું જોખીને 1826માં નવસો કિલોમીટરની કષ્ટદાયક લાંબી યાત્રા કરીને મૅડ્રિડ પહોંચ્યા. પણ ગોયાનું નસીબ ચમકતું હતું ! રાજાએ ગોયાની નિવૃત્તિની અરજીને તો મંજૂરી આપી જ પણ વધારામાં વાર્ષિક 50,000 રીલ્સના પગાર જેટલું જ પેન્શન આપવાની ગોયાની અરજીને પણ માન્ય કરી અને ગોયાને ફ્રાન્સ પાછા જવા દેવાની મંજૂરી પણ આપી દીધી.
ગોયા બોર્દ્યુ પાછા ફર્યા. અહીં 1828માં તેઓ લકવાથી મૃત્યુ પામ્યા. ગોયાએ કચડાતી, રિબાતી, પીડાતી માનવજાત અંગે એક ચિત્રકાર તરીકે પ્રથમ વાર ધર્મનિરપેક્ષ વલણથી અવાજ ઉઠાવ્યો હોવાથી આન્દ્રે માલ્રો (Malro) અને બૉદલેર જેવા કલાવિવેચક અને કવિ ગોયાને દુનિયાના પ્રથમ આધુનિક ચિત્રકાર માને છે.
અમિતાભ મડિયા