ગોયલ, સુરેશ (જ. 20 જૂન 1943, અલ્લાહાબાદ, ઉત્તરપ્રદેશ; અ. 13 એપ્રિલ 1978, વારાણસી) : બૅડમિન્ટનની રમતના આંતરરાષ્ટ્રીય સ્તરના ભારતીય ખેલાડી. તેઓ રેલવેની ટીમ તરફથી વર્ષો સુધી રમ્યા અને 5 વાર રાષ્ટ્રીય વિજેતા બન્યા. મ્યૂનિક ઑલિમ્પિક પૂર્વે યોજાયેલી ડેમૉન્સ્ટ્રેશન ટુર્નામેન્ટમાં વિશ્વના 11 દેશોના ઉત્કૃષ્ટ 22 ખેલાડીઓમાં સ્થાન પામી મ્યૂનિક ગયા. આંતરરાષ્ટ્રીય સ્તરે થૉમસ કપ સ્પર્ધાઓમાં મહત્વપૂર્ણ રમત બતાવનાર સુરેશ ગોયલ બૅક હૅન્ડથી આસાનીથી આક્રમક રમત ખેલી શકતા હતા. સુંદર ટાઇમિંગ ધરાવતા ડ્રૉપ શૉટ અને ઓવરહેડ સ્ટ્રોક એ એમની રમતની વિશેષતા હતી.

સુરેશ ગોયલ
1967માં તેમને ભારત સરકાર તરફથી અર્જુન ઍવૉર્ડ એનાયત થયો હતો.
કુમારપાળ દેસાઈ