ગોપન-વ્યૂહ (camouflage) : શત્રુની નજરથી બચવા અને તેને છેતરવા યુદ્ધ દરમિયાન લશ્કર દ્વારા આચરવામાં આવતી નીતિરીતિ. તેને છદ્માવરણ પણ કહે છે. ફ્રેન્ચ શબ્દ ‘camoufler’ પરથી અંગ્રેજીમાં દાખલ થયેલ ‘camouflage’ શબ્દનો પ્રયોગ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન થયેલો. ગોપનનો મુખ્ય હેતુ શત્રુના નિરીક્ષણને નિષ્ફળ બનાવવાનો અને તે દ્વારા તેના ઇરાદાઓ નાકામયાબ કરવાનો હોય છે. તે માટે છદ્મવેષધારણ; પોતાનાં થાણાં, શસ્ત્રો, સાધન-સરંજામ, યુદ્ધનાં ઉપકરણો વગેરેની ગુપ્તતા તેમજ છાવણીઓ અને યુદ્ધભૂમિ વચ્ચે થતી સૈનિકોની અને સાધનોની હેરફેર અંગે શત્રુને છેતરવા માટેનો વ્યૂહ રચાય છે. સિદ્ધાંત રૂપે છદ્માવરણ પ્રકાશ, તાપ અને રંગ આ ત્રણ પ્રાકૃતિક પરિબળોને અધીન હોય છે. પ્રાણીઓ પણ પોતાનું રક્ષણ કરવા માટે રંગવિધાન કે છદ્માવરણની અન્ય રીતોનો ઉપયોગ કરતાં હોય છે.
ગોપનની કળાનો અસરકારક ઉપયોગ કરવા માટે શત્રુની સંચાલન-પ્રચાલન પદ્ધતિઓ, તેની યુદ્ધવિદ્યા તથા તેના દ્વારા સામાન્ય રીતે આચરવામાં આવતી વ્યૂહરચનાનાં જ્ઞાન અને માહિતી અગાઉથી પ્રાપ્ત કરવાં જરૂરી હોય છે. વિશિષ્ટ પ્રકારના છળકપટ સામે શત્રુ કેવો પ્રતિભાવ આપશે તેની સાચી આગાહી કરવાની ક્ષમતા પર ગોપનની સફળતા અવલંબે છે.
ગોપનીયતા અને છેતરામણી શત્રુના જાસૂસીના પ્રયત્નો પર અવળી અસર કરે છે. શત્રુથી માહિતી છુપાવવાથી અથવા તેને માહિતી પૂરી પાડતાં માધ્યમો અને સ્રોતો બંધ કરવાથી માહિતી પ્રાપ્ત કરવાના તેના અવેક્ષણ (surveillance) વધારવાના પ્રયાસોમાં અવરોધ ઊભો કરી શકાય છે. તે રીતે તેનાં યુદ્ધનાં સાધનો અને સૈનિકોને અન્યત્ર વાળી શકાય છે. સાચી માહિતી સાથે ખોટા અહેવાલો ભેળવી દેવાથી શત્રુ પક્ષને ગૂંચવી શકાય છે અને તે દ્વારા તેણે પ્રાપ્ત કરેલી માહિતીનું વિશ્લેષણ કરવાનું તેનું કામ વિલંબમાં નાખી તેના કીમતી સમયનો બગાડ કરાવી શકાય છે. આમ ગોપન શત્રુના સેનાપતિની સાચા નિર્ણય સમયસર લેવાની પ્રક્રિયામાં અવરોધો ઊભા કરીને ખરી કટોકટીને વખતે તેનાં સમય અને સાધનોનો વ્યય કરાવે છે, જે ઘણી વાર ખોટા નિર્ણયો સુધી લઈ જાય છે.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ગોપનના ખ્યાલનું વિસ્તરણ કરી તેમાં શત્રુની ઇરાદાપૂર્વકની છેતરપિંડીનો તથા તેના દ્વારા થતા નિરીક્ષણ અને છાયાંકન સામે પોતાના સૈનિકો અને આયુધોને છુપાવવાની વિવિધ યુક્તિઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. લશ્કરના સૈનિકો અને અધિકારીઓને ગોપનકળાની તાલીમ આપવાનું શરૂ થયું જેમાં સ્થાનની પસંદગી, ગોપનકળા સાથે સંકળાયેલ શિસ્ત અને તેનું આચરણ, ગોપનનો વ્યવહારમાં ઉપયોગ વગેરેનો સમાવેશ થતો. આજુબાજુની પ્રાકૃતિક પૃષ્ઠભૂમિમાં ભળી જવું, પ્રકાશમાં પોતાનો પડછાયો ઊપસી ન આવે તેની તકેદારી રાખવી, ચળકતા સાજસામાનથી પોતાનું રક્ષણ કરવું, રાત્રે ધૂમ્રપાન કરતી વેળાએ જ્યોતને ઢાંકવી વગેરે તાલીમ અપાય છે.
ગોપનમાં પાયાની બાબત શત્રુ ઓળખી ન શકે તે રીતે વર્તવાની હોય છે. તેમાં આઠ પરિબળોનો સમાવેશ થાય છે : સ્થાન, કદ, પડછાયો, રચના, રંગ, અવાજ, હલનચલન અને ચમક. આમાંથી એકે ગોપિત પદાર્થને પ્રગટ કરી ન દે તેની તકેદારી રાખવાની હોય છે.
પ્રકાશચંદ્ર ચતુર્વેદી
અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે