ગૉર્કી, મૅક્સિમ (જ. 28 માર્ચ 1868, નિઝની નોવગોરોડ ગામ, રશિયા; અ. 14 જૂન 1936, નિઝની નોવગોરાડ, રશિયા) : રૂસી લેખક. એમનું મૂળ નામ અલેક્સેઈ મૅક્સિમૉવિચ પેશ્કૉવ હતું. માતાપિતા મૃત્યુ પામતાં થોડો વખત એ દાદા પાસે રહ્યા અને નવ વરસની ઉંમરથી મજૂરીએ લાગ્યા. વહાણના તૂતક પર વાસણ માંજ્યાં, કોઈ બેકરીમાં પાંઉરોટી શેકી અને પછી કારકુની કરી. 1887માં આપઘાત કરવાનુંય વિચારેલું; ઉપનામ ‘ગૉર્કી’ (કડવો) પણ એટલે જ એમણે પસંદ કર્યું હતું. શરૂમાં એમની વાર્તાઓ તિફલિસનાં છાપાંમાં અને પછી પીટર્સબર્ગનાં સામયિકોમાં છપાઈ. 1898માં એમના બે સંગ્રહો પ્રસિદ્ધ થયા અને દેશમાં ચોતરફ એમની પ્રશંસા થઈ. મોટા ભાગની એમની કૃતિઓ સ્વાનુભવને આધારે લખાઈ હતી; એમાં સૌથી વધુ સફળ વાર્તા તે ‘છવીસ માણસો અને એક છોકરી’. 1889માં ‘ફોમા ગર્દેયેવ’ નવલકથામાં વૉલ્ગા નગરના વિલાતા જતા ભદ્રવર્ગીય વેપારીની કથા છે. આ દરમિયાન એમણે પીટર્સબર્ગમાં ‘ઝનાન્યે’ (જ્ઞાન) નામની પ્રકાશનસંસ્થા સ્થાપી અને અનેક નામી-અનામી લેખકોનાં પુસ્તકો પ્રસિદ્ધ કર્યાં. સોશિયલ ડેમૉક્રેટિક પાર્ટીમાં જોડાયા અને માર્કસવાદી ક્રાંતિકારી આંદોલનને ટેકો આપ્યો. 1902માં રશિયન વિજ્ઞાન અકાદમીના સભ્ય તરીકે તત્કાલીન ઝાર સરકારે એમને ચૂંટાવા ન દીધા એના વિરોધમાં ચેખૉવ વગેરે સાહિત્યકારોએ અકાદમીમાંથી રાજીનામાં આપી દીધાં. ગૉર્કીનું સૌથી લોકપ્રિય નાટક તે ‘ના દન્યે’ (‘ઊંડાં અંધારેથી’ – ગુજરાતી અનુવાદ) મૉસ્કો આર્ટ થિયેટરે ભજવ્યું, જેમાં રશિયાના ઝૂંપડાંવાસી ગરીબ લોકોની કરુણ કથની છે.
1905ની બૉલ્શેવિક ક્રાંતિ દરમિયાન તેમની ધરપકડ થઈ; પરંતુ લોકોના વિરોધ સામે ઝૂકી જઈ, ઝારે તેમને છોડવા પડ્યા. 1907માં ક્રાંતિકારી ચળવળમાં ગરીબ મજૂરની અભણ માના ક્રાંતિકારી ફાળા અંગે તેમણે નવલકથા ‘મા’ લખી. 1913થી 1923ની વચ્ચે એમની આત્મકથાના ત્રણ ભાગો પ્રસિદ્ધ થયા : ‘બાળપણ’, ‘લોકોની વચ્ચે’ અને ‘મારાં વિશ્વવિદ્યાલયો’. તત્કાલીન રૂસી સમાજ, સર્જકની મથામણ અને આત્મકથા-લેખનના એ અજોડ નમૂના ગણાય છે. 1917ની ક્રાંતિ આસપાસનાં વર્ષોમાં ગૉર્કીએ વિશ્વસાહિત્ય પ્રકાશિત કરવા એક પ્રકાશનસંસ્થા અને એક કલાભવન તથા એક વિદ્યાભવનની સ્થાપના કરી; પરિણામે અનેક બુદ્ધિજીવીઓને એમાં રોટલો અને ઓટલો મળ્યા. ગૉર્કી ક્રાંતિ પૂર્વેની રૂસી અને ક્રાંતિ પછીની સોવિયેત કલા-સંસ્કૃતિના સેતુરૂપ ગણાયા. કથળતી તબિયત માટે વિદેશવાસ કરતા ગૉર્કીએ કેટલીક નવલકથાઓ અને બે નાટકો લખ્યાં. એમના નેતૃત્વ હેઠળ તત્કાલીન સોવિયેત સરકારે કલાકાર-સર્જકો સમક્ષ ‘સમાજવાદી વાસ્તવવાદ’નો આદર્શ મૂક્યો. 1936માં એમના મૃત્યુ પછી રશિયામાં કલાકારો – બુદ્ધિજીવીઓની સાફસૂફી શરૂ થઈ; જોકે મૃત્યુસમયે ભાવિના એંધાણે ગૉર્કી વ્યથિત હતા. એમની અન્ય મહત્વની કૃતિઓમાં તૉલ્સ્તૉય, ચેખૉવ અને આંદ્રયેવ વગેરે લેખકો વિશેનાં સંસ્મરણો વિશિષ્ટ શૈલીમાં લખાયાં છે. ગૉર્કીની આત્મકથાઓ, નવલકથા ‘મા’, ‘ઊંડા અંધારેથી’ વગેરે નાટકો અને અનેક વાર્તાઓ ગુજરાતીમાં ઉપલબ્ધ છે. ગૉર્કીની ‘મા’ નવલકથાને આધારે જર્મન નાટ્યકાર બર્તોલ્ત બ્રેખ્ત દ્વારા થયેલ નાટ્યરૂપાંતર પણ લોકપ્રિય બન્યું છે.
હસમુખ બારાડી