ગૉઘ, વિન્સેન્ટ વાન (જ. 30 માર્ચ 1853, નેધરલૅન્ડ; અ. 29 જુલાઈ 1890, ફ્રાન્સ) : 37 વર્ષની ટૂંકી જિંદગીમાં લાગણીસભર ચિત્રસર્જનો કરનાર હોલૅન્ડના અગ્રણી ચિત્રકાર.
એક પણ ચિત્ર વેચાતું નહોતું છતાં તેઓ પેઇન્ટિંગ કર્યે જ જતા. એક દિવસ રંગની કિંમત કરતાં વધુ દામે તે વેચાશે તેની તેમને ખાતરી હતી. તેમનું જીવન ગરીબી, હાડમારી, ભૂખ, પ્રેમઝંખના અને છેવટે ગાંડપણ વચ્ચે વીત્યું હતું. ભાઈ થિયો તેમને અંતરના ઊંડાણથી ચાહતો એટલે સ્નેહપૂર્વક રંગ લાવી દેતો.
તેમનાં ચિત્રોમાંના રંગ તેજસ્વી હતા. તેમનો પ્રિય રંગ પીળો હતો. ચિત્રમાં લાવારસની જેમ જુસ્સાથી તે રંગ વાપરતા. જગતના સર્વ કલાકારોમાં વાન ગૉફની રંગ વાપરવાની રીત અનોખી છે. ચિત્રમાં તે બ્રશના અનન્ય લસરકાથી અદભુત અસર ઉપજાવે છે.
તેમણે લૅન્ડસ્કેપ, સ્ટિલ લાઇફ, પૉર્ટ્રેટ, પરિચિત પાત્રો ને છેવટે ખુદ પોતાનાં ચિત્રો કર્યાં છે. બૂટ કે ખુરશી જેવા નિર્જીવ વિષયનું તેમણે ભાવુકતાથી ચિત્રસર્જન કર્યું છે. તેમના બ્રશના લસરકા અદભુત પ્રવાહિતા ધરાવે છે.
આર્ટડીલર, શિક્ષક ને મેથૉડિસ્ટ ઉપદેશક તરીકે નિષ્ફળ કામગીરી બજાવ્યા પછી 1880માં તે ચિત્રકાર થવાનું નક્કી કરે છે. 1885માં ખાણિયાઓ વચ્ચે રહે છે અને ‘પૉટેટો ઇટર્સ’ નામનું ભાવુક ચિત્ર સર્જે છે. 1886માં ભાઈ સાથે પૅરિસ રહે છે. ત્યાં ઇમ્પ્રેશનિસ્ટ કલાકારોના પરિચયમાં આવે છે. તેમનું ઘડતર સ્વતંત્ર રીતે થયું હતું. આમ છતાં ઇમ્પ્રેશનિઝમમાંથી કેટલાંક તત્વો તેમણે સ્વીકાર્યાં છે. 1888માં સાઉથ ફ્રાન્સમાં આરલ જાય છે. ત્યાં તેમનું ખૂબ જાણીતું ચિત્ર ‘સનફ્લાવર’ સર્જાય છે. તે સમયમાં તે ચિત્રકાર ગોગાં સાથે રહે છે. આર્ટિસ્ટ કૉલોનીની કલ્પના કરે છે. આ પ્રેમભૂખ્યા કલાકાર પોતાનો કાન એક રૂપજીવિનીને કાપી આપે છે. 1889માં માનસિક રોગનો ભોગ બને છે ને 1890માં તેમનાં ચિત્રોનું પૅરિસમાં પ્રદર્શન થવાનું હોય છે ત્યારે છાતીમાં ગોળી મારી જિંદગીનો અંત આણે છે.
તેમના થિયો પરના પત્રો અતિમહત્વના છે. એકબીજાને ચાહતા બંને ભાઈઓની કબરો પાસપાસે છે. તેમના જીવનના આધારે ઇર્વિગ સ્ટોને ‘લસ્ટ ફૉર લાઇફ’ નવલકથા લખી છે.
નટુ પરીખ