ગેસ્નેરિયેસી : દ્વિદળી વર્ગના યુક્તદલાના પર્સોનેલીસ ગોત્રનું એક કુળ.
પ્રખ્યાત પ્રકૃતિવિદ કોન્રાડ ગેસ્નરના નામે આ દ્વિદળીના એક કુળને ગેસ્નેરિયેસી નામ અપાયું છે. ગરમ પ્રદેશોનું આ કુળ આશરે 120 પ્રજાતિઓ અને 2,000 જાતિઓ ધરાવે છે.
મહદ્અંશે છોડવા રૂપે હોઈ તે જવલ્લે જ કાષ્ઠમય (woody) હોય છે. ક્ષુપ અથવા મૂળારોહી કે પરરોહી વેલીઓ એમ વિવિધ સ્વરૂપ ધરાવે છે. સાદાં, અખંડિત, દંતુરિત કિનારીવાળાં પર્ણો, સાયમોઝ એકાકી અથવા કલગી પુષ્પવિન્યાસમાં દ્વિલિંગી, અનિયમિત; પંચાવયવી, દલપત્રો દ્વિઓષ્ઠી, બે, ચાર કે પાંચ પુંકેસરો, વંધ્યપુંકેસરો (staminodes) ધરાવે, પ્યાલા કે કંકણાકાર પાંચ ગ્રંથિયુક્ત પુષ્પાસન, ઊર્ધ્વસ્થ કે અધ:સ્થ સ્ત્રીકેસર. દ્વિભાજિત જરાયુ મધ્યમાં એકમેકની સાથે જોડાઈને દ્વિકોટરીય બીજાશય રચે છે સ્ફોટી વિવરભંગી ફળ.
આ કુળ Scrophulariaceae કુળ સાથે ગાઢ સંબંધમાં છે; પરંતુ હેરમાનિયા જેવી પ્રજાતિઓનાં સ્થાન હજી વિવાદાસ્પદ છે.
ગુજરાતમાં ફક્ત એક જ વનસ્પતિ નામે સફેદિયો – Didymocarpus pygmaea Cl. ડાંગ, પાવાગઢ, દેવગઢબારિયા, છોટાઉદેપુર, પંચમહાલ, ઉત્તર ગુજરાતના સારણેશ્વર અને કડી વગેરે સ્થળોએ ભીની દીવાલો, ખડકો તથા પાણીનાં ઝરણાં પાસે છાંયડે ઊગે છે. તે ઝીણકો, રુવાંટીવાળો એક અથવા બે જ પર્ણો ધરાવતો સફેદ ફૂલોમાં બે જ પુંકેસરવાળો છોડ જુલાઈથી નવેમ્બર સુધી પુષ્પ અને ફળ ધારણ કરે છે.
Gloxinera જેવી પ્રજાતિઓ ગાંઠામૂળી પ્રકાંડ ધરાવે છે. Smithi-antha, Kohleria અને Achimenes પ્રજાતિઓ વિરોહથી પ્રજનન કરે છે. જૂના વિશ્વમાં ઊગતી બધી જ પ્રજાતિઓ અંકુરણ પછી અસમાન કદનાં બે બીજપત્રોવાળી છે. વિચિત્રતા તો એ છે કે Streptocarpus અને Monophyllaeaમાં અતિવિકસિત એવું એક જ બીજપત્ર કાયમ રહી એકપર્ણીય ભાસે છે. Ramonda અને Conandronમાં પુષ્પ નિયમિત હોય છે. Columnea લાલ કે નારંગી રંગનાં પુષ્પોમાં ભરપૂર મધ હોઈને પક્ષી વડે પરાગનયન થાય છે. બાકીની પ્રજાતિઓમાં કીટકનયન જોવા મળે છે.
શોભાસ્પદ અને આકર્ષક વિવિધરંગી પુષ્પોને લીધે જેસ્નેરિયા ડગ્લાસી લિન્ડલ, એકીમીનીસ હીસુયડીસી, સાયનેન્જિયા ટ્યૂબીફ્લોરા ફ્રીસ, સા. સ્પેસિયોસા હીર્ન, નિગેલિયા ઝેબ્રિના રિંગલ, એપિસિયા, ટિસ્સેલાટા, લિન્ડેન બગીચાઓમાં ઉગાડાય છે.
મીનુ પરબિયા
દીનાઝ પરબિયા