ગૅલિલિયો ગૅલિલી (Galileo Galieli) (જ. 15 ફેબ્રુઆરી 1564, પીઝા, ઇટાલી; અ. 8 જાન્યુઆરી 1642, ફ્લૉરેન્સ નજીક આર્સેત્રી) : પ્રયોગપદ્ધતિના સ્થાપક તરીકે ઓળખાતા ઇટાલીના ગણિતશાસ્ત્રી, ખગોળવેત્તા અને ભૌતિકશાસ્ત્રી. પિતા સંગીતકાર ગૅલિલી વિન્સેન્ઝો. પ્રાથમિક શિક્ષણ ફ્લૉરેન્સ નજીકના મઠ(monastery)માં લઈ 1581માં પીઝા યુનિવર્સિટીમાં તબીબી વિદ્યાર્થી તરીકે જોડાઈ, ગણિતમાં રસ પડવાથી 1585માં ડિગ્રી પ્રાપ્ત કર્યા વગર યુનિવર્સિટી છોડી દઈ ખાનગી શિક્ષક પાસે ગણિતજ્ઞાન મેળવ્યું. ઘન પદાર્થના ગુરુત્વકેન્દ્ર ઉપર વિવરણગ્રંથ (treatise) પૂરો કરીને 25 વર્ષની વયે 1589માં પીઝાની યુનિવર્સિટીમાં ગણિતમાં વ્યાખ્યાતા બન્યા. તેમણે એવું પ્રતિપાદિત કર્યું કે અવકાશમાંથી પૃથ્વી તરફ પડતા પદાર્થોની ઝડપ તેમના વજનના પ્રમાણ ઉપર આધારિત છે, તેવી ઍરિસ્ટોટલની માન્યતા ખોટી હતી. વળી તેમણે ગણિતીય દલીલોની ભારપૂર્વકની રજૂઆત સાથેનો એક વિવરણગ્રંથ ગતિ (motion) ઉપર લખ્યો હતો. 1592માં પાદુઆની યુનિવર્સિટીમાં ગણિતના પ્રાધ્યાપક બન્યા, જ્યાં તેઓ 1610 સુધી રહ્યા. હાલ સૅક્ટર તરીકે ઓળખાતી, ગણતરી કરવાની યાંત્રિક પ્રયુક્તિની રચના કરી; કૉપરનિકસની પૃથ્વીની ગતિને આધારિત, સમુદ્રમાં થતી ભરતી અંગે યાંત્રિક સમજૂતી આપી અને યંત્રો શક્તિ (power) ઉત્પન્ન કરતાં નથી પરંતુ ફક્ત તેનું રૂપાંતરણ કરે છે તેમ દર્શાવતો યંત્રશાસ્ત્ર પર એક વિવરણગ્રંથ લખ્યો. ગ્રહો સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે તેવા કૉપરનિકસના વાદનું સમર્થન કરવા માટે ગૅલિલિયોને ચર્ચ સાથે વિખવાદ થયો. તેમના કાર્યનો સારો એવો ભાગ યંત્રશાસ્ત્રને લગતો છે અને તેના વિશ્લેષણ માટે ગણિતનો ઉપયોગ કરનાર તેઓ સૌપ્રથમ હતા. ઘડિયાળ માટે લોલકના ઉપયોગનું સૂચન કર્યું અને અવકાશમાંથી પૃથ્વી તરફ પડતા પદાર્થના અચળ પ્રવેગના નિયમનો પ્રસ્તાવ રજૂ કર્યો. ગૅલિલિયોએ ખગોલીય દૂરબીન (terrestrial telescope) વિકસાવ્યું અને તેની મદદથી ચંદ્ર ઉપર જ્વાળામુખી પર્વતનાં મુખ (craters), સૂર્યકલંકો (sunspots), બુધના ગ્રહ(Mercury)ની કળા અને ગુરુ(Jupiter)ના ગ્રહના ઉપગ્રહો(satellites – moons)ની શોધ કરી હતી. વળી તેમણે બતાવી આપ્યું કે આકાશગંગા (Milky Way) તારાઓની બનેલી છે.
કૉપરનિકસના સિદ્ધાંતને અપનાવવા માટે તથા તેનું શિક્ષણ આપવાના અપરાધ માટે તેમના જીવનનાં છેલ્લાં આઠ વર્ષ ઘરમાં નજરકેદની સજા ફરમાવવામાં આવી હતી. તેમની મુખ્ય કૃતિઓ (1) ‘ડાયલૉગ કન્સર્નિગ ધ ટૂ ચીફ વર્લ્ડ સિસ્ટિમ્સ – ટૉલેમિક ઍન્ડ કોપરનિકસ’ (1632) અને (2) ‘ડાયલૉગ કન્સર્નિગ ટૂ ન્યૂ સાયન્સીઝ’ (1638) હતી.
છેલ્લી માહિતી મુજબ આશરે સાડાચારસો વર્ષ પછી નામદાર પોપે ગૅલિલિયોને તેમના ઉપર મૂકેલા આરોપમાંથી મુક્ત થયેલા જાહેર કર્યા છે.
એરચ મા. બલસારા